ISRO Gaganyaan Citizen Astronauts: અંતરિક્ષની ઊંચાઈઓને સ્પર્શવાનું સપનું હવે સામાન્ય નાગરિકોનું પણ પૂરું થશે. માનવસહિત ગગનયાન મિશનના શરૂઆતી કેટલાક તબક્કાઓ પૂરા કર્યા પછી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતના અંતરિક્ષ યાત્રી કેડરને પહેલીવાર સામાન્ય નાગરિકો માટે ખોલી શકે છે.
ઇસરોની યોજના છે કે ગગનયાન મિશનના શરૂઆતી તબક્કા પૂરા થયા પછી યાત્રી કેડરને ખોલવામાં આવે. આના પર વિગતવાર ચર્ચા થઈ રહી છે. એટલે કે આવનારા કેટલાક વર્ષોમાં માત્ર ફાઈટર પાયલોટ જ નહીં, પરંતુ સાયન્સ અને ટેકનોલોજી સેક્ટર સાથે જોડાયેલા નાગરિકોને અંતરિક્ષમાં જવાની તક આપવામાં આવી શકે છે.
4 નાગરિક STEM બેકગ્રાઉન્ડના હશે
એક સૂત્રએ જણાવ્યું કે, જ્યાં પહેલા બેચના તમામ અંતરિક્ષ યાત્રી ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલોટ છે, ત્યાં બીજા બેચમાં ઇસરો વિવિધતા પર ફોકસ કરી રહ્યું છે. સેકન્ડ બેચમાં 6 યાત્રી વાયુસેનાના બેકગ્રાઉન્ડના હશે, જ્યારે 4 નાગરિકો (STEM) હશે. જેમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ના નિષ્ણાતો સામેલ હશે.
શું છે પ્લાન
યોજનાના અંદાજ મુજબ, દર વર્ષે બે માનવસહિત મિશન હશે અને અંતરિક્ષ યાત્રી એક મિશનથી પરત આવ્યા પછી બે વર્ષના અંતરાલ પર ફરીથી ઉડાન ભરી શકે છે. અંતરિક્ષ યાત્રીઓની પસંદગી, તાલીમ અને મિશનની તૈયારીનું આખું ચક્ર લગભગ 4.5 વર્ષનું છે.
ઇસરોની એક સમિતિએ અંદાજ લગાવ્યો હતો કે બીજા બેચમાં સંચાલન સંબંધી જરૂરિયાતો માટે શરૂઆતમાં સાત અંતરિક્ષ યાત્રીઓ પૂરતા હશે, પરંતુ સંભવિત આંતરરાષ્ટ્રીય મિશન અને સંભવિત અછતને ધ્યાનમાં રાખીને આ સંખ્યા વધારીને 10 કરી દેવામાં આવી છે.
સાતમા માનવસહિત મિશનથી એક વધુ ફેરફારની યોજના છે, અંતરિક્ષમાં જનારા ગ્રુપમાં યાત્રીઓની સંખ્યા બે અંતરિક્ષ યાત્રીઓથી વધારીને ત્રણ કરવાનો પ્રસ્તાવ છે. આ વિસ્તરણ ભારતીય અંતરિક્ષ સ્ટેશનની લાંબા ગાળાની યોજનાઓ સાથે જોડાયેલું છે, જ્યાં વૈજ્ઞાનિક ઉપયોગ માટે વધુ અંતરિક્ષ યાત્રીઓની જરૂર પડવાની અપેક્ષા છે. ત્રીજા બેચ માટે સૈન્ય પૃષ્ઠભૂમિ ધરાવતા અને નાગરિક અંતરિક્ષ યાત્રીઓનું પ્રમાણ ઘણું બદલાવાની આશા છે.
દેશના પહેલા માનવસહિત અંતરિક્ષ મિશનને પૂરું કરવા માટે પહેલા બેચમાં ચાર ભારતીય વાયુસેનાના અત્યંત અનુભવી ટેસ્ટ પાયલોટને પસંદ કરવામાં આવ્યા છે. જેમાં એર કોમોડોર પ્રશાંત બી નાયર, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ સામેલ છે. આ તમામને ટેકનિકલ જટિલતાઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે.
દુનિયાભરની સ્પેસ એજન્સીઓમાં ટ્રેન્ડ રહ્યો છે કે જ્યાં સુધી નાગરિક અંતરિક્ષ યાત્રીઓને મોકલવા માટે ટેકનિક પૂરતી રીતે વિકસિત ન થઈ જાય, ત્યાં સુધી સૈન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરવામાં આવતી હોય છે. જોકે નાગરિકોને સામેલ કરવા એ મિશનની વધતી ગતિ સાથે જોડાયેલું છે.

