Independence Day PM Modi Major Announcement: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે યુવાનોને લઈને નોકરિયાત વર્ગને ખાસ ભેટ આપી છે. તેમણે શુક્રવારે (15 ઓગસ્ટ) યુવાનો માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી છે, જે આશરે 3.5 લાખ યુવાનો માટે રોજગારની નવી તક પેદા કરશે. આ યોજનાની શરૂઆત આજથી જ કરવામાં આવશે.
વિકસિત ભારત રોજગાર યોજના
પીએમ મોદીએ લાલ કિલ્લાની પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના યુવાનો માટે મોટા સમાચાર છે. આજે 15 ઓગસ્ટે, હું મારા દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજના શરૂ કરી રહ્યો છું. આજથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા છોકરાઓ અને છોકરીઓને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. આનાથી 3.5 કરોડ યુવાનોને રોજગાર મળશે.
GSTને લઈને મોટી જાહેરાત
વળી, GSTને લઈને પણ વડાપ્રધાને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દિવાળીથી અમે જીએસટી રિફોર્મ લઈને આવી રહ્યા છીએ. જે હેઠળ હાલના જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ ટેક્સ સ્લેબને પણ તર્કસંગત બનાવવામાં આવશે.
GST સ્લેબમાં થશે ઘટાડો
GST હેઠળ અનેક પ્રકારના ટેક્સ સ્લેબ છે, જે વસ્તુઓ પર અલગ-અલગ છે. નવા જીએસટી રિફોર્મ હેઠળ આ તમામ વસ્તુઓ પર લાગનારા GSTની સમીક્ષા કરવામાં આવશે, ત્યાર બાદ એ નક્કી કરવામાં આવશે કે, કઈ વસ્તુ પર કેટલો જીએસટી દર લાગુ થશે. હાલ જીએસટી સ્લેબ 0%, 5%, 12%, 18%, 28% લાગુ છે. આ સિવાય કિંમતી ધાતુ પર 0.25% અને 3% ના વિશેષ દર લાગુ છે. અહેવાલો અનુસાર, આ સ્લેબમાં ઘટાડો થઈ શકે છે.
સુદર્શન ચક્ર મિશન લૉન્ચ કરશેઃ PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરવા જઈ રહ્યો છે. આ સુદર્શન ચક્ર એક શક્તિશાળી શસ્ત્ર પ્રણાલી હશે, જે ફક્ત દુશ્મનના હુમલાને જ નહીં, પણ દુશ્મન પર અનેક ગણો વળતો પ્રહાર પણ કરશે. અમે આગામી દસ વર્ષમાં સુદર્શન ચક્ર મિશનને પ્રખરતાથી આગળ લઈ જઈશું. આ હેઠળ, 2035 સુધીમાં દેશના તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને આ રાષ્ટ્રીય સુરક્ષા કવચથી આવરી લેવામાં આવશે. આ સુરક્ષા કવચનો વિસ્તાર થતો રહેશે. દેશના દરેક નાગરિકે સુરક્ષિત અનુભવ કરી શકશે. આ માટે, હું 2035 સુધીમાં આ રાષ્ટ્રીય સુરક્ષા કવચનો વિસ્તાર કરવા માંગુ છું, તેથી શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને, અમે સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કર્યો છે.
10 નવા પરમાણુ રિએક્ટર બનાવવાનું કામ શરૂ
રાષ્ટ્રને સંબોધન કરતી વખતે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ. 10 નવા પરમાણુ રિએક્ટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણે પરમાણુ ઊર્જાની ક્ષમતામાં 10 ગણો વધારો કરીશું. આ સેક્ટરમાં ખાનગી ક્ષેત્ર માટે પણ રસ્તા ખુલી ગયા છે.
સેમિકન્ડક્ટર અને ઊર્જામાં ભારત આત્મનિર્ભર બનશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવાની યોજના 50-60 વર્ષ પહેલા આવી હતી, પરંતુ ફાઇલો અટવાઈ ગઈ, વિલંબ થયો અને ખોવાઈ ગઈ. 50 વર્ષ પહેલા સેમિકન્ડક્ટર ફાઇલ દફનાવવામાં આવી હતી. પરંતુ હવે મેડ ઇન ઈન્ડિયા સેમિકન્ડક્ટર બજારમાં આવશે. છ યુનિટ બનાવવામાં આવ્યા છે અને ચાર વધુ સેમિકન્ડક્ટર યોજનાઓને લીલી ઝંડી આપવામાં આવી છે. પરંતુ આ વર્ષના અંત સુધીમાં, ભારતમાં, ભારતના લોકો દ્વારા બનાવેલી, સેમિકન્ડક્ટર ચિપ બજારમાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ઊર્જા માટે ઘણા દેશો પર નિર્ભર છીએ. પેટ્રોલ, ડીઝલ, ગેસ માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. આપણે આ કટોકટીમાંથી દેશને આત્મનિર્ભર બનાવવો પડશે. આજે, 11 વર્ષમાં, સૌર ઊર્જા 30 ગણી વધી ગઈ છે.