ભારતે એશિયાની ત્રીજી મહાસત્તા તરીકે સ્થાન મેળવ્યું

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 24 : ઝડપથી આગળ વધી રહેલા ભારતે એશિયાની ત્રીજી મહાસત્તા તરીકે સ્થાન મેળવ્યું છે. થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક લોવી ઈન્સ્ટિટયૂટ દ્વારા બહાર પાડવામાં આવેલી `એશિયા પાવર ઈન્ડેક્સ’ના રેન્કિંગમાં ભારતે રૂસ અને જાપાન જેવી મહાશક્તિઓને પાછળ છોડી ટોચના ત્રણ દેશમાં સ્થાન મેળવ્યું હતું. એશિયા ભૌગોલિક ક્ષેત્રમાં અમેરિકા અને ચીનનો દબદબો કાયમ છે. આ બંને દેશ બાદ ભારત ત્રીજી સૌથી મોટી મહાશક્તિના રૂપમાં સામે આવ્યું છે. ભારતે રૂસ અને જાપાનને પાછળ છોડયા હતા.

આ રેન્કિંગમાં 39.1ના સ્કોર સાથે ભારતે પોતાની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. જાપાન 38.9ના સ્કોર સાથે ચોથા સ્થાને ધકેલાયું હતું. પાકિસ્તાનની હાલત તો આ રેન્કિંગમાં અત્યંત કંગાળ છે. લોવીના અહેવાલમાં એ બાબતનો ખુલાસો કરાયો હતો કે એશિયામાં શક્તિનું સંતુલન હજુ પણ અમેરિકા અને ચીનના હાથમાં છે. જો કે ભારતની ઊભરતી તાકાત આ સ્થિતિને બદલી શકે છે. ચીનની આર્થિક અને સૈન્ય વૃદ્ધિ સતત જારી છે, પરંતુ તેની શક્તિ સ્થિર થઈ ગઈ છે. બીજી તરફ ભારતની સ્થિતિમાં સુધારો દેખાય છે અને તેણે જાપાન અને રૂસને પાછળ રાખ્યા છે.

- Advertisement -

japan

આ હેવાલમાં 81.7ના સ્કોર સાથે અમેરિકા પહેલા ક્રમે છે. 72.7 સ્કોર સાથે ચીન બીજા ક્રમે, ભારત 39.1 સ્કોર સાથે ત્રીજા ક્રમે, 38.9 સ્કોર સાથે જાપાન ચોથા ક્રમે, પાંચમા ક્રમે 31.9 સ્કોર સાથે ઓસ્ટ્રેલિયા છે. આ યાદીમાં રશિયા 31.1 સ્કોર સાથે એક સ્થાન નીચે ગગડી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જ્યારે 14.6 સ્કોર સાથે પાકિસ્તાન આ યાદીમાં 16મા સ્થાને છે. એજન્સી મુજબ ભારતની વધતી તાકાતનો મુખ્ય આધાર તેની વિશાળ જનસંખ્યા અને ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે.

- Advertisement -

અહેવાલમાં ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો વધારો થયો છે. આ સાથે ભવિષ્યના સંશાધનોના સંદર્ભમાં ભારતના સ્કોરમાં 8.2 પોઈન્ટનો વધારો થયો છે. આ રિપોર્ટના પરિણામે ભારતની શક્તિને વૈશ્વિક રાજકારણમાં એક નવી દિશા મળશે તેમજ ભારતનું કદ પણ વધશે. જેમ-જેમ ભારત પોતાના સંશાધનોનો યોગ્ય ઉપયોગ કરશે અને પોતાની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારશે તે એશિયામાં એક પ્રમુખ શક્તિના રૂપમાં ઊભરી આવશે. આ પરિવર્તન ન માત્ર ભારત માટે પરંતુ સમગ્ર?એશિયા માટે પણ મહત્ત્વપૂર્ણ હશે.

- Advertisement -
Share This Article