Indian Immigrants Deported By US: 45 લાખ ગુમાવી, 14 દેશોનો ભયાનક સફર કરીને અમેરિકા પહોંચેલા વ્યક્તિની આપવીતી

Arati Parmar
6 Min Read

Indian Immigrants Deported By US: દર વર્ષે હજારો ભારતીયો અમેરિકામાં સારા જીવનની શોધમાં લાખો રૂપિયા ખર્ચીને પોતાનો દેશ છોડીને જાય છે. પરંતુ ક્યારેક આ સપનું એક ડરામણી યાત્રામાં ફેરવાઈ જાય છે. પંજાબના હોશિયારપુર જિલ્લાના ઠાકુરવાલ ગામમાં રહેતા રકિંદર સિંહ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. 41 વર્ષીય રકિંદર ઓસ્ટ્રેલિયામાં 12 વર્ષથી કામ કરી ચૂક્યા હતા. જ્યારે 2020માં પાછો ફર્યા, ત્યારે પોતાના ત્રણ બાળકોના સારા ભવિષ્ય માટે અમેરિકા જવાનું વિચાર્યું હતું. આ માટે, તેમણે એક ટ્રાવેલ એજન્ટને 45 લાખ રૂપિયા આપ્યા હતા, જેણે વચન આપ્યું કે તે તેને કાયદેસર રીતે અમેરિકા લઈ જશે. પરંતુ આ વચન માત્ર એક છેતરપિંડી હતું. આ ડંકી રૂટની કહાની છે. નોંધનીય છે કે, જે 104 લોકો પરત આવ્યા છે તેમાં ગુજરાતના 33 લોકોનો પણ સમાવેશ થાય છે.

એક અજાણ્યો એજન્ટ, જેનું નામ પણ સાચું નહોતું. રકિંદરને આ રકમ એક અજાણ્યો એજન્ટ ફક્ત વોટ્સએપ કોલ પર જ વાત કરતો હતો. તેનો કોઈ ફોટોગ્રાફ નહોતો, કે કોઈ ચોક્કસ ઓળખ નહોતી. તે દરેક સાથે અલગ અલગ નામોથી વાત કરતો હતો, ક્યારેક ‘રાજા’, ક્યારેક ‘સિંહ’. તેના માણસો પૈસા એકત્રિત કરવા માટે દરેક દેશમાં હાજર હતા. રકિંદરને શંકા ગઈ જ્યારે તેણે જોયું કે તેના જેવા બીજા ઘણા લોકોને પણ તે જ વોટ્સએપ નંબર પરથી ફોન આવી રહ્યા છે. પણ એજન્ટ બધા સાથે અલગ અલગ નામથી વાત કરી રહ્યો હતો.

- Advertisement -

રકિંદર 8 ઓગસ્ટ 2023ના રોજ અમૃતસરથી દુબઈ માટે ફ્લાઇટમાં ગયો અને તેના ‘પ્રવાસ’ની શરૂઆત થઈ. તેમણે આગામી છ મહિનામાં 14 દેશોમાં પ્રવાસ કર્યો. દુબઈથી દક્ષિણ આફ્રિકા, પછી બ્રાઝિલ, જ્યાં એજન્ટના માણસોએ તેમનો પાસપોર્ટ જપ્ત કરી લીધો. આ પછી તે બોલિવિયા, પેરુ, ઇક્વાડોર, કોલંબિયા, પનામા, કોસ્ટા રિકા, નિકારાગુઆ, હોન્ડુરાસ, ગ્વાટેમાલા, મેક્સિકો પહોંચ્યા હતા. આ મુસાફરી દરમિયાન, અમારે ઘણા દિવસો જંગલમાં, ખતરનાક રસ્તાઓ પર, ખોરાક કે પાણી વિના વિતાવવા પડ્યા હતા. યુએસ-મેક્સિકો સરહદ પાર કરવા માટે, તેને સીડીનો ઉપયોગ કરીને વાડ કૂદીને જવું પડતું હતું.

જૂઠું બોલીને તેમને પનામાના જંગલોમાં છોડી દેવામાં આવ્યા ત્યારે બધું હદ પાર થયું હતું. રકિંદરએ કહ્યું કે પનામાના ગાઢ જંગલો પાર કરવું એ મુસાફરીનો સૌથી ભયાનક ભાગ હતો. આ સમય જીવન અને મોત વચ્ચેનો હતો પરંતુ અહીંથી પાછા ફરાય તેવી હાલત પણ નહોતી અને તેના કારણે આગળ જ જવું પડે તેવી સ્થિતિ હતી. અહીંથી આગળ જતા રકિંદર સાથે શું થયું તે વધારે હચમચાવી દેનારું હતું.

- Advertisement -

એજન્ટના માણસોએ કહ્યું કે તેઓ એક જહાજ શોધી કાઢશે જે તેમને જંગલ પાર લઈ જશે. પણ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જહાજ નહોતું. પછી તેમને કહેવામાં આવ્યું કે હવે તેમણે પગપાળા જંગલ પાર કરવું પડશે. આ જંગલ ઝેરી સાપ અને ખતરનાક નદીઓથી ભરેલું હતું. રકિંદરે કહ્યું, “અમે દિવસે જંગલમાં ફરતા હતા અને રાત્રે તંબુઓમાં સૂતા હતા. પણ ડર હંમેશા રહેતો હતો. અમારા ફોન કામ કરતા નહોતા. એજન્ટે જે કંઈ વચન આપ્યું હતું તે બધું જૂઠું હતું.” અમને જરુરી ખોરાક મળતો ન હતો અને ખંડણી અને બંધક બનાવવામાં આવવાનો ડર હતો. આખી મુસાફરી દરમિયાન ખોરાક અને પાણીની ભારે અછત હતી.

2-3 દિવસ સુધી ખોરાક અને પાણી વિના રહેવું પડ્યું હતું. ક્યારેક ફક્ત થોડા ચોખા અને રાજમા આપવામાં આવતા હતા. ગ્વાટેમાલા પહોંચતાની સાથે જ એજન્ટના માણસોએ તેમને બંધક બનાવી લીધો અને કહ્યું કે સરહદ પાર કરવા માટે તેમણે વધુ પૈસા ચૂકવવા પડશે. પરિવારે પંજાબમાં એજન્ટના લોકોને 20 લાખ રૂપિયાનો છેલ્લો હપ્તો આપ્યો. તેવી જ રીતે, અમૃતસરના એક વ્યક્તિને ઇક્વાડોરમાં બંધક બનાવવામાં આવ્યો હતો જ્યાં સુધી તેના પરિવારે 7 લાખ રૂપિયા ચૂકવ્યા. અમેરિકા પહોંચ્યા પછી પણ કોઈ રાહત ન મળી.

- Advertisement -

15 જાન્યુઆરીના રોજ જ્યારે તે અમેરિકા પહોંચ્યો ત્યારે અમેરિકન સુરક્ષા દળોએ તેમને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધા હતા. તેમને એક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા જ્યાં 32 રૂમમાં 50-60 લોકોને એકસાથે રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન, નેપાળ અને પેરુ સહિત ઘણા દેશોના લોકો હતા. તેમણે એજન્ટને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ ફોન બંધ હતો. એજન્ટ ક્યારેય પાછો સંપર્કમાં આવ્યો નહીં.

બુધવારે અમેરિકી લશ્કરી વિમાન દ્વારા અમૃતસર ઉતરેલા 104 ભારતીયોમાંથી 30 પંજાબના હતા. રકિંદર આ 30 માંથી એક છે. રકિંદરે કહ્યું, “અમારા હાથ-પગ બાંધેલા હતા, પરંતુ અમેરિકન સેનાએ અમારી સાથે ખરાબ વર્તન કર્યું નહોતું. તે ખૂબ જ નમ્રતાથી વર્તતા હતા. છ મહિના પછી જ્યારે તે અમૃતસર પહોંચ્યા, ત્યારે ગરમાગરમ ભારતીય ભોજન જોઈને તે રડી પડ્યા હતા.

હવે રકિંદર પાસે પાસપોર્ટ કે પૈસા નથી. તેમણે 45 લાખ રૂપિયા અને જીવનના છ મહિના ગુમાવ્યા. તેમણે કહ્યું, “હવે હું કોઈની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકતો નથી, કારણ કે એજન્ટનું કોઈ સાચું નામ, સરનામું કે ફોટો નથી. તેના માણસો પણ હંમેશા છૂપાયેલા રહેતા હતા,”

હવે પંજાબમાં પાછા ફર્યા પછી, રકિંદર બધાને ચેતવણી આપવા માંગે છે: “કૃપા કરીને આ ગેરકાયદેસર રસ્તો ન અપનાવો. મેં મારી બધી કમાણી ગુમાવી દીધી, છ મહિના સુધી અપમાન સહન કર્યું અને અંતે કંઈ મળ્યું નહીં. મારા જેવા ઘણાં પંજાબી યુવાનો સારા ભવિષ્યની શોધમાં બધું ગુમાવે છે. પણ આ રસ્તો ફક્ત છેતરપિંડી અને મૃત્યુ તરફ દોરી જાય છે.”

રકિંદર સિંહની કહાની ફક્ત તેમની એકલાની નથી. આ સેંકડો ભારતીયોની વાસ્તવિકતા છે જે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયાસ કરે છે અને એજન્ટોની જાળમાં ફસાઈ જાય છે અને બધું ગુમાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટ હેઠળ, અમેરિકન દેશનિકાલ નીતિ અને ગેરકાયદેસર ઇમિગ્રેશન વધુને વધુ કડક બની રહ્યા છે. ઘરે પાછા ફરવા માટે દરેક વ્યક્તિ રકિંદર જેટલા ‘નસીબદાર’ નથી હોતા.

Share This Article