વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,ભારત સૌરક્રાંતિથી ઝળહળશે

Reena Brahmbhatt
6 Min Read

અમદાવાદ, તા. 16 : ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્સ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જાનાં ભવિષ્ય, ટેક્નોલોજી અને નીતિનિર્માણના ચિંતન પર્વ તરીકે ગણાવતાં જણાવ્યું હતું કે, એકબીજાના અનુભવ આધારિત આ વિચારમંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે લાભદાયી બનશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં 60 વર્ષ પછી જનતાએ કોઈ સરકારને સતત ત્રીજી વખત સત્તાનું સુકાન સોંપ્યું છે, એ જ દર્શાવે છે કે, 140 કરોડ દેશવાસીઓને સરકાર પર ભરોસો છે. કેન્દ્ર સરકારનાં છેલ્લાં 10 વર્ષનાં સુશાસનમાં દેશના યુવાનો- મહિલાઓની આકાંક્ષાઓને જે પાંખો મળી છે, તેને નવી દિશાની ઉડાન માટે પ્રેરક બળ મળી રહેશે. ગુજરાતની મુલાકાતના બીજા દિવસે શ્રી મોદીએ જીએમડીસી મેદાન ખાતે જાહેર કાર્યક્રમમાં રૂા. 8000 કરોડથી વધુનાં વિકાસકામોની ભેટ આપી હતી. ગાંધીનગર-અમદાવાદ મેટ્રો રેલમાં મુસાફરી કરીને સેવાનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત અમદાવાદ-ભુજ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનને લીલીઝંડી આપી હતી. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર થવા માટે સમગ્ર દેશ આજે સંકલ્પબદ્ધ થઈને કામ કરી રહ્યો છે, ત્યારે આજની ઈવેન્ટ 2047માં વિકસિત ભારતના નિર્માણની સ્વપ્નસિદ્ધિ તરફના પ્રયાણનો મક્કમ નિર્ધાર છે, જે સરકારની ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસના કાર્યકાળમાં પ્રતાબિંબિત થાય છે. જેમાં દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ એવા તમામ સેક્ટર્સ અને ફેક્ટર્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે માત્ર ટ્રેલર સમાન છે. વડાપ્રધાને આ તકે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દેશના દરેક પરિવારને છત મળે એ માટે મક્કમ છે. જેના માટે કેન્દ્ર સરકારે 7 કરોડ આવાસ નિર્માણનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જેમાંથી ગત 10 વર્ષ દરમિયાન ચાર કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

modi

- Advertisement -

જ્યારે આ ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ આવાસોનું નિર્માણ કરવામાં આવનારું છે. કેન્દ્ર સરકારના પ્રથમ 100 દિવસમાં 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી, 8 હાઇસ્પીડ રોડ કોરિડોર, 15થી વધુ સેમિ હાઇસ્પીડ મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ થઈ ચૂકી છે. તદુપરાંત, હાઈપરફોર્મન્સ બાયો મેન્યુફેક્ચારિંગને પ્રોત્સાહન આપવા માટે એક ટ્રિલિયન રૂપિયાનું રિસર્ચ ફંડ ફાળવવામાં આવ્યું છે તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રે ઓફશોર વિન્ડ માટેની યોજના અંતર્ગત રૂા. 7,000 કરોડનો ખર્ચ થશે. જ્યારે 31 હજાર મેગાવોટ હાઇડ્રોપાવર જનરેશન માટે રૂા. 12,000 કરોડથી વધુનો ખર્ચ થશે. વડાપ્રધાને ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ જ ગુજરાતની ધરતી શ્વેતક્રાંતિ, મધુક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની છે.

ગુજરાતે જ દેશમાં સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ બનાવવા અને ક્લાયમેટ ચેન્જના વિભાગો શરૂ કરવાની પહેલ કરી છે. આ મહાત્મા ગાંધીની એ ભૂમિ છે, `ગ્રીન ફ્યુચર, નેટ ઝીરો’ એ શબ્દો ભારત માટે કોઈ ફેન્સી વર્ડ્ઝ નથી, પરંતુ તે ભારતની જરૂરિયાત છે, કમિટમેન્ટ છે. જે દર્શાવે છે કે ભારત સમગ્ર માનવજાતની ચિંતા કરે છે અને સમગ્ર વિશ્વને રાહ ચીંધતા જવાબદારીપૂર્વકના અનેક પગલાં પણ લીધાં છે. જેના માધ્યમથી આગામી સેંકડો વર્ષનો પાયો તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે દૃઢતાપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ટોચ પર પહોંચવા માટે જ નહીં, પરંતુ ટોચ પર સતત ટકી રહેવા માટે પુરુષાર્થ કરી રહ્યો છે. આપણને ખબર છે કે, આપણી પાસે ઓઇલ-ગેસના ભંડારો નથી, એટલે સોલાર, વિન્ડ, ન્યૂક્લિયર અને હાઇડ્રો પાવર પર ધ્યાન કેન્દ્રિત કરી, ઉજ્જવળ ભવિષ્યનાં નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જી-20 સમિટમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે, જેણે પેરિસના ક્લાયમેટ કમિટમેન્ટને નિર્ધારિત સમયના નવ વર્ષ પહેલાં જ હાંસલ કરી, વિકસિત દેશો પણ ન કરી શકે, તેવી સિદ્ધિ મેળવી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યૂએબલ એનર્જી કેપેસિટી 500 ગિગાવોટ સુધી પહોંચાડવા માટે ગ્રીન ટ્રાન્ઝિશનને જન આંદોલન બનાવવામાં આવ્યું છે. સૂર્યઘર યોજનાથી 20 લાખથી વધુ રોજગારી ઊભી થશે. સોલાર રૂફટોપ માટેની `પીએમ સૂર્યઘર’ એક યુનિક યોજના છે, જે ગ્રીન ટ્રાન્ઝિશનને પૂર્ણ કરવા માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ પૂરવાર થશે. પી.એમ. સૂર્યઘર યોજના પર્યાવરણના જતનની સાથે પરિવારોના આર્થિક ભારણને ઘટાડશે અને દરેક ઘરને પાવર પ્રોડ્યુસર બનાવશે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 1.30 કરોડ પરિવારોએ નોંધણી કરાવી છે. જે પૈકીના અંદાજે સવા ત્રણ લાખ ઘરોમાં સોલાર રૂફટોપ પેનલનું ઈંસ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં અગ્રણી રાજ્ય બન્યું છે. વડાપ્રધાને ગ્રીન ક્લીન એનર્જી – હરિત ઊર્જા માટે જે નિર્ધાર કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલિસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલિસી સાથે ગ્રીન ફ્યુચર માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન એવા વિઝનરી નેતા છે જે હંમેશાં સમય કરતાં પહેલાંનું વિચારે છે. ગુજરાતમાં દેશના પહેલા ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકા સોલાર પાર્કની શરૂઆત નરેન્દ્ર મોદીના આગવા વિઝનના પરિચાયક છે. રાજ્યમાં ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં રિન્યૂએબલ એનર્જીનું યોગદાન 54 ટકા છે અને સોલાર રૂફટોપમાં ગુજરાત અગ્રેસર છે.

રાજ્યના 1600 કિલોમીટર લાંબા સમુદ્રી તટ પર 32થી 35 ગિગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી ઉત્પાદનની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિભિન્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સુવિધાઓ તથા બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ સાથે ગુજરાત એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ડેનમાર્કના ઉદ્યોગ અને નાણાકીય બાબતોના મંત્રી માર્ટિન વોડસ્કોવ, જર્મનીના આર્થિક સલાહકાર-વિકાસ મંત્રી સ્વેન્જા શુલઝે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમજ કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રયી જળશક્તિ મંત્રી સી. આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

- Advertisement -
Share This Article