Hiran Chatterjee Second Marriage: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ખડગપુરના ભાજપ ધારાસભ્ય હિરણ ચેટર્જીએ મોટો ધડાકો કર્યો છે. તેમણે મોડેલ રિતિકા ગિરી સાથે બીજા લગ્ન કરી લીધા છે. હિરણ ચેટર્જી બંગાળી સિનેમાના એક્ટર છે. તેમની પહેલી પત્ની અનિંદિતા ચેટર્જીએ પતિ પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે. અનિંદિતા ચેટર્જીએ દાવો કર્યો છે કે ધારાસભ્ય બનતાની સાથે જ તે રિતિકાના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ જૂઠું બોલતા રહ્યા. તેમણે જણાવ્યું કે રિતિકા તેમની દીકરી કરતા માત્ર બે વર્ષ મોટી છે, તેથી આ સંબંધને સ્વીકારવો મુશ્કેલ છે. આરોપ છે કે હિરણ ચેટર્જીએ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વગર જ આ પગલું ભર્યું છે.
હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન
એક્ટરથી નેતા બનેલા ચેટર્જીએ મંગળવારે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં ખડગપુર સદરના ધારાસભ્ય ચેટર્જી વારાણસીમાં હિન્દુ રીતિ-રિવાજો મુજબ લગ્ન કર્યા બાદ મોડેલ રિતિકા ગિરી સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો સામે આવ્યા બાદ પહેલી પત્ની અનિંદિતા ચેટર્જીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને લગ્નને ગેરકાયદે ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો કે અમે ન તો અલગ થયા છીએ અને ન તો અમારા છૂટાછેડા થયા છે. અમારા લગ્ન ૧૧ ડિસેમ્બર ૨૦૦૦ ના રોજ થયા હતા. અમારી એક ૧૯ વર્ષની દીકરી પણ છે. હું લાંબા સમયથી અત્યાચાર સહન કરી રહી હતી, પરંતુ મેં મારી દીકરી અને પરિવાર ખાતર મૌન ધારણ કર્યું હતું.
પહેલી પત્નીએ મોરચો ખોલ્યો
અનિંદિતા ચેટર્જીએ આગળ કહ્યું કે હવે હિરણે જે કર્યું છે, તેના માટે મારે અવાજ ઉઠાવવો પડશે. તેમણે એ પણ યાદ કર્યું કે ચેટર્જી પશ્ચિમ મેદિનીપુરમાં પોતાના મતવિસ્તારમાં રાજકીય કામમાંથી બ્રેક લઈને તેમને અને તેમની દીકરીને મળવા આવતા હતા. ચેટર્જીની આ મામલે પ્રતિક્રિયા સામે આવી નથી. વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના નેતા વિરુદ્ધ શરૂ થયેલા આરોપો પર રાજ્ય ભાજપ પણ મૌન છે. હિરણ ચેટર્જીને દિલીપ ઘોષ ભાજપમાં લાવ્યા હતા. તેમણે પણ ગયા વર્ષે ભાજપની મહિલા પાંખની પદાધિકારી સાથે લગ્ન કર્યા હતા. હિરણ ચેટર્જી પશ્ચિમ બંગાળના ઉલુબેરિયાના રહેવાસી છે. તેમનો જન્મ ૧૯ ડિસેમ્બર, ૧૯૮૫ ના રોજ થયો હતો. આ હિસાબે તેમની ઉંમર ૪૦ વર્ષ છે.

