શેરબજારમાં શુક્રવારે ફરી એક વખત મંદી જોવા મળી

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 4 : જો કે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની ચાલ થોડી બદલાયેલી હતી. કારોબાર શરૂ થતાં સેંસેક્સ 300 અંક તૂટી ગયો હતો. પરંતુ થોડા સમયમાં ઉછળીને પ્લસમાં આવ્યો હતો. આ પછી કારોબારના અંતિમ કલાકમાં અચાનક મોટો કડાકો આવ્યો હતો અને સેંસેક્સ 900 પોઈન્ટ તુટયો હતો. માર્કેટ બંધ થવા ઉપર ઘટાડામાં સુધારો આવ્યો હતો અને સેંસેક્સ 808.65 અંકના ઘટાડા સાથે 81688.45એ બંધ આવ્યો હતો.

eDyF2mJb share bazar

- Advertisement -

કહેવાય છે કે છેલ્લા ચાર કારોબારી સત્રમાં વિદેશી રોકાણકારોએ 32000 કરોડ રૂપિયા કાઢ્યા છે અને આ રોકાણકારો ચીન તરફ વળ્યા છે. આજના ઘટાડાએ રોકાણકારોની મૂડીમાં ફરી 4.01 લાખ કરોડનો ઘટાડો કર્યો હતો. બીએસઇ મિડકેપ 455.79 અંક તૂટીને 47,906.74 જ્યારે સ્મોલકેપ 451.05 ગગડી 55,945.31 થયો હતો. આ અગાઉ ગુરૂવારે મોટા કડાકા બાદ શેરબજારે શુક્રવારે સુસ્તી સાથે શરુઆત કરી હતી. બપોરે 12 વાગ્યા આસપાસ ઘટાડો તેજીમાં બદલ્યો હતો અને સેંસેક્સ 83368ના ઉચ્ચસ્તરે જો કે દિવસની ટોચે પહોંચ્યા બાદ બજારની ચાલ અચાનક બદલી હતી. કારોબારના અંતિમ કલાકમાં સેંસેક્સમાં એવો કડાકો આવ્યો જેનાથી રોકાણકારો અદ્ધર જીવે થયા હતા.

બીજી તરફ નિફટી 235.50 અંકના ઘટાડા સાથે 25014.60એ, બેંક નિફ્ટી 383.15 અંક ઘટીને 51462.05એ અને સેંસેક્સ 808.65 અંક ગગડી 81688.45 અંકે બંધ થયા હતા. આ દરમિયાન એક અહેવાલ અનુસાર વિદેશી રોકાણકારોએ માત્ર ચાર કારોબારી સત્રમાં ભારતીય બજારમાંથી 32,000 કરોડ રૂપિયા કાઢ્યા છે. જેના કારણે સેંસેક્સમાં 3300થી વધારે અંકનો કડાકો આવ્યો છે. વિદેશી રોકાણકારો ચીન તરફ વળી રહ્યા છે કારણ કે ચીનની બજારમાં સસ્તા શેર મળી રહ્યા છે. જેના કારણે ચીનના અને હોંગકેંગના બજારોમાં તેજી આવી છે. જો કે ઘરેલુ રોકાણકારો ભારતના બજારમાં તકનો લાભ લેવા માટે પૈસા હાથમાં રાખીને બેઠા છે.

- Advertisement -
Share This Article