Reena brahmbhatt
78 Years of Indian Independence: ઓગસ્ટ નજીકમાં છે, ફરી એકવાર 15 ઓગસ્ટ આવશે જે પણ બને કે અન્ય વર્ષોની જેમ જ એક સામાન્ય 15 ઓગસ્ટ હશે. સામાન્ય એટલા માટે કે, આપણી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હવે સમેટાઇને વ્હોટ્સએપ સ્ટેટ્સ સુધી સીમિત થઇ ગઈ છે. વ્હોટસએપમાં ત્રિરંગો કે માં ભારતી ને લગતા એકાદ બે સ્લોગન ચિપકાવી દીધા એટલે હાશ ! લ્યો થઇ ગઈ આપણી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વધુ કઈ ન ખપે સાચું ને ? બાકી જે લોકોએ આઝાદી માટે પોતાના લોહી વહાવ્યા હતા તેઓ જ અને તે જ પેઢી આઝાદીનો ખરો મતલબ અને આઝાદીનું ખરું મહત્વ સમજી શકે. આજે તો આઝાદીનો મતલબ જ બદલાઈ ગયો છે જે આપણે આ જ ચર્ચામાં આગળ જોઈશું. વેલ,ભારતવર્ષ લગભગ બે સદીઓ સુધી અંગ્રેજી વસાહતી શાસન અને શોષણનો ભોગ બન્યું. ૧૯૪૭ માં સ્વતંત્રતા સમયે, ભારતને એક ગરીબ રાષ્ટ્ર વારસામાં મળ્યું. પ્રખ્યાત કેમ્બ્રિજ ઇતિહાસકાર એંગસ મેડિસનના કાર્યો દ્વારા જાહેર કરાયેલા તથ્યો પરથી આ સ્પષ્ટ થાય છે. તેમણે જોયું કે ૧૭૦૦ માં, વિશ્વની આવકમાં ભારતનો હિસ્સો ૨૨.૬ ટકા હતો અને યુરોપનો હિસ્સો ૨૩.૩ ટકા હતો. જોકે, ૧૯૫૨ માં, તે માત્ર ૩.૮ ટકા હતો. આ દર્શાવે છે કે ભારતે તેના પરદેશી વસાહતી માલિકોના હાથે કેટલી લૂંટ સહન કરી. આજે, સ્વતંત્રતાના ૭૮ વર્ષ પછી, ભારત ૩.૭ ટ્રિલિયન ડોલરના GDP સાથે પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. નિર્દોષતાથી મજબૂતાઈ સુધીની આ સફર સરળ નહોતી. હકીકતમાં, સ્વતંત્રતાના શરૂઆતના વર્ષોમાં ભારત આર્થિક વિકાસના મોરચે ડગમગ્યું હતું અને આર્થિક બાબતોના સંચાલનમાં રાજ્યની અગ્રણી ભૂમિકા સાથે તેને વેગ મળ્યો હતો.
જોકે વિકાસની આ યાત્રા ધીમી પણ મક્કમ હતી.જેમાં ખાસ તો શરૂઆતમાં ઔદ્યોગિક વિકાસ અને ખાનગી ઉદ્યોગો ધીમા હતા.જેના કારણો અનેક છે.પરંતુ અંગ્રેજો પાસેથી આપણને આ દેશ સાવ ખાલી અને નીચોવાઈ ગયેલો જ મળ્યો હતો. જેના કારણે દેશ આર્થિક પતનની અણી પર હતો.જોકે, ભારત સુધારાના માર્ગે આગળ વધ્યું અને ૧૯૯૧માં ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણનો આશરો લીધો અને ધીમે ધીમે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી. એ નોંધવું જોઈએ કે ભારતે પણ ચાર યુદ્ધો લડ્યા છે, ત્રણ પાકિસ્તાન સાથે અને એક ચીન સાથે, પરંતુ તેમ છતાં આર્થિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે અને હવે ૧.૪૫ મિલિયન લશ્કરી કર્મચારીઓ સાથે વિશ્વની બીજી સૌથી મોટી સેના છે. ૩.૭ ટ્રિલિયન ડોલરના GDP અને બે મિલિયન સક્રિય લશ્કરી કર્મચારીઓ સાથે સ્થાયી સેના સાથે, આ સિદ્ધિ ચીન સિવાય અન્ય કોઈ એશિયન દેશો દ્વારા નકલ કરી શકાઈ નથી.
ખેર,આજે ભારત વિશ્વની 4થા નંબરની ઈકોનોમી બની ગઈ છે.દરેક ભારતીયને આ બાબતનો ગર્વ છે.આપણે માટે આ Proud moments છે.પરંતુ ન ભુલાય કે હજી Export માં આપણે પાછળ છીએ.જીડીપીના આંકડાઓ ઘણીવાર ભ્રામક સાબિત થાય છે.કેમ કે, દેશમાં ટોચના વ્યક્તિઓ કે પરિવારોથી લઈને છેવાડાના માનવીનું જીવન બહેતર ન સહી સંતોષકારક તો બનવું જ જોઈએ.તેની થાળીમાં 2 ટંક પૂરતા અને હેલ્થી હોય તેવા શાકભાજી હોવા જોઈએ.કેમ કે, કુપોષણનો આંકડો પણ અહીં મોટો છે.22 કરોડ જેટલો અધધ આંકડો આજે પણ કુપોષિત છે.તેનો મતલબ તેમને મળતું અનાજ પૂરતું નથી.80 કરોડ લોકોને પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના અન્વયે મફત અનાજ મળે છે તે પણ ક્યાંક યોગ્ય નથી.કેમ કે, તેનો બીજો અર્થ તે છે કે, આટલા લોકો આજેપણ અનાજ મામલે સ્વનિર્ભર નથી.દેશ માટે આ એક મોટો બોજો છે.તો લોકો માટે આ એક હાથ લાંબો કરી સરકાર સામે આશાની નજરે જોવાની એક તેવી પ્રક્રિયા છે કે, અગર સરકાર અનાજ ન આપે તો તેઓ ભૂખ્યા સુવે મીન્સ તેઓ આઝાદ ભારતમાં પણ અન્ન મામલે હજી આપણે આઝાદ નથી.અહીં આઝાદીનો પ્રથમ નજરે જ ધૂંધળો જણાય છે.અને તેને તમે માનવાધિકારના ભંગ સાથે પણ જોડીને જોઈ શકો.કેમ કે, અન્ન અને પાણી તે કોઈપણ માનવીના જીવનની પ્રાથમિક જરૂરિયાત છે.તેના વગર જીવન જ શક્ય નથી.તો તેને કેમ માનવાધિકાર સાથે જોડીને ન જોઈ શકાય ?
કોઈપણ દેશ જેટલો અર્થાત તેના નાગરિકો જેટલા સ્વનિર્ભર એટલો જ તે દેશ વિકાસશીલમાંથી વિકસિત બનવા તરફ જઈ રહ્યો છે તેમ કહી શકાય.બાકી સરકારી યોજના તો એક લ્હાણી હોય છે.જે ક્યાં સુધી ચાલે ?
ખેર આ તો સરકારી નિર્ભરતાની વાત આવી કે પરંતુ હજીપણ આપણે તેવી ઘણી બાબત છે કે જેમાં સ્વંત્રતા મેળવવાની બાકી છે.આજેપણ દાહોદ અને નર્મદા જિલ્લાના ગામડાઓમાં સ્ત્રીઓને ડિલિવરી માટે જોળીમાં લઇ જવી પડે છે.શું આ એક માનવ અધિકારની બાબત નથી કે, જ્યાં તેના ગામમાં જ અગર યોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો ? તેની આ સ્થિતિ ન થાય.હજી પણ નળ સે જળ યોજના માં નળ લાગ્યા છે પણ તે નળમાં પાણી નથી આવતું.પાણી માટે સ્ત્રીઓએ દૂર સુદૂર ભટકવું પડે છે.
વધુમાં રોડ,રસ્તા,વીજળી, પાણી મુદ્દે ભ્રસટાચાર હવે સિસ્ટાચાર બની ગયો છે.હમણાં જ મહીસાગર નદી પરનો 40 વર્ષ જુનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને 25 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ ? કોનો દોષ ? કોણ જવાબદાર ? બ્રિજો તૂટતાં રહે, બાળકો ભરેલ નાવડીઓ ડૂબતી રહે, પુલ ચાહે મોરબી નો હોય કે મહીસાગર નો હોમવવાની તો જિંદગીઓ જ છે ને ? શું આતંકવાદીઓની ગોળીઓથી લોકો મરે તે જ તેને તમે માનવ અધિકારનો ભંગ કહેશો ? કઈ બાબતોને માનવ અધિકારમાં સમાવવી ?
ભૂખ્યાના આંતર્નાદને ? 5 સ્ટાર ક્લચર ધરાવતી હોસ્પિટલના રાફડાને સામે ઘટતાં સરકારી આરોગ્ય કેન્દ્રોને ? ઘટતી સરકારી શાળાઓને તેના ઓરડાઓને કે ઘટતા શિક્ષકોને ? સરકાર પર જીવતા કરોડો નાગરિકોને જે જેને જો સરકારી સહાય ન મળે તો ભૂખ્યા સુવે ?
તો હવે નથી લાગતું કે માનવ અધિકારની નવી વ્યાખ્યાઓ સર્જવી પડશે ? જેમાં કપડાં, રહેઠાણો, સુરક્ષા, દવાખાના, રોડ, રસ્તા જેવી બાબતો પણ સામેલ હોય.અને ખાસ તો તે મુદ્દો પણ કે જે, કોઈ કાળે ન ભુલાય અને તે છે સ્વ્ચ્છ પર્યાવરણ કે જે દરેકનો અધિકાર છે.શુદ્ધ,હવા,પાણી અને ખોરાક તે પ્રાયોરીટી પર હોવા જોઈએ.કેમ કે, મોત ના કરોડો આંકડાઓમાં આ પણ એક જવાબદાર કારણ છે.ભેળ-સેળ યુક્ત ખોરાકે લોકોનું જીવવું દુષ્કર કરી નાખ્યું છે.કેન્સરનો આંક કેમ મોટો માસ થયો છે ? બધા જાણે છે.
તે સાથે જ 79મોં સ્વાતંત્ર્ય દિન ઉજવીયે તે પહેલા તેની પૂર્વ જ આઝાદીના ખ્યાલમાં સ્ત્રીઓની સુરક્ષા અને સરક્ષાને પણ મહત્વ અપાવવું જોઈએ.બળાત્કારને પણ માનવઅધિકારનો ભંગ ગણવો જોઈએ. જેમાં સ્ત્રીઓની વેદના તાર તાર થતી હોય છે.સ્ત્રીની જિંદગી આખી બદલાઈ જાય છે.ત્યારે હવે આ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણીની થીમ જ આમ તો નવેસર થી માનવ અધિકારની વ્યાખ્યાઓ અને આઝાદીનો ખ્યાલ રખવવો જોઈએ. માનવાધિકાર માં માનવીય જીવન સાથે જોડાયેલ સંવેદનાઓ આવવી જોઈએ.આ સંવેદના દરેકને સ્પર્શે તેવી જ હોવી જોઈએ.
અને આખરે અહીં જે પ્રકારે વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ આઝાદીના ખ્યાલના રેપરમાં લપેટાઈ થઇ રહ્યો છે તેમાં પણ બદલાવ આવવો જોઈએ.સ્વત્રંત્રતા એટલે દેશના સન્માનને કે દેશના વડાપ્રધાનને કે દેશ સાથે જોડાયેલ કોઈપણ ટોચની વ્યક્તિની ગરિમા સાથે જોડાયેલું હોય છે,દેશની બહુમતિઓના કે લઘુમતીઓના ધર્મને ઠેસ પહોંચે, ગરિમા લજવાય લે લાંછન લાગે તેવા શબ્દો વાપરવા તે પણ આઝાદીના 78 વર્ષનો દુરુપયોગ જ છે.જેને દેશ સાથે ગદ્દારી સાથે જોડીને જોવાવું જોઈએ.જે આઝાદીની અતિરિક્ત ખ્યાલથી પર છે.કદાચ આ જ તે ભાવના કે વિભાવના છે કે, જે માનવીય જિંદગીઓને ક્યાંક આજેપણ ક્યાંક દયામણી, ક્યાંક લાચાર ક્યાંક આઝીઝી કરતી તો ક્યાંક ગદારીના વરવા રૂપો આપણને બતાવે છે.
બસ ત્યારે કદાચ આ જ છે એક નવા ઇતિહાસની શરૂઆતની એક શક્યતા કે જ્યાં હવે આઝાદી અને માનવાધિકારને એક નવી નજરે જોવો પડશે.કેમ કે, બન્નેની વ્યાખ્યાઓ હજી સુધી બહુ સીમિત છે.તેને વિસ્તૃત બનાવવી જોઈશે.ત્યારે જ સાચી આઝાદીનો અનુભવ થશે.ખુલ્લા આકાશ નીચે વહેતી હવામાં લહેરાતો ત્રિરંગો પણ મા ભારતીની આ જ ઈચ્છાને દર્શાવે છે.