Israel Iran Conflict Evacuation: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે તેમના મિસાઇલ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેઈનું મોત નીપજ્યું છે. ઈરાની મીડિયાએ આ વાતને કન્ફર્મ કરી છે. એવામાં હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે શું ખામનેઈના મોત બાદ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ અટકી જશે. હુમલાથી ગિન્નાયેલું ઈરાન સતત ઇઝરાયેલ પર મિસાઇલ એટેક કરી રહ્યું છે. એવામાં એક મોટો સવાલ એ પણ છે કે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને કઈ રીતે રેસ્ક્યૂ કરવામાં આવશે. આ મુદ્દે વિદેશ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે.
ઇજિપ્ત કે જોર્ડન રસ્તે બહાર કાઢવામાં આવશે
ઇઝરાયેલમાં ભારતના રાજદૂત જેપી સિંહે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને રેસ્ક્યૂ કરવાનો પ્લાન શેર કર્યો છે. જેપી સિંહે કહ્યું કે ભારતીય દૂતાવાસ તે તમામ લોકોના સંપર્કમાં છે જેઓ ફસાયેલા છે. એમ્બેસીએ ફરીથી એક એડવાઈઝરી જાહેર કરી છે. અમે ઇજિપ્ત અથવા જોર્ડન રસ્તે તેમને બહાર કાઢવાનો પ્લાન બનાવીશું, જે પણ રસ્તો વધુ સુરક્ષિત હોય અને જેવી તક મળશે રેસ્ક્યૂ કરવામાં આવશે. જેપી સિંહે આગળ કહ્યું કે અત્યારે સડક માર્ગની મુસાફરી માટે હાલાત ઠીક નથી.
ભારતે ચલાવ્યું અસરકારક ઇવેક્યુએશન
ઇઝરાયેલમાં ભારતીય રાજદૂતે કહ્યું કે તમામને સલાહ આપવામાં આવે છે કે તેઓ એડવાઈઝરી અને લોકલ ઓથોરિટીના નિર્દેશોનું પાલન કરે. ભારતે હંમેશા એક અસરકારક ઇવેક્યુએશન મિશન ચલાવ્યું છે, જ્યારે પણ મુશ્કેલ સમયમાં તેના નાગરિકોને ઘરે પરત ફરવામાં મદદની જરૂર પડી છે. યુક્રેનમાં યુદ્ધની શરૂઆતમાં સરકાર દ્વારા એરેન્જ કરવામાં આવેલા સ્પેશિયલ એરક્રાફ્ટથી અનેક ભારતીયોને ઘરે લાવવામાં આવ્યા હતા.
ભારતીય મિશન નાગરિકોના સંપર્કમાં
આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને અપીલ કરી કે તેઓ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સામાન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે અને વાતચીત તથા ડિપ્લોમેસી દ્વારા તણાવ ઉકેલે. વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે અમે તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ વધતો અટકાવવા અને સામાન્ય લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કરીએ છીએ. તણાવ ઓછો કરવા અને અંદરના મુદ્દાઓ ઉકેલવા માટે વાતચીત અને ડિપ્લોમેસીને આગળ વધારવી જોઈએ. તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. સરકારે એમ પણ કહ્યું કે આ વિસ્તારમાં ભારતીય મિશન ભારતીય નાગરિકોના સંપર્કમાં છે અને તેમને એલર્ટ રહેવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

