જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી દરમિયાન અલગતાવાદીઓનું કોઈ વિઘ્ન નડયું નહીં અને મતદારો સ્વેચ્છાએ મતદાન કરવા મોટી સંખ્યામાં બહાર આવ્યા. મતદાનની ટકાવારી પણ અભૂતપૂર્વ રહી-કાશ્મીર સહિત-ભારતમાં લોકશાહી અને લોકતંત્ર સલામત છે એવી ખાતરી આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો અને સંસ્થાઓને પણ થઈ છે, થઈ હોવી જ જોઈએ. કાશ્મીરની ચૂંટણી – લોકમત સમાન હોવાથી પાકિસ્તાનની દલીલ અને કાશ્મીર ભારત સાથે કે પાકિસ્તાન સાથે રહેવા માગે છે તે જાણવા લોકમત લેવાની માગણીનો જવાબ પણ હવે આપોઆપ મળી જાય છે.

લોકતંત્ર સલામત છે-પણ કાશ્મીર હવે સલામત છે ? એવો પ્રશ્ન યથાવત્ છે ! ફારૂક અબ્દુલ્લા અને એમના કુંવર-મુખ્ય પ્રધાનપદે નિયુક્ત – ઉમર અબ્દુલ્લાએ કાશ્મીરમાં સબ-સલામત રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કેન્દ્ર સરકાર સાથે સહકાર રાખવાની જાહેરાત કરી છે. આમ છતાં શાસન ચલાવવાનું આસાન નહીં હોય. ચૂંટણી પ્રચાર દરમિયાન એમણે બે મુદ્દાને મહત્ત્વ આપ્યું- 370મી કલમ રદ થશે અને રાજ્યને વિશિષ્ટ દરજજો પાછો મેળવવાનું વચન આપ્યું. પૂર્ણ રાજ્યના દરજજાની માગણી પણ ઊભી છે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, કાશ્મીર કાયમ માટે કેન્દ્રશાસિત પ્રદેશ નહીં રહે. યોગ્ય સમય આવશે ત્યારે પૂર્ણ રાજ્ય-ભારતનાં અન્ય રાજ્યો સાથે સમકક્ષ રાજ્ય બનશે – અબ્દુલ્લાનો વિચાર-અથવા સ્વપ્ન સ્વાયત્ત-અર્થાત્ આઝાદ કાશ્મીરનો હોઈ શકે છે ! આમજનતા રાજ્ય અને સ્વાયત્ત અથવા આઝાદ કાશ્મીરના વિવાદમાં પડયા વિના-સમજ્યા વિના, હમારા હક-`હમારા’ કાશ્મીર વાપસ દો – એવી માગણી- કેન્દ્ર સરકારવિરોધી ભાવના છે ! તેથી અલગ, પૂર્ણ રાજ્યના મુદ્દાને અલગતાવાદીઓ હવે વધુ ભડકાવશે ! ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાન દ્વારા પણ આવી જ ભાષા અને ભાષણ ભડકાવવાના પ્રયાસ થતા હતા. ચૂંટણીનાં પરિણામ આવી ગયા પછી લેફ. ગવર્નર વિધાનસભામાં પાંચ નવા સભ્યની નિમણૂક કરી શકે એવી જોગવાઈ જનપ્રતિનિધિત્વ ધારા-સુધારામાં છે. તેનો દુરુપયોગ કરીને ભાજપ સત્તા મેળવશે એવી અફવા અને વિવાદ પણ શરૂ થયો હતો. પરિણામ આવ્યા પછી હવે વિવાદ શાંત પડયો છે, પણ નવી સરકારે જમ્મુ કાશ્મીર વચ્ચે સમતુલા રહે એવી રીતે પ્રધાન મંડળમાં નિયુક્તિ કરવી પડશે.
અસંતોષ જાગે અને વધે નહીં તેની કાળજી રાખવી પડશે. લોકતાંત્રિક ચૂંટણી પાર પડી છે, પણ હવે પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં અલગતાવાદને પંપાળે નહીં, આતંકવાદી ઘૂસણખોરી અને પ્રવૃત્તિને મોકળું મેદાન મળે નહીં તે જોવાનું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અબ્દુલ્લાની ભાષા-પાકિસ્તાન પ્રેરિત હતી. પાકિસ્તાન સાથે સંવાદ-વાતચીત અને સરહદ ઉપર વ્યાપાર શરૂ કરવાની માગણી-મતદારો અને પાકિસ્તાનને ચૂંટણી વચન આપવામાં આવ્યાં-હવે તેના અમલનો પ્રશ્ન હોય જ નહીં. આ બાબતમાં કેન્દ્ર સરકાર મક્કમ છે અને રાજ્ય સરકારની ઢીલી-પોચી નીતિ ચલાવી નહીં લેવાય. કાશ્મીર પૂર્ણ રાજ્ય બને તે પહેલાં રાજ્ય સરકારની દરેક હિલચાલ ઉપર-અને સરહદ ઉપર તીક્ષ્ણ નજર રખાશે. પૂર્ણ રાજ્ય બને તો પણ સંપૂર્ણ સત્તા મળવાનો પ્રશ્ન નથી. કેન્દ્ર સરકારની નજર અને નિયંત્રણ અનિવાર્ય છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસમાંથી ટ્રાન્સફર અથવા નવી નિમણૂક ગવર્નરની મંજૂરી પછી જ થઈ શકશે.
અત્યારે પણ રાજ્ય સરકારે તેના એડવોકેટ જનરલ તથા કાનૂન વિભાગમાં અન્ય ઓફિસરો નીમવા અગાઉ ગવર્નરની મંજૂરી લેવી રહેશે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી જે કેન્દ્રીય નિયંત્રણો હતાં, તે નવી સરકાર આવ્યા પછી પણ યથાવત્ રહેશે. કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણખોરી અને આતંકી પ્રવૃત્તિ વધે નહીં અને ખતમ થાય તે બાબત કેન્દ્ર માટે સૌથી વધુ મહત્ત્વની છે. વીતેલાં વર્ષ દરમિયાન 100થી 150 જેટલા આતંકવાદીની ઘૂસણખોરી આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર થઈ હતી. પૂંચ-રાજૌરી વિસ્તારમાં આતંકી બનાવોમાં પણ વધારો થયો હતો. હવે નવી રાજ્ય સરકાર સાથે `દોસ્તી’ના દાવે પાકિસ્તાની ઘૂસણખોરી વધે નહીં, બંધ થાય તેની તકેદારી છે અને વ્યવસ્થા વધુ સખત બનાવાઈ છે. પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવા હતા ત્યારે ભારત સાથેના સંબંધ સુધારવામાં આવી રહ્યા હતા, પણ હવે જનરલ આસીમ મુનિર આવ્યા પછી પરિસ્થિતિ અલગ છે. જેહાદીઓને ભારતમાં ધકેલવા માગે છે, તેથી રાજ્યમાં `દરજજા’નાં નામે પ્રચાર અને ઉશ્કેરણી થાય એવી ધારણા છે. `રાજ્ય’ના દરજજાનાં બહાને અશાંતિ અને આતંક શરૂ થાય નહીં તેની સાવધાની છે. સેના `હોશિયાર’ સાવધાન સ્થિતિમાં છે.

