India becomes 4th largest economy: ભારતે વૈશ્વિક આર્થિક મંચ પર વધુ એક મોટી છલાંગ લગાવી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ જાહેરાત કરતાં કહ્યું કે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.
નીતિ આયોગના CEOએ આપી માહિતી
આ આંકડા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) ના તાજેતરના ડેટા પર આધારિત છે. નવી દિલ્હીમાં યોજાયેલી 10મી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ સુબ્રમણ્યમે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.
ભવિષ્ય માટે કરી ભવિષ્યવાણી
તેમણે કહ્યું કે “ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. આપણી અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગઈ છે. આ મારો ડેટા નથી પણ IMFનો છે. ભારત હવે જાપાનથી આગળ નીકળી ગયું છે.” હવે ભારતથી આગળ ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ છે. જો ભારતની આર્થિક પ્રગતિ આવી જ ગતિએ ચાલુ રહેશે તો આગામી 2 થી 3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
ભારત અને જાપાન જીડીપી કેટલો?
IMFના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ 2025) રિપોર્ટ અનુસાર, 2026 માં ભારતનો GDP લગભગ 4,187 અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો GDP 4,186 અબજ ડૉલર રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે 2024 સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. IMFનો અંદાજ હતો કે 2025 અને 2026માં ભારતનો વિકાસ દર અનુક્રમે 6.2% અને 6.3% રહી શકે છે.