King Cobra Railway Research: ભારતના પશ્ચિમ ઘાટના ગાઢ જંગલોમાં વસતા કિંગ કોબ્રા (નાગરાજ) હવે અજાણતા જ લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે. સુરતના જાણીતા હર્પેટૉલૉજિસ્ટ દિકાંશ પરમાર અને તેમની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા કરવામાં આવેલા આ ચોંકાવનારા સંશોધને વન્યજીવ સંરક્ષણ અને જાહેર સુરક્ષા સામે નવા સવાલો ઉભા કર્યા છે. આ સંશોધન અમેરિકાની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ ‘બાયોટ્રોપિકા’ માં સ્થાન પામ્યું છે
‘રેલવે ડિસ્પર્સલ હાઇપોથિસિસ’: કેવી રીતે પહોંચે છે સાપ?
દિકાંશ પરમારે ગોવામાં કિંગ કોબ્રા મળી આવવાના ૪૭ સ્થળોનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો, જેમાંથી મોટાભાગના રેલવે સ્ટેશનો કે પાટાની નજીક હતા:
ખોરાકની શોધ: રેલવે ટ્રેક પર ફેંકવામાં આવતા વધેલા ખોરાકને કારણે ઉંદરોનો જમાવડો થાય છે, જેનો શિકાર કરવા કિંગ કોબ્રા પાટા સુધી ખેંચાઈ આવે છે.
આશ્રયસ્થાન: માલગાડીઓ કે પેસેન્જર ટ્રેનો જ્યારે જંગલ વિસ્તાર (જેમ કે કર્ણાટકનું કેસલ રોક) માં ઉભી રહે છે, ત્યારે સાપ સુરક્ષિત આશ્રય સમજી ડબ્બામાં ચઢી જાય છે.
અજાણતા સફર: ટ્રેન ઉપડતા સાપ સેંકડો કિલોમીટર દૂર એવા વિસ્તારોમાં પહોંચી જાય છે જે તેમનું કુદરતી નિવાસસ્થાન નથી (દા.ત. ગોવાના ચાંદોર કે વાસ્કો-દ-ગામા રેલવે સ્ટેશન).
‘ઓફિફેગસ કાલિંગા’ અને માનવ સંઘર્ષનું જોખમ
પશ્ચિમ ઘાટમાં જોવા મળતી આ પ્રજાતિ ‘ઓફિફેગસ કાલિંગા’ (Ophiophagus kaalinga) તરીકે ઓળખાય છે, જે અત્યંત ઝેરી અને સંરક્ષિત શ્રેણીમાં આવે છે.
૧. જાહેર સુરક્ષા: ટ્રેન મારફતે આ સાપ માનવ વસાહતોમાં પહોંચતા ‘મેન-એનિમલ કોન્ફ્લિક્ટ’ વધે છે. કિંગ કોબ્રાનું ઝેર અત્યંત ઘાતક હોવાથી તે જીવલેણ બની શકે છે.
૨. સંરક્ષણને નુકસાન: ટ્રેન દ્વારા અલગ પર્યાવરણમાં પહોંચેલા સાપને પૂરતો ખોરાક કે આશ્રય મળતો નથી, પરિણામે ભૂખ અને તાણને કારણે તેમના મૃત્યુનું જોખમ વધે છે.
૩. વૈજ્ઞાનિક પુરાવા: ગોવા એનિમલ રેસ્ક્યૂ સ્ક્વોડના ડેટા મુજબ ૨૦૦૨ થી ૨૦૨૪ દરમિયાન રેસ્ક્યૂ કરાયેલા ૧૨૦ સાપમાંથી ૪૭ રેલવેની આસપાસના હતા.
સંશોધકોની ચેતવણી અને સૂચનો
ડૉ. હેનરિક કૈસર અને ડૉ. ડેનિસ રૉડર જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથેના આ રિસર્ચમાં સ્પષ્ટ જણાવાયું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વન્યજીવોના વિચરણને પ્રભાવિત કરી રહ્યું છે.
બચવા માટેના ઉપાયો:
જંગલ વિસ્તારોમાં ટ્રેનોને બિનજરૂરી રોકવી ન જોઈએ.
ટ્રેનના ડબ્બાઓમાં એઠું ભોજન ન નાખવું જેથી ઉંદરો આકર્ષાય નહીં.
રેલવે યાર્ડમાં નિયમિત નિરીક્ષણ અને જંગલોનો વિનાશ અટકાવવો અનિવાર્ય છે.

