Iran war and Operation Sankalp: ઇરાનના હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને આસપાસના વિસ્તારો પર દેખરેખ રાખવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, ઇન્ડિયન નેવીના વોરશિપ અખાતના યુદ્ધ ક્ષેત્રની બહાર અરબ સાગરમાં ભારતીય જહાજો અને ટેન્કરોને સુરક્ષિત રીતે ‘એસ્કોર્ટ’ (રક્ષણ આપીને સાથે ચાલવું) કરીને દેશમાં લાવવામાં વ્યસ્ત છે.
સોમવારે આવા જ એક ભારતીય ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ ને ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવતું જોવામાં આવ્યું હતું. જોકે, જ્યારે ઓમાનની ખાડીમાં સ્થિત સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ બંદર પર આ ટેન્કરમાં ક્રૂડ ઓઇલ લોડ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે એક શંકાસ્પદ ઈરાની ડ્રોન દ્વારા હુમલો થયો હતો. માહિતી મુજબ આ ઘટના 14 માર્ચ, 2026 ની છે.
વોરશિપ કરી રહ્યું છે ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ ને એસ્કોર્ટ
આ ડ્રોન હુમલામાં ‘જગ લાડકી’ ને કોઈ નુકસાન થયું નથી અને તે 80,800 મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તાનું ‘મુરબાન ક્રૂડ ઓઇલ’ લઈને સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. તેના પર સવાર તમામ ભારતીય નાવિકો પણ સુરક્ષિત છે. ફુજૈરાહ બંદર હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણમાં આવેલું હોવાથી ત્યાંથી ભારત આવવા માટે આ સાંકડી સમુદ્રધૂની (સ્ટ્રેટ) માંથી પસાર થવાની જરૂર પડતી નથી.
ઓપરેશન સંકલ્પ હેઠળ નેવી આપી રહી છે કવર
યુદ્ધજહાજોની તૈનાતી અંગે ભારતીય નૌકાદળ દ્વારા સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ નિષ્ણાતોના મતે આ કાર્યવાહી ‘ઓપરેશન સંકલ્પ’ (Operation Sankalp) નો ભાગ છે. ભારતીય નૌકાદળ અગાઉ પણ દરિયાઈ માર્ગો પર ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ઓપરેશન લોન્ચ કરી ચૂકી છે.
જહાજો અને નાવિકોની સુરક્ષા માટે બે ટાસ્ક ફોર્સ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઉભી થતી તમામ પડકારજનક પરિસ્થિતિઓમાં મદદ પૂરી પાડવા માટે ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધજહાજો પર બે ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
વિવિધ મંત્રાલયોના તાલમેલથી ચાલી રહ્યું છે ઓપરેશન
ઓપરેશન સંકલ્પ હાલમાં સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, શિપિંગ મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તથા ડાયરેક્ટોરેટ જનરલ શિપિંગના પરસ્પર સહયોગથી ચલાવવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ એશિયા સંકટમાં ફસાયેલા ભારતીય જહાજોનું અપડેટ (16 માર્ચ, 2026)
અત્યારે ભારતીય ધ્વજ ધરાવતા 22 જહાજો અને 611 નાવિકો પર્શિયન ગલ્ફના પશ્ચિમ વિસ્તારમાં હાજર છે.
LPG ટેન્કર ‘શિવાલિક’ સફળતાપૂર્વક ગુજરાતના મુંદ્રા પોર્ટ પહોંચી ગયું છે.
બીજું LPG ટેન્કર ‘નંદા દેવી’ મંગળવારે ગુજરાતના કંડલા બંદર પર પહોંચશે.
‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ દ્વારા કુલ 92,712 મેટ્રિક ટન LPG ભારત લાવવામાં આવ્યો છે.
‘જગ લાડકી’ દ્વારા 80,800 મેટ્રિક ટન મુરબાન ક્રૂડ ઓઇલ લાવવામાં આવી રહ્યું છે.

