India-Brazil Relations 2026: ૨૦૨૬ ગ્લોબલ ડિપ્લોસી: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર સામે લુલા અને મોદીની માસ્ટર સ્ટેટજી! ફેબ્રુઆરીમાં ભારત આવશે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ‘ગ્લોબલ સાઉથ’ બનશે નવો પાવર સેન્ટર

Arati Parmar
4 Min Read

India-Brazil Relations 2026: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા આ વર્ષે બ્રિક્સ (BRICS) શિખર સંમેલન માટે નવી દિલ્હી આવવાના હતા, જેની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. પરંતુ, તે પહેલા જ તેમની ભારત આવવાની યોજના બની ગઈ છે. તેમણે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. તેઓ ૧૯ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી ભારતમાં રહેશે અને સંભવતઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિખર સંમેલન (AI summit) માં પણ સામેલ થશે. આ શિખર સંમેલન માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિત અનેક ગ્લોબલ લીડર્સ નવી દિલ્હી આવી રહ્યા છે. પરંતુ, લુલાની ભારત મુલાકાતનું મહત્વ માત્ર AI સમિટ પૂરતું મર્યાદિત નથી. આ મુલાકાત આગામી દિવસોમાં ગ્લોબલ સાઉથ માટે અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે.

ટ્રમ્પની ટેરિફ નીતિના કટ્ટર વિરોધી છે લુલા

બ્રાઝિલ અને ભારત જ એવા દેશો છે, જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનું પરિણામ સૌથી પહેલાથી ભોગવી રહ્યા છે. લુલા તો ટ્રમ્પની ટેરિફ નીતિઓના કટ્ટર વિરોધી છે. એવામાં તેમની આ ભારત મુલાકાતના અર્થ ખૂબ જ મહત્વના બની જાય છે. ભારત અને બ્રાઝિલના સંબંધોનું મહત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક લાઈનથી સ્પષ્ટ થઈ જાય છે, જે તેમણે ‘X’ પર તેમની સાથે થયેલી વાતચીતની જાણકારી આપતા લખી છે. પીએમ મોદીનું કહેવું છે કે, ‘ગ્લોબલ સાઉથના સમાન હિતોને આગળ લઈ જવા માટે આપણો ગાઢ સહયોગ આવશ્યક છે.’

- Advertisement -

બ્રિક્સના માધ્યમથી ગ્લોબલ સાઉથ માટે વોકલ

ભારત અને બ્રાઝિલ બંને દેશો માત્ર ગ્લોબલ સાઉથની એકજૂથતાના સમર્થક નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારા અને બહુપક્ષવાદ (Multilateralism) પ્રત્યે પણ અડગ છે. ભારત અને બ્રાઝિલ બ્રિક્સના સ્થાપક સભ્યો છે. આ વર્ષનું બ્રિક્સ સમિટ ભારતમાં થવાનું છે અને ભારત તેની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. આ વૈશ્વિક સંસ્થાનો એક મોટો એજન્ડા પરસ્પર વેપાર માટે અમેરિકી ડોલરના વિકલ્પની શોધ છે, જે ટ્રમ્પ માટે માથાનો દુખાવો બન્યો છે. ગયા વર્ષે તેમણે જે રીતે બંને દેશો પર ૫૦% ટેરિફ લાદ્યો હતો, તેના બેકગ્રાઉન્ડમાં બ્રિક્સ પણ રહ્યું છે.

વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત આવી રહ્યા છે લુલા

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા એવા સમયે ભારત આવી રહ્યા છે જ્યારે અમેરિકી નીતિઓને કારણે વિશ્વમાં અસ્થિરતાની સ્થિતિ સર્જાઈ છે. પહેલા તેમણે ટેરિફને લઈને વૈશ્વિક દહેશત પેદા કરી, પછી વેનેઝુએલાથી લઈને ગ્રીનલેન્ડ સુધીના મુદ્દે હોબાળો મચાવ્યો. ઈરાન પરના તેમના નિવેદનથી જે તણાવની સ્થિતિ સર્જાઈ હતી, તે હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થઈ નથી. અત્યાર સુધી નાટો અને યુરોપના દેશો સંપૂર્ણ રીતે અમેરિકાની પાછળ ઉભેલા દેખાતા હતા, પરંતુ આજે તેમના મૂળ પણ હચમચી ગયા છે. આવા સમયે જ ટ્રમ્પે ગાઝામાં સંઘર્ષ રોકવા માટે ‘બોર્ડ ઓફ પીસ’ ની જાહેરાત કરી છે અને ભારત-બ્રાઝિલને પણ તેમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે, જેનાથી બંને દેશોએ હાલમાં અંતર જાળવી રાખ્યું છે.

- Advertisement -

ભારત-બ્રાઝિલનું જીઓપોલિટિક્સમાં મહત્વ

ભારત અને બ્રાઝિલ વચ્ચે ઘણી સમાનતાઓ રહી છે. બંને સંસ્થાનવાદથી પીડિત રહ્યા છે અને બંનેની લોકશાહી બહુરંગી છે. ભારતની તુલનામાં ભલે ઓછી હોય, પરંતુ બ્રાઝિલ પણ મોટી વસ્તી ધરાવતો દેશ છે, જેના કારણે ભારતની જેમ તેની પાસે પણ મોટું સ્થાનિક બજાર છે અને બંને દેશોના ઉદ્યોગીકરણનો ઇતિહાસ પણ લગભગ એક સરખો જ રહ્યો છે. બંને દેશોમાં સંરક્ષણ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા, ટેકનોલોજી અને ઔદ્યોગિક ભાગીદારીની ઘણી સંભાવનાઓ છે, તેથી આ બંને દેશો વર્તમાન અને ભવિષ્યના જીઓપોલિટિક્સ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

ગ્લોબલ સાઉથને નેતૃત્વ આપવાની તૈયારી

બ્રિક્સનો આજે જે રીતે વિસ્તાર થયો છે, તેને કારણે ભારત અને બ્રાઝિલની પાર્ટનરશિપનું મહત્વ વધુ વધી ગયું છે. કારણ કે, બ્રિક્સના દેશોમાં વિશ્વની લગભગ અડધી વસ્તી રહે છે અને વૈશ્વિક જીડીપીમાં તેનો હિસ્સો લગભગ ૪૦% છે. એવામાં બ્રિક્સના માધ્યમથી બંને દેશો ગ્લોબલ સાઉથને નેતૃત્વ આપવા માટે ખૂબ જ સારી સ્થિતિમાં છે.

- Advertisement -
Share This Article