નવી દિલ્હી, તા. 3 : લોકતંત્રનાં મહાપર્વનો જનાદેશ આવતીકાલે જાહેર થઈ જશે. એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સ્પષ્ટ અને ઐતિહાસિક વિજયનાં અનુમાનો બાદ હવે દેશ અને દુનિયાની નજર આવતીકાલે મંગળવારે જાહેર થનાર લોકસભાની ચૂંટણીનાં વાસ્તવિક પરિણામો ઉપર મંડાયેલી છે. એક્ઝિટ પોલ ભાજપના આસાન વિજયની આગાહી કરે છે, પણ સૌની મીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 400 પારના નારા મુજબ ભાજપ અભૂતપૂર્વ જીત મેળવે છે કે નહીં તેના ઉપર છે.


સવારે 8 કલાકથી મતગણતરીનો આરંભ થઈ જશે અને 10 વાગ્યા સુધીમાં પરિણામોનાં વલણો પણ આવવા લાગશે. બપોર સુધીમાં વડાપ્રધાન મોદી સત્તાની ઐતિહાસિક હેટ્રિક લગાવશે કે કેમ તે ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. સાથો સાથ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પણ જાહેર થશે. જો મોદીને ત્રીજીવાર સિંહાસન ઉપર બિરાજમાન કરવાનો લોકચુકાદો આવશે તો જવાહરલાલ નહેરુ પછી મોદી પ્રથમ એવા વડાપ્રધાન બનશે જેમણે સતત ત્રણ કાર્યકાળ સુધી દેશની શાસનધુરા સંભાળી હોય. ચૂંટણીની ઘોષણાથી માંડીને પરિણામો સુધીની 80 દિવસ ચાલેલી પ્રક્રિયામાં 7પ1 પક્ષના કુલ 8360 ઉમેદવારે આ 18મી લોકસભા માટેની ચૂંટણીમાં પોતાનું કિસ્મત અજમાવ્યું હતું અને તેમના ભાવિનો ફેંસલો આવતીકાલે થઈ જશે. આ લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલા સહિત કુલ મળીને 64.2 કરોડ મતદારે ભાગ લીધો હતો અને આ મતદાનનો આંકડો એક વિશ્વવિક્રમ છે.
વિશ્વની સૌથી મોટી મતદાન પ્રક્રિયામાં 68 હજારથી વધુ નિરીક્ષણ દળ અને દોઢ કરોડથી વધુ મતદાન અને સુરક્ષાકર્મીઓએ આમાં અથાગ મહેનત કરી હતી. લોકસભા ચૂંટણી 2024 માટે 16 માર્ચથી શરૂ થયેલો ચૂંટણી પ્રચાર 7પ દિવસ સુધી ચાલ્યો હતો અને 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. આ ચૂંટણી પ્રક્રિયા પણ કુલ 43 દિવસ ચાલી હતી. આમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં લાગેલા 80 દિવસ પછી અંતિમ પરિણામોની રાહનો આવતીકાલે અંત આવશે. લોકસભા ચૂંટણી 2019માં પણ સાત તબક્કામાં જ મતદાન થયું હતું પણ 2024ની ચૂંટણીમાં પાંચ તબક્કામાં અગાઉની તુલનામાં 4 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. જે બે તબક્કામાં મતદાન વધ્યું છે તે વધારો પણ માત્ર 1 ટકા જેટલો છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 8 કલાકે મતગણના શરૂ થશે.
જેમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરી લેવામાં આવશે અને પછી ઇવીએમના મત ગણાશે. ગણતરી શરૂ થયા બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં વલણો સ્પષ્ટ થઈ જશે અને 2 વાગ્યા આસપાસ પરિણામોની જાહેરાત પણ થવા લાગશે. ઇવીએમ અને વીવીપેટના મત મેળવવાની પ્રક્રિયા અને પોસ્ટલ બેલેટના મત ઉમેરવા સહિતની કામગીરી થતા સાંજે 6 વાગ્યા સુધીમાં અંતિમ પરિણામો ઘોષિત થવાની સંભાવના છે. આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધુ 206 રેલી અને રોડ-શો કર્યા હતા. તદુપરાંત 80 જેટલા ઇન્ટરવ્યૂ પણ તેમણે આપ્યા છે. વર્ષ 2019ની ચૂંટણીમાં તેમણે 14પ ચૂંટણી કાર્યક્રમો યોજ્યા હતા જ્યારે ગૃહમંત્રી અમિત શાહે 118 સભા અને રોડ-શો કર્યા છે. આવી જ રીતે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ 88 રેલી કરી હતી. સામે પક્ષે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 107, પ્રિયંકા ગાંધીએ 108 રેલી અને રોડ-શો કર્યા હતા.

