તિરૂપતિના પ્રસાદના લાડુમાં તમાકુ મળ્યાનો દાવો થયો

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 24 : તિરૂપતિનાં મંદિરમાં પ્રસાદ માટેના લાડુમાં પશુઓની ચરબીનો વિવાદ ગાજી રહ્યો છે, ત્યારે હવે અહીંના પ્રસાદના લાડુમાં તમાકુ મળ્યાનો દાવો થયો છે. તેલંગાણાની એક મહિલાએ જણાવ્યું હતું કે, તેને લાડુની અંદર કાગળમાં લપેટાયેલા તમાકુના ટુકડા મળ્યા હતા. મહિલાએ તેનો વીડિયો પણ વાયરલ કર્યો છે. બીજી તરફ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરના લાડુના કેરેટમાં ઉંદરનાં બચ્ચાં હોવાનો દાવો થયો છે. જો કે, મંદિર ટ્રસ્ટે કહ્યું હતું કે, વાયરલ વીડિયો અમારા મંદિરનો નથી.

temple tirupati

- Advertisement -

ખમ્મમ જિલ્લાના ગોલ્લાગુડેમની મહિલા ડોંથુ પદ્માવતીએ આક્ષેપ કર્યો હતો કે, તે 19મી સપ્ટેમ્બરે તિરૂમાલા મંદિર ગઈ હતી અને લાડુમાં તમાકુ જોવા મળી હતી. તેણે આ અંગેનો વીડિયો મીડિયા અને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. દરમ્યાન, એક મીડિયા અહેવાલ મુજબ ગાય સહિતના પશુઓની ચરબી મળ્યાના વિવાદ છતાં તિરૂપતિના લાડુના વેચાણમાં કોઈ જ કમી આવી નથી. મંદિર પ્રશાસન મુજબ છેલ્લા ચાર દિવસમાં 14 લાખ લાડુ વેચવામાં આવ્યા છે. વેંકટેશ્વર મંદિરમાં રોજ લગભગ 60 હજાર શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચે છે. ભક્તોને ટાંકીને જણાવાયું હતું કે, લાડુનો વિવાદ હવે ઈતિહાસની વાત થઈ ચૂકી છે. અમારી શ્રદ્ધાને આસાનીથી હલબલાવી શકાય નહીં.

Share This Article