Call recording as legal evidence: પતિ-પત્ની સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પતિ-પત્નીએ ગુપ્ત રીતે રેકોર્ડ કરેલી વાતચીતને છૂટાછેડાના કેસમાં પુરાવા તરીકે રજુ કરી શકે છે. અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું હતું કે સંમતિ વગર પતિ કે પત્ની દ્વારા એકબીજાના કોલ રેકોર્ડ ના કરી શકાય, આવુ કરવું પ્રાઇવેસીનો ભંગ છે. જોકે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ ચુકાદાને રદ કરી નાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી, અને કહ્યું હતું કે એવી દલીલો કરવામાં આવી હતી કે આ પ્રકારના પુરાવા સ્વીકાર કરી લેવાથી ઘરેલુ સદભાવના અને લગ્ન સંબંધ પ્રભાવિત થશે. પતિ-પત્ની વચ્ચે જાસૂસીને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ એવિડેન્સ કાયદાની કલમ 122ના મૂળ ઉદ્દેશ્યનું ઉલ્લંઘન થશે. જોકે અમને નથી લાગતુ કે આ દલીલ યોગ્ય છે. જો લગ્નમાં પહેલાથી જ એવી સ્થિતિ પેદા થઇ ગઇ હોય કે પતિ કે પત્ની એકબીજાની જાસૂસી કરી રહ્યા હોય તો તે ટૂટી રહેલા સંબંધના જ લક્ષણ છે. જે એ પણ દર્શાવે છે કે બન્ને વચ્ચે વિશ્વાસની ખામી છે.
આ સમગ્ર મામલો પંજાબના ભટિંડા સાથે જોડાયેલો છે. ભટિંડાની ફેમેલી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ પહોંચ્યો હતો, જેમાં પતિએ પત્ની સાથેની વાતચીતનું ગુપ્ત રીતે રેકોર્ડિંગ કરી લીધુ હતું અને તેની સીડીને ફેમેલી કોર્ટમાં રજુ કરી હતી. ફેમેલી કોર્ટે આ સીડીનો પુરાવા તરીકે સ્વીકાર કર્યો હતો, જેને પગલે બાદમાં પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને એવી દલીલ કરી હતી કે મારી મંજૂરી વગર જ મારા કોલ રેકોર્ડ કરાયા છે જે મારા પ્રાઇવેસીના અધિકારોનો ભંગ છે. હાઇકોર્ટે આ દલીલ યોગ્ય ઠેરવી હતી જેથી બાદમાં પતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે ફેમેલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવીને હાઇકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.