Karnataka Ballari violence FIR: બલ્લારીમાં બેનર યુદ્ધે ધારણ કર્યું લોહિયાળ સ્વરૂપ, ધારાસભ્ય જનાર્દન રેડ્ડી સહિત ૧૧ સામે FIR નોંધાઈ, પથ્થરમારો અને હવામાં ફાયરિંગથી એકનું મોત

Arati Parmar
2 Min Read

Karnataka Ballari violence FIR: કર્ણાટકના બલ્લારીમાં ગુરુવારે થયેલી હિંસા મામલે ભાજપના ધારાસભ્ય જનાર્દન રેડ્ડી સહિત ૧૧ લોકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. હિંસા બાદ બલ્લારીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. હકીકતમાં બેનર લગાવવા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ભરત રેડ્ડી અને ભાજપના ધારાસભ્ય જનાર્દન રેડ્ડીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ હિંસામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

તણાવને જોતા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. હાલત અત્યારે શાંતિપૂર્ણ છે અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે જેથી કોઈ પણ અણબનાવ ન બને.’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ હથિયાર લહેરાવી રહ્યો છે અને હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. આ મામલે પોલીસે શુક્રવારે ભાજપના ધારાસભ્ય જનાર્દન રેડ્ડી, પૂર્વ મંત્રી અને ભાજપ નેતા શ્રીરામુલુ, શેખર, અલીખાન અને સોમશેખર રેડ્ડી સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

કઈ બાબતે થયો વિવાદ?

બલ્લારીમાં ૩ જાન્યુઆરીના રોજ વાલ્મિકીજીની પ્રતિમાનું અનાવરણ થવાનું છે. આ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેના પોસ્ટર-બેનર આખા શહેરમાં લગાવવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ધારાસભ્ય ભરત રેડ્ડીના સમર્થકો ભાજપ ધારાસભ્ય જનાર્દન રેડ્ડીના નિવાસસ્થાન પાસે કાર્યક્રમના બેનર લગાવી રહ્યા હતા. કથિત રીતે ભાજપ ધારાસભ્યના સમર્થકોએ આનો વિરોધ કર્યો, જેના કારણે બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને ટૂંક સમયમાં તે મારામારીમાં ફેરવાઈ ગઈ. ત્યારબાદ બંને તરફથી પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસનું કહેવું છે કે જ્યારે હંગામાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી તો તેના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે લાઠીચાર્જ કરીને અને હવામાં ફાયરિંગ કરીને ભીડને વિખેરી નાખી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

Share This Article