નવી દિલ્હી, તા. 19 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. ભારતે આકરું પગલું લેતાં કેનેડાની સીમા પોલીસના અધિકારી સંદીપસિંહ સિદ્ધુનું નામ આતંકી ગતિવિધિમાં સામેલ હોવાના આરોપમાં ભાગેડુની યાદીમાં સામેલ કર્યું હતું.
બીજી તરફ કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ છીછરાઈભર્યાં નિવેદનમાં કહ્યું હતું કે, કેનેડામાં મોજૂદ તમામ ભારતીય રાજદ્વારી પર અમારી સંપૂર્ણ નજર છે. ભારતની તૂલના રશિયા સાથે કરતાં જોલીએ જણાવ્યું હતું કે, જેમ રૂસે યુરોપના કેટલાક દેશોમાં ધમકીઓ અને હિંસા ફેલાવી છે, તે જ રીતે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ કરી રહ્યા છે. દરમ્યાન, અહેવાલો અનુસાર કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સીના અધિકારી સંદીપસિંહ સિદ્ધુનું નામ એક પ્રતિબંધિત સંગઠન આંતરરાષ્ટ્રીય શીખ યુવા મહાસંઘ સાથે જોડાયેલું છે.
સંદીપ પર પંજાબમાં આતંકી ગતિવિધિઓને ઉત્તેજન આપવાનો આરોપ છે. 2020માં બલવિંદરસિંહ સિદ્ધુની હત્યામાં પણ તેની ભૂમિકા રહી છે. બલવિંદરસિંહ પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ વિરોધી લડાઈના પ્રતીકરૂપ મનાતા હતા. ભારતીય રાજદ્વારીઓ શીખ ભાગલાવાદીઓ પર નિશાન સાધી રહ્યા છે, તેવા કેનેડા દ્વારા મુકાયેલા આરોપો ભારતે ફગાવી દીધા હતા.

