Gurugram IVF Treatment Scandal: સાવધાન! વિજ્ઞાનના વરદાન પાછળ મેડિકલ માફિયાનો ખૌફનાક ખેલ?
“નવ મહિના સુધી જે વહાલસોયી દીકરીઓને મેં લોહીથી સીંચી, તે મારી છે જ નહીં!” – ગુરુગ્રામની એક લાચાર માતાની આ કંપારી છૂટી જાય તેવી કહાની વાંચીને કોઈપણ દંપતીનો આત્મા કૂદી ઉઠશે. જો તમે અથવા તમારા કોઈ સંબંધી IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) ટેકનોલોજી દ્વારા માતા-પિતા બનવાનું વિચારી રહ્યા છો, તો આ ચોંકાવનારો કિસ્સો લાલબત્તી સમાન છે.
શું છે આખો મામલો?
ગુરુગ્રામના રાહુલ રાઠોડ અને મીનુ રાઠોડે દિલ્હીના ગ્રેટર કૈલાશ સ્થિત એક પ્રતિષ્ઠિત ઇનફર્ટિલિટી ક્લિનિકમાં IVF ટ્રીટમેન્ટ કરાવી હતી. જાન્યુઆરી ૨૦૨૬માં મીનુએ બે સુંદર જોડિયા બાળકીઓને જન્મ આપ્યો. ઘરમાં ખુશીઓ હતી, પણ જેમ-જેમ દિવસો વિત્યા તેમ બાળકીઓનો ચહેરો માતા-પિતા સાથે બિલકુલ ન મળતા શંકા ગઈ.
જ્યારે આ શંકા દૂર કરવા DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો, ત્યારે જે રિપોર્ટ આવ્યો તેણે પરિવારના પગ નીચેથી જમીન સરકાવી દીધી! રિપોર્ટે સાબિત કર્યું કે બંને બાળકીઓ બાયોલોજીકલી રાહુલ કે મીનુની છે જ નહીં!
‘ભ્રૂણની અદલાબદલી’ (Embryo Swap): મોટી બેદરકારી કે આંતરરાષ્ટ્રીય રેકેટ?
દંપતીનો આક્ષેપ છે કે ડોક્ટરોએ તેમના જ સ્પર્મ અને એગ્સનો ઉપયોગ કરવાનો ભરોસો આપ્યો હતો, પરંતુ વાસ્તવમાં મીનુના ગર્ભમાં કોઈ અન્ય અજાણ્યા દંપતીનું ભ્રૂણ ટ્રાન્સફર કરી દેવાયું હતું. પીડિત માતાએ રડતા રડતા કહ્યું: “જેમ હું મારા અસલી બાળક માટે તડપી રહી છું, તેમ જ કોઈ બીજી માતા પણ પોતાના બાળક માટે તડપતી હશે, જે કદાચ આ ક્લિનિકના પાપે ક્યાંક બીજે પહોંચી ગયું છે.”
આ મામલો સામે આવ્યા બાદ પીડિત પરિવારને વિદેશથી પણ એવા દંપતીઓના ફોન આવી રહ્યા છે જેમની સાથે આવી છેતરપિંડી થઈ છે, જે દર્શાવે છે કે આ કોઈ નાની ભૂલ નથી પણ એક ઇન્ટરનેશનલ ફર્ટિલિટી સ્કેમ હોઈ શકે છે!
કોર્ટે આપ્યા કડક આદેશ
દિલ્હીની અદાલતે આ ગંભીર ગુનાની નોંધ લઈને પોલીસને તાત્કાલિક FIR નોંધી ઊંડાણપૂર્વક તપાસ કરવા આદેશ આપ્યો છે. હોસ્પિટલના લેબ દસ્તાવેજો, સીસીટીવી (CCTV) અને ઇલેક્ટ્રોનિક ડેટા જપ્ત કરવાની માંગ કરાઈ છે. આ અમાનવીય કૃત્ય પાછળ જે પણ મેડિકલ માફિયા હશે તેની કુંડળી હવે કાનૂની સકંજામાં આવશે.
IVF કરાવતા દંપતીઓ માટે કડક ચેતવણી:
આ ઘટના આંખો ઉઘાડનારી છે. કોઈપણ ક્લિનિક પર આંધળો વિશ્વાસ ન કરો:
૧. ક્લિનિક અને ડોક્ટરના ટ્રેક રેકોર્ડની પૂરતી તપાસ કરો.
૨. લેબોરેટરી પ્રક્રિયાઓ અને સેમ્પલ ટ્રેકિંગ (Sample Tracking) ની પારદર્શિતા વિશે સવાલો પૂછો.
૩. કાયદાકીય કાગળો અને સહમતિ પત્રોને ધ્યાનથી વાંચો.

