India-US Trade Deal 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત પર 25 ટકાના બદલે હવે 18 ટકા ટેરિફ લાગશે. આ સાથે જ ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે ભારત સાથે ટ્રેડ ડીલ (વેપાર સમજૂતી) થઈ ગઈ છે. પરંતુ ભારત તરફથી હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ટ્રેડ ડીલને લઈને જે મુખ્ય વાતો કહી છે, તે આ મુજબ છે:
અમેરિકી સામાન પર લાગતા ટેરિફને ભારત ઘટાડીને શૂન્ય કરી દેશે
અમેરિકા રેસીપ્રોકલ ટેરિફને ઘટાડીને 18 ટકા કરશે
ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે
ભારત અમેરિકા પાસેથી વધુ માત્રામાં તેલ ખરીદશે
ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરી શકે છે
એનર્જી, ટેકનોલોજી, એગ્રીકલ્ચર, કોલસો અને અન્ય ઘણા ઉત્પાદનોની 500 બિલિયન ડોલરની ખરીદી
ભારતે ‘Buy American’ માટે કમિટમેન્ટ (પ્રતિબદ્ધતા) કરી
આ પહેલા ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ છે. જોકે ત્યારે સર્જિયો ગોરે આ સંબંધમાં કોઈ પણ પ્રકારની વધારાની માહિતી આપી નહોતી. પરંતુ આ પોસ્ટની ભાષા જણાવી રહી હતી કે સર્જિયો અને અમેરિકા કોઈ વાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે ટ્રમ્પની પોસ્ટથી બધું સ્પષ્ટ થઈ ગયું છે.
પીએમ મોદીએ કરી પોસ્ટ
ટ્રમ્પ તરફથી જાહેરાત થયા પછી પીએમ મોદીએ પણ પોસ્ટ કરીને ટેરિફ ઓછો થવાની માહિતી આપી. પીએમએ લખ્યું, ‘આજે મારા વહાલા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ જ સારું લાગ્યું. ખુશી છે કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ 18% ઓછો થઈ જશે. આ શાનદાર જાહેરાત માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ખૂબ-ખૂબ આભાર.’
તેમણે આગળ લખ્યું, ‘જ્યારે બે મોટી અર્થવ્યવસ્થાઓ અને દુનિયાના સૌથી મોટા લોકતંત્રો સાથે મળીને કામ કરે છે, તો તેનાથી આપણા લોકોને ફાયદો થાય છે અને પરસ્પર ફાયદાકારક સહયોગ માટે ઘણી બધી તકો ખુલે છે. વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ ખૂબ જ જરૂરી છે. ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોનું સંપૂર્ણ સમર્થન કરે છે. હું અમારી ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તેમની સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.’
ટ્રમ્પે કરી પીએમ મોદીની પ્રશંસા
ટ્રમ્પે પણ આજે પોતાની પોસ્ટમાં પીએમ મોદીના વખાણ કર્યા. ટ્રમ્પે લખ્યું, ‘આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તે મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એક છે અને પોતાના દેશના એક શક્તિશાળી અને સન્માનિત નેતા છે. અમે ઘણા મુદ્દાઓ પર વાત કરી, જેમાં ટ્રેડ, અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવાનો સમાવેશ થાય છે.’
તેમણે આગળ લખ્યું, ‘વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા અને સન્માનને નાતે અને તેમની વિનંતી પર તાત્કાલિક અસરથી અમે યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે એક ટ્રેડ ડીલ પર સહમત થયા છીએ. ભારત સાથેના અમારા શાનદાર સંબંધો આગળ વધુ મજબૂત થશે. વડાપ્રધાન મોદી અને હું બે એવા લોકો છીએ જે કામ પૂરું કરે છે, જે મોટાભાગના લોકો માટે કહી શકાતું નથી.’

