Jammu Kashmir Tunnel Project: જમ્મુ-કાશ્મીરમાં બે મોટા ટનલ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી, NH-244 પર વધશે કનેક્ટિવિટી
Jammu Kashmir Tunnel Project: કેન્દ્રીય મંત્રિમંડળે જમ્મુ-કાશ્મીરમાં નેશનલ હાઇવે (NH-244) પર બે મહત્વપૂર્ણ ટનલ પ્રોજેક્ટ અને તેનાથી જોડાયેલા સંપર્ક માર્ગોના નિર્માણને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપી હતી. અંદાજે 9,800 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ પ્રોજેક્ટનો હેતુ કાશ્મીર ખીણ અને જમ્મુ વિસ્તાર વચ્ચે તમામ ઋતુઓમાં વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે. તેની સાથે ચિનાબ ખીણ સુધી પહોંચ પણ વધુ સરળ બનશે.
આ પ્રોજેક્ટમાં અનંતનાગ-ચેનાની કોરિડોર પર સિંહપોરા-વૈલૂ ટનલ અને સુધમહાદેવ-દ્રંગા ટનલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ડોડા, કિશ્તવાડ અને ઉધમપુર જિલ્લાઓની માર્ગ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને મુસાફરીનો સમય પણ ઓછો થઈ જશે.
બંને પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર ભંડોળ પૂરું પાડશે
માહિતી અનુસાર અંદાજે 39 કિલોમીટર લાંબા સિંહપોરા-વૈલૂ માર્ગ પર 10 કિલોમીટર લાંબી એકતરફી ડબલ ટનલનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે 13 કિલોમીટર લાંબા સુધમહાદેવ-દ્રંગા માર્ગ પર 8 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આ બંને પ્રોજેક્ટ માટે સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
માર્ગ બનશે વધુ સરળ
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ટનલોના નિર્માણ બાદ NH-244ના તે મુશ્કેલ વિસ્તારોને ટાળી શકાશે જ્યાં ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાના કારણે વારંવાર વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુસાફરો, પ્રવાસીઓ અને માલ પરિવહન માટે વધુ સુરક્ષિત તથા ઝડપી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ થશે. ઉપરાંત દૂરના વિસ્તારો સુધી સમગ્ર વર્ષ દરમિયાન પહોંચ સુનિશ્ચિત થતાં વિસ્તારના આર્થિક અને પ્રવાસન વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની સાથે સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વધુ સારા માર્ગ નેટવર્કના કારણે કૃષિ ઉત્પાદનો, આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય માલસામાનની અવરજવર પણ વધુ સરળ બનશે.

