મણિશંકર ઐયરનું વિવાદાસ્પદ નિવેદન

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 10 : સેમ પિત્રોડા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે કોંગ્રેસ ઘેરાયેલી છે, તેવામાં મણિશંકર અય્યરે વાણીવિલાસ શરૂ કરી દીધો છે. મણિશંકર અય્યરના ઈન્ટરવ્યૂનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. કારણ કે, તેની પાસે અણુબોમ્બ છે.

કોંગ્રેસ નેતા કહી રહ્યા છે કે, પરમાણુ બોમ્બના રેડિયો એક્ટિવ કિરણો ગણતરીના સમયમાં અમૃતસર પહોંચી જશે. અય્યરે કેન્દ્ર સરકાર ઉપર પાકિસ્તાન સાથે સમસ્યાઓનો ઉકેલ કરવાનો પ્રયાસ ન કરવાનો આરોપ મુક્યો હતો. ભાજપે આક્રમકતાથી કોંગ્રેસને ઘેરી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ ફરી બહાર આવી ગયો છે. અય્યરના નિવેદન ઉપર હંગામા બાદ કોંગ્રેસે દૂરી બનાવી લીધી છે. ભાજપ પર પલટવાર કરતાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે, અય્યરનું નિવેદન જૂનું છે. તેના પર આજે ચર્ચા શા માટે થઈ રહી છે. ભાજપે વાસ્તવિક મુદ્દાઓ પર ચૂંટણી લડવી જોઈએ. ચિલ પિલ નામની એક યુ-ટયુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અય્યરે કહ્યું હતું કે, પાકિસ્તાનનું પણ સન્માન છે અને તેની સાથે વાતચીત થવી જોઈએ. તે એક સંપ્રભુ દેશ છે.

- Advertisement -

2 m a

પાકિસ્તાનનું સન્માન જાળવી રાખીને તેની સાથ વાત થઈ શકે તેમ હોય તો થવી જોઈએ. જો કે, તમે તો બંદૂક લઈને ફરી રહ્યા છો. અય્યરે કહ્યું હતું કે, દુનિયાના વિશ્વગુરુ બનવા માટે જરૂરી છે કે, પાકિસ્તાન સાથે સમસ્યાનો ઉકેલ કરવામાં આવે. જો કે, 10 વર્ષથી સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયાસ બંધ કરી દેવામાં આવ્યો છે. અય્યરના આ વાયરલ વીડિયોથી કોંગ્રેસે અંતર બનાવ્યું છે. કોંગ્રેસ નેતા ખેડાએ એક્સ ઉપર લખ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મણિશંકર અય્યર દ્વારા અમુક મહિના પહેલાં કરવામાં આવેલી અમુક ટિપ્પણીથી કોંગ્રેસ પોતાને અલગ કરે છે અને સંપૂર્ણ રીતે અસહમત છે. દેશ સમજી રહ્યો છે કે, ભાજપ દ્વારા પીએમ મોદીની દૈનિક ભૂલો અને ડગમગતા પ્રચારથી ધ્યાન હટાવવા માટે જૂની અપ્રાસંગિક ટિપ્પણીઓને સામે લાવવામાં આવી રહી છે. અય્યર કોઈપણ પ્રકારથી અને કોઈપણ મંચથી પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા નથી.

- Advertisement -
Share This Article