નવી દિલ્હી, તા. 11 : શેરબજાર નિયામક સેબીનાં અધ્યક્ષ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ પર આરોપ મૂકતાં ગઈકાલે શનિવારની મોડી રાતના હિંડનબર્ગના અહેવાલની પ્રતિક્રિયામાં અદાણી જૂથે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે, આ આરોપો દુર્ભાગ્યપૂર્ણ?છે અને નફો કમાઇ લેવાની તોફાની હરકત છે. સેબી અધ્યક્ષાએ પણ આરોપોને ખોટા અને ચારિત્ર્યહનનના પ્રયાસરૂપ ગણાવ્યા હતા. અદાણી જૂથે આરોપો ફગાવતાં જણાવ્યું હતું કે, અમેરિકી ફર્મ?હિંડનબર્ગે ખોટા ઈરાદા સાથે તથ્ય અને કાયદાઓની અવગણના કરીને અંગત લાભ મેળવવા માટે આ દાવો કર્યો છે. અમારી છબીને ખરડવાના મલિન ઇરાદે કરાયેલા આ આક્ષેપોમાં જેમનો નામોલ્લેખ છે તેમની સાથે અદાણી જૂથને કોઇ જ વ્યાવસાયિક સંબંધ નથી. આ કૃત્ય અંગત ફાયદા માટે કરાયું છે. રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટ માર્ચ 2023માં જ જેને ફગાવી ચૂકી છે તેવા અગાઉ જ પાયાવિહોણા સાબિત થઇ ચૂકેલા આરોપોને નવેસરથી રજૂ કરાયા છે.

અગાઉથી નક્કી કરાયેલા તારણો સુધી પહોંચવા માટે જાહેર વિગતોમાંથી પોતાની પસંદના ટુકડા ઉપાડીને મનઘડંત અર્થઘટન મુજબ રિપોર્ટ બનાવાયો છે. શોર્ટ સેલરે ભારતીય સિક્યુરિટીના કાયદાનું અનેકવાર ઉલ્લંઘન કર્યું છે અને આ આક્ષેપો આધારહિન અને ભારતીય કાયદાની અવમાનના સમાન છે. અગાઉ પણ આરોપોની તટસ્થપણે તપાસ કરાઈ હતી અને નિરાધાર પૂરવાર થયા હતા. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આરોપોને ફગાવી દેવાયા છે, તેવું અગ્રણી ઉદ્યોગ જૂથે જણાવ્યું હતુ. અદાણી જૂથે કહ્યું હતું કે, અમારી વિદેશી હોલ્ડિંગની સંરચના પૂર્ણપણે પારદર્શક છે, તેવું વધુ એકવાર કહેવું પડે છે. હિંડનબર્ગ?દ્વારા નવા અહેવાલમાં શનિવારે મુકાયેલા આરોપો અમારી પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે ઈરાદાપૂર્વક કરાયેલી કોશિશ છે, તેવું અદાણી જૂથે કહ્યું હતું. અદાણી જૂથના પ્રવક્તાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, અનિલ આહુજા અદાણી પાવરમાં 2007-2008 દરમ્યાન 3આઇ ઇન્વેસ્ટમેન્ટ ફંડના નોમિની ડિરેક્ટર હતા અને બાદમાં 2017 સુધી તેઓ અદાણી એન્ટરપ્રાઇસીઝના ડિરેક્ટર હતા. અદાણી જૂથનો કોઇ વ્યક્તિઓ સાથે કોઇ વ્યાવસાયિક સંબંધ નથી. આ ગણતરીપૂર્વકના પ્રયાસોમાં જણાવાયેલી બાબતો સાથે અમારે કોઇ લેવાદેવી નથી. બીજી તરફ, સેબી અધ્યક્ષા માધવી અને તેમના પતિ ધવલ બૂચે પણ અમેરિકી શોર્ટસેલિંગ ફર્મના આરોપોમાં કોઈ સત્ય નથી, તેવી પ્રતિક્રિયા આપી હતી. અમારું જીવન અને નાણાકીય વ્યવહારો ખુલ્લી કિતાબ જેવાં છે.
કોઈ જ વાત છુપાવવી પડે તેવી નથી, તેવું માધવીએ જણાવ્યું હતું. ખાસ તો `સેબી’ દ્વારા જે કારણદર્શક નોટિસ અપાઇ હતી તેના જવાબરૂપે હિંડનબર્ગે શેરબજાર નિયામક સંસ્થાની છબી ખરડવા સાથે અમારા ચારિત્ર્ય હનનની કોશિશ કરાઇ છે તેવું આઇઆઇએમ, અમદાવાદની છાત્રા રહી ચૂકેલા માધવી અને આઇઆઇટી, દિલ્હીના પૂર્વ છાત્ર ધવલ બૂચે રવિવારે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. બૂચ દંપતીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકી કંપની હિંડનબર્ગે જે દસ્તાવેજોની વાત નવા અહેવાલમાં કરી છે તે એ સમયગાળાના છે જ્યારે સેબીમાં કોઇ હોદ્દો નહોતો અને અમે સામાન્ય નાગરિક હતા. હિંડનબર્ગે જે રોકાણની વાત કરી છે તે માધવી સેબીમાં જોડાયા તેના બે વર્ષ પહેલાની છે. હિંડનબર્ગે ભારતમાં વિવિધ પ્રકારના ઉલ્લંઘનો બદલ સેબી તરફથી મળેલી કારણદર્શક નોટિસનો જવાબ આપવાના સ્થાને ઊલટું સેબીની વિશ્વસનીયતા પર પ્રહાર કરીને પોતાના ગુના પર ઢાંકપિછોડાનો પ્રયાસ કર્યો છે, તેવું માધવી અને ધવલ બૂચે જણાવ્યું હતું.

