શું હરિયાણામાં વિપક્ષી એક્તાની નબળાઇ છતી થઇ ગઈ?

Reena Brahmbhatt
3 Min Read

હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં વિજયથી વંચિત રહી ગયેલી કોંગ્રેસ હવે તેના ઇન્ડિ જોડાણના સાથી પક્ષોના નિશાને આવી ગઇ છે. હરિયાણામાં એકલા હાથે લડીને જંગ જીતવાનાં ઓરતાં અધૂરાં રહ્યાંનો આંચકો અનુભવી રહેલી કોંગ્રેસને હવે આંતરખોજની સાથોસાથ મિત્રના આકરાં વલણનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ તો માત્ર એક ટકા ઓછા મત મળવા છતાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસની સામે હવે ઇન્ડિ જોડાણમાં સવાલ જાગવા લાગ્યા છે. આ સવાલો આગામી સમયમાં વિપક્ષી નેતૃત્વના કોંગ્રેસના ઇરાદાને નબળો પાડી શકે તેવા ધારદાર છે.

ઇન્ડિ જોડાણમાં મોટાભાગના સાથી પક્ષોએ કોંગ્રેસને સલાહ આપવાની સાથોસાથ અડકતરી રીતે સવાલ પણ કર્યા છે. ખાસ તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે, તેવા સમયે શિવસેના (ઉદ્ધવ) દ્વારા હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાના કોંગ્રેસના નિર્ણય સામે સવાલ ખડો કર્યો છે, તો તૃણમૂલે કોંગ્રેસ પર અહંકારી હોવાનો આરોપ જ લગાવી દીધો છે. જો કે, કાશ્મીરમાં કોંગ્રેસના સંગાથે ચૂંટણી લડીને સફળ થયેલા નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ તેના સાથી પક્ષને હરિયાણાના પરાજયની સમીક્ષા કરવાની સલાહ આપી છે. હાલત એવી છે કે, હવે તો આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એકલે હાથે ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કરી દીધો છે.

- Advertisement -

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ પેટાચૂંટણી માટે કોંગ્રેસને સાથે રાખવાની દરકાર કર્યા વગર પોતાના છ ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે. હાલત એવી છે કે, ઇન્ડિ જોડાણમાં બિનસત્તાવાર ચર્ચા ચાલી છે કે, કોંગ્રેસ જ્યાં પોતાને મજબૂત માને છે, ત્યાં તે કોઇને સાથે રાખવા ઇચ્છતી નથી, જ્યાં તે નબળી હોય છે, ત્યાં તે સહયોગી પક્ષોની તમામ મદદ લેવા માગે છે. આ ચર્ચા કેટલી સાચી છે, તેની સમીક્ષા તો ખુદ કોંગ્રેસે કરવાની રહેશે, પણ ભૂતકાળના અને હાલના અનુભવો પરથી સ્પષ્ટ રીતે જણાય છે કે, જોડાણમાં સાથી પક્ષો પ્રત્યે તે હંમેશાં ઉદારતા બતાવતી નથી. આવા બધા અનુભવો પરથી ઇન્ડિ જોડાણની નીતિ-રીતિ એક વર્ષમાં છતી થઇ ગઇ છે અને ખાસ તો વિપક્ષી એકતા કેટલી નબળી છે તે જણાઇ આવ્યું છે.

નિષ્ણાતોનો સ્પષ્ટ મત છે કે, વિપક્ષોમાં એકતા ન હોવાને લીધે તેઓ ચૂંટણીઓમાં પૂરતો ફાયદો મેળવી શક્તા નથી. જો આ જોડાણે ખરા અર્થમાં સાથે મળીને ચૂંટણી લડી હોત તો તે ભાજપને ઘેરવામાં સફળ રહ્યંy હોત. જો કે, કોંગ્રેસની ઉપર આરોપ મૂકતાં કે સવાલ ઉઠાવતા જોડાણના પ્રાદેશિક સહયોગીઓએ પણ આત્મમંથન કરવાની ખાસ જરૂરત છે, તેમણે પણ પોતાના પ્રદેશમાં પોતાની તાકાતનો કોંગ્રેસ ફાયદો ઉઠાવી ન જાય એવી સતત ખેવના રાખી છે. ખેરખર તો ઇન્ડિ જોડાણમાં સૌને પોતપોતાની ચિંતા અને ગમા-અણગમા છે.

- Advertisement -

વાસ્તવિક્તા એ છે કે, હરિયાણાની ચૂંટણીનાં પરિણામોએ કોંગ્રેસની નબળાઇ તો છતી કરી છે, તેની સાથોસાથ વિપક્ષી જોડાણની એકતા આભાસી હોવાનું મતદારોને બતાવી આપ્યું છે. હવે કોંગ્રેસે પોતાની હારના પોસ્ટમોર્ટમની સાથોસાથ ઇન્ડિ જોડાણની એકતા માટે ગંભીરતા સાથે મનોમંથન કરવાની જરૂરત છે. જરૂરતો તો ઘણી પણ કોંગ્રેસ આરંભે શૂરાની જેમ ફરી જૂની ઘરેડમાં આવી જશે અને સરવાળે વિપક્ષી જોડાણની એકતા હોડમાં મૂકાશે એમ હાલની તકે જણાઇ રહ્યંy છે.

- Advertisement -
Share This Article