India Russia US Oil Import 2026: વીતેલા મહિનાઓમાં અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા માટે દબાણ બનાવ્યું હતું. પરંતુ હવે અમેરિકી નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે તેમનો દેશ ભારતીય રિફાઇનરીઓને મર્યાદિત સમય માટે રશિયન તેલ ખરીદવાની “મંજૂરી” આપશે. શુક્રવાર, છ માર્ચના રોજ ઇન્ટરવ્યૂમાં બેસેન્ટે કહ્યું, “ભારતીયોએ ઘણું સારું કામ કર્યું. અમે તેમને પ્રતિબંધિત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું હતું. તેમણે તેમ કર્યું.” તેમણે આગળ કહ્યું, “તેઓ તેની જગ્યાએ અમેરિકી તેલ લેવાના હતા. પરંતુ દુનિયાભરમાં તેલની અસ્થાયી અછતને ઓછી કરવા માટે અમે તેમને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપી છે. અમે બીજા રશિયન તેલ પર લાગેલા પ્રતિબંધો પણ હટાવી શકીએ છીએ.” તે જ દિવસે બેસેન્ટે એક્સ (X) પર એક પોસ્ટમાં કહ્યું કે (ભારતીય રિફાઇનરીઓને) 30 દિવસની આ છૂટ સમુદ્ર દ્વારા તેલનો પુરવઠો ખોરવાવાને કારણે આપવામાં આવી છે અને તેનાથી રશિયાની સરકારને બહુ આર્થિક લાભ થવાનો નથી.
ઓગસ્ટ 2025 માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દીધો હતો. આ દુનિયાભરના દેશો પર લાગેલા સૌથી વધુ ટેરિફમાંનો એક હતો. જેમાં ભારત પર રશિયન તેલ ખરીદવાને કારણે લાગેલો 25 ટકા વધારાનો ટેરિફ પણ સામેલ હતો. ટ્રમ્પ પ્રશાસનનો તર્ક હતો કે રશિયન તેલ ખરીદીને ભારત યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની નાણાકીય મદદ કરી રહ્યું છે.
અમેરિકી ટેરિફ બાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતે તેલ માટે રશિયા પર પોતાની નિર્ભરતા ઓછી કરી છે. ત્યારબાદ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતીના મુસદ્દા પર સહમતી બની, તો ટ્રમ્પ પ્રશાસને રેસીપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો અને વધારાનો 25 ટકા ટેરિફ પણ હટાવી દીધો.
ભારત રશિયા પાસેથી પહેલા કેટલું તેલ ખરીદતું હતું?
આંકડા જણાવે છે કે રશિયા હંમેશા ભારતને કાચું તેલ સપ્લાય કરનારો મોટો દેશ રહ્યો નથી. જાન્યુઆરી 2022 માં ભારતના તેલ આયાતમાં તેનો હિસ્સો માત્ર 1.8 ટકા હતો. પરંતુ યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતે રાહત દરે મળી રહેલા રશિયન તેલની આયાત વધારી દીધી. જુલાઈ 2024 સુધી ભારતના કાચા તેલની આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 44.6 ટકા સુધી પહોંચી ગયો હતો.
આ વર્ષે બે ફેબ્રુઆરીએ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતી પર સહમતીની જાહેરાત પહેલા ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી, “તેમણે (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી ક્યાંય વધારે તેલ ખરીદવા પર સહમતી દર્શાવી છે…” પછીથી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો અને કહ્યું કે ભારતે રશિયન તેલ ખરીદી બંધ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી નથી. તેમણે કહ્યું કે ભારતના તેલ આયાતનો નિર્ણય દેશના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
જોકે આંકડા જણાવે છે કે ડિસેમ્બર 2025 થી ભારતે રશિયા પર પોતાની નિર્ભરતા ઓછી કરવાની શરૂ કરી દીધી હતી. નવેમ્બર 2025 માં તેલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો 35 ટકા હતો, જ્યારે તેના પછીના મહિને તે ઘટીને 24.9 ટકા રહી ગયો. જાન્યુઆરી 2026 માં રશિયન તેલનો હિસ્સો વધુ ઘટીને 20.6 ટકા રહી ગયો. ઓગસ્ટ 2022 પછી આ સૌથી નીચલું સ્તર છે. તે સમયે રશિયન તેલનો હિસ્સો 16.5 ટકા હતો.
ભારતીય તેલ આયાતના સ્ત્રોતોમાં વિવિધતા
જ્યારે ભારતીય રિફાઇનરીઓએ રશિયન કાચા તેલના ઓર્ડર ઓછા કર્યા, ત્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) થી તેલની ખરીદીમાં વધારો થયો. જાન્યુઆરી 2026 માં ભારતે પોતાના કાચા તેલનો 17 ટકા હિસ્સો સાઉદી અરેબિયાથી આયાત કર્યો, જ્યારે એક વર્ષ પહેલા તે 12 ટકા હતો. તે જ રીતે ભારતના કાચા તેલની આયાતમાં UAE નો હિસ્સો જાન્યુઆરી 2025 ના 7.3 ટકાથી વધીને આ વર્ષે જાન્યુઆરીમાં 9.3 ટકા થઈ ગયો.
ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) બંધ કરવાથી તેલનો સપ્લાય ખોરવાયો છે. આ જ કારણે ટ્રમ્પ પ્રશાસનને રશિયન તેલ પર છૂટની જાહેરાત કરવી પડી. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ તેલ માર્ગોમાંનો એક છે. દુનિયાના લગભગ 20 ટકા તેલ અને LNG ની અવરજવર આ જ જળમાર્ગથી થાય છે.
ભારતને મળેલી ‘છૂટ’ ને નિષ્ણાતો કેવી રીતે જોઈ રહ્યા છે?
રશિયન તેલ ખરીદી પર ભારતને મળેલી અમેરિકી ‘છૂટ’ ને નિષ્ણાતો અલગ-અલગ રીતે જોઈ રહ્યા છે. ઊર્જા બાબતોના નિષ્ણાત નરેન્દ્ર તનેજાનું માનવું છે કે અમેરિકાએ પોતાના હિતોને જોતા આ કર્યું છે. તેમણે કહ્યું, “આપણે આખી સ્થિતિને વૈશ્વિક તેલ સપ્લાય સિસ્ટમના સંદર્ભમાં જોવી પડશે. જો હાલની સ્થિતિમાં ભારત રશિયા પાસેથી વધારે તેલ નથી ખરીદતું, તો તેનું પરિણામ એ આવશે કે રશિયન તેલ વૈશ્વિક સપ્લાય સિસ્ટમમાં નહીં પહોંચે. ત્યારે કિંમતો વધશે અને અમેરિકાને સૌથી વધુ નુકસાન થશે. તેનાથી અમેરિકામાં મોંઘવારી વધશે. તેથી તેમણે જે પણ કર્યું છે, પોતાના હિતમાં કર્યું છે.”
બીજી તરફ, ભૂ-રાજનીતિના નિષ્ણાત બ્રહ્મા ચેલાની તેને અલગ રીતે જુએ છે. તેમણે મોદી સરકારની ઊર્જા આયાત નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. બ્રહ્મા ચેલાનીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “ભારતે કંઈ કહ્યું નથી, પરંતુ આ છૂટ ઘણું બધું કહી જાય છે. અમેરિકાના દબાણમાં ભારતની ઊર્જા આયાત નીતિ ચુપચાપ બદલાઈ ગઈ છે.” તેમણે આગળ લખ્યું, “વેવરનો અર્થ કોઈ પ્રતિબંધમાંથી છૂટ થાય છે. જો ભારત હજુ પણ જ્યાંથી સારા ભાવે તેલ મળે ત્યાંથી ખરીદવા માટે સ્વતંત્ર હોત, તો તેને રશિયન તેલ લેવા માટે અમેરિકી ટ્રેઝરી પાસેથી 30 દિવસનું લાયસન્સ લેવાની જરૂર ન પડતી.”

