Haseen Mastan Mirza News: મુંબઈ અંડરવર્લ્ડના પ્રથમ ડોન હાજી મસ્તાનની દીકરી હોવાનો દાવો કરનારી હસીન મિર્ઝાએ હવે દિલ્હી પહોંચીને ન્યાયની ગુહાર લગાવી છે. હસીન મસ્તાન મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે દિલ્હીમાં છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાની સાથે થયેલા અત્યાચારની જાણકારી આપતો પત્ર સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે હસીન મસ્તાન મિર્ઝા ગયા વર્ષના અંતમાં સોશિયલ મીડિયા પર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાની સાથે ૧૩ વર્ષની ઉંમરે બળાત્કાર થયો હોવાની સાથે જબરદસ્તી લગ્ન કરાવવાનો આરોપ લગાવી સનસનાટી મચાવી દીધી હતી. હસીન અંડરવર્લ્ડ ડોન રહેલા હાજી મસ્તાનની બીજી પત્નીની દીકરી છે.
ઇન્સ્ટાગ્રામ પર હસીન મિર્ઝાએ મૂક્યો વીડિયો
એક્ટિંગ કરીને જીવનનિર્વાહ કરનારી હસીન મસ્તાન મિર્ઝાના જણાવ્યા મુજબ, “મેં એક લેટર લખ્યો હતો. હું પોતે દિલ્હી આવી. મને પીએમ મોદી અને પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુની ઓફિસમાંથી એક વેરિફિકેશન લેટર મળ્યો છે. હું આનાથી બહુ ખુશ છું.” હસીન મિર્ઝાએ કહ્યું કે, “હું હવે કહી શકું છું કે મોદી છે તો મુમકિન છે. મને ભરોસો છે કે હવે મને મારા કેસમાં ઇન્સાફ મળશે.” હસીન મસ્તાન મિર્ઝાનો આરોપ છે કે હૈદરાબાદમાં રહેતા સંબંધમાં મામાના દીકરા સાથે તેના લગ્ન જબરદસ્તી કરાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, માતા બનવા પર ગર્ભપાત કરાવી દેવામાં આવ્યો હતો. હસીન મસ્તાન મિર્ઝાનો આરોપ છે કે પિતાની પ્રોપર્ટી માટે તેની સાથે અત્યાચાર થયો. હસીન મસ્તાન મિર્ઝાએ એક નાનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ઘણી ખુશ દેખાઈ રહી છે.
ઇન્ટરવ્યુમાં લગાવ્યા હતા મોટા આરોપ
એક ઇન્ટરવ્યુમાં હાજી મસ્તાનની દીકરી હસીને કહ્યું હતું કે તેના મામાના દીકરા, નસીર હુસૈને તેની સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં ૧૯૯૬માં જ્યારે તે માત્ર ૧૨ વર્ષની હતી, ત્યારે તેના જબરદસ્તી લગ્ન કરાવી દીધા હતા. તેણે સ્પષ્ટ કર્યું કે તેની સાથે જે પણ મુસીબત આવી છે, તેને હાજી મસ્તાનની દીકરી હોવાની તેની ઓળખ સાથે કોઈ સંબંધ નથી. આ બધું તેના પિતાના મૃત્યુ પછી જ શરૂ થયું છે. હસીને દાવો કર્યો કે કથિત ગુનાઓના સમયે તે સગીર હતી અને તેની ઓળખ છુપાવ્યા બાદ તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. માનસિક ઉત્પીડન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રોપર્ટીથી વંચિત કરી દેવામાં આવી. હસીન મિર્ઝાનું કહેવું છે કે તે ૨૦૧૩ થી આ મામલે લડત ચલાવી રહી છે, પરંતુ બાદમાં આર્થિક તંગીના કારણે સતત આના પર કાર્યવાહી કરી શકી નહીં. હસીને એવો પણ આરોપ લગાવ્યો કે આ દરમિયાન તેને પોલીસ તરફથી કોઈ સહયોગ મળ્યો નથી.

