Meta Child Safety: Meta બાળકોના યૌન શોષણના કેસોની માહિતી ભારતીય કાયદા અમલ કરતી એજન્સીઓને આપશે, સરકારની કડકાઈની અસર

Arati Parmar
2 Min Read

બાળકોના યૌન શોષણના કન્ટેન્ટ સામે સરકારની મોટી કાર્યવાહી, Meta સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વધશે કડકાઈ

Meta Child Safety: Meta બાળકોના યૌન શોષણના કેસોની માહિતી કાયદાનો અમલ કરતી એજન્સીઓને આપવા માટે સંમત થઈ ગયું છે. ન્યૂઝ એજન્સીના સૂત્રો અનુસાર ભારત સરકાર હાનિકારક માહિતીના પ્રસારને રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે સતત વાતચીત કરી રહી છે. ભારતમાં કાર્યરત કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બાળકોની ઑનલાઇન સુરક્ષા એક મૂળભૂત સિદ્ધાંત છે અને તેમાં કોઈ સમાધાન કરી શકાય નહીં.

બાળકો માટે પ્લેટફોર્મ સુરક્ષિત બનાવાશે

સરકારનું માનવું છે કે બાળકો માટે પ્લેટફોર્મને સુરક્ષિત બનાવવાની દિશામાં આ પહેલું પગલું છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. સરકાર આવા કન્ટેન્ટની ઓળખ કરવા અને તેને દૂર કરવા માટે અન્ય પ્લેટફોર્મ્સ સાથે પણ સક્રિય રીતે કામ કરી રહી છે. જે પ્લેટફોર્મ બાળકોની સુરક્ષા માટે સક્રિય પગલાં નહીં લે તેની સામે સરકાર કાર્યવાહી કરશે.

- Advertisement -

સરકારની કડકાઈ પહેલાં વલણ ઢીલું હતું

હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકાર Meta ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે પણ કડકાઈ કરી રહી છે. મોદી સરકારનું કહેવું છે કે ભારતમાં કાર્યરત સોશિયલ મીડિયા કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ પરથી બાળકોના યૌન શોષણ સાથે સંબંધિત ગેરકાયદેસર સામગ્રી એટલે કે Child Sexual Abuse Material સામે કડક કાર્યવાહી કરવી પડશે. ભારત સરકારે અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાંધાજનક અને ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવા મામલે ઢીલું વલણ અપનાવવામાં આવતું હોવાની વાત કહી હતી.

સરકાર અને અધિકારીઓએ આપી હતી ચેતવણી

ભારત સરકારના અધિકારીઓ ઉપરાંત BJP સાંસદ નિશિકાંત દુબેએ પણ સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી આપી હતી કે તેમણે બાળકો સાથે સંબંધિત અશ્લીલ કન્ટેન્ટ સામે કાર્યવાહી કરવી પડશે. જો કંપનીઓ આ કાર્યવાહીથી પાછળ હટશે તો ભારતમાં તેમને મળેલી ‘સેફ હાર્બર’ની સુરક્ષા સમાપ્ત કરી દેવામાં આવશે. સરકારની ચેતવણી બાદ જ કંપનીઓએ આવા કન્ટેન્ટ સામે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે.

- Advertisement -
Share This Article