પોલેન્ડમાં મોદીનું ઉમળકાભેર સ્વાગત

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 21 : ત્રણ દિવસની વિદેશયાત્રાના પ્રથમ ચરણમાં બુધવારની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ પહોંચી ગયા હતા. છેલ્લા 45 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ પોલેન્ડ પ્રવાસ છે. ભારતીય પ્રવાસી સમુદાયના લોકો, બાળકોએ ખાસ દાંડિયારાસ રમીને ઉષ્માભેર સ્વાગત કર્યા બાદ વડાપ્રધાને તરત જામનગરના પૂર્વ મહારાવ જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજિતસિંહજીના સ્મારકની મુલાકાત લઇને અંજલિ આપી હતી. પોલેન્ડની રાજધાની વોરસોમાં બે દિવસના પ્રવાસે પહોંચેલા મોદીને વધાવી લેતાં પ્રવાસી ભારતીય સમુદાયે મોદી, મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

modi in poland

- Advertisement -

પ્રવાસે રવાના થતાં પહેલાં પોલેન્ડને મધ્ય-યુરોપમાં ભારતનું આર્થિક ભાગીદાર લેખાવનાર મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેઝ?સેબેસ્ટિયન ડુડા અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાતો કરી વિવિધ મહત્ત્વના મુદ્દે ચર્ચા કરશે. 1992મા બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધ સ્થાપિત થયા બાદ પહેલી વખત ભારતીય વડાપ્રધાન યુક્રેન પણ જઈ રહ્યા છે. મોદી પોલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરવાના છે. મોદીની યાત્રાની જાણકારી આપતા પીએમઓએ એક પત્ર જારી કર્યો છે.

પત્રમાં પીએમના હવાલાથી લખવામાં આવ્યું છે કે પોલેન્ડની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે રાજદ્વારી સંબંધના 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પોલેન્ડ મધ્ય યુરોપમાં એક પ્રમુખ આર્થિક ભાગીદાર છે. લોકતંત્ર અને બહુલવાદ પ્રત્યે પારસ્પરિક પ્રતિબદ્ધતા સંબંધોને વધારે મજબૂત કરે છે. પીએમ મોદી આ ઉપરાંત યુક્રેનની પણ મુલાકાત કરશે. જેમાં કીવમાં રાજનીતિક, વ્યાપાર, આર્થિક, રોકાણ, શિક્ષા, સાંસ્કૃતિક, જનસંપર્ક, માનવીય સહાયતા અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો ઉપર ચર્ચા કરશે. આ યાત્રાથી ભારત અને યુક્રેન વચ્ચે નિરંતર સંપર્કને પ્રોત્સાહન મળવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી શુક્રવારે યુક્રેન પ્રવાસે પહોંચશે. આ મહત્ત્વના ગણાવાઇ રહેલા પ્રવાસ પહેલાં વડાપ્રધાને બુધવારે જણાવ્યું હતું કે, બંને દેશ (યુક્રેન અને રશિયા) વચ્ચે વાતચીત દ્વારા જ સ્થાયી શાંતિ સ્થાપિત થઇ શકે છે.સંવાદથી શાંતિ સ્થપાશે, તેવી મને આશા છે. મારું માનવું છે કે, યુદ્ધનાં મેદાન પર યુક્રેન સંકટનું સમાધાન શક્ય નથી, તેવું મોદીએ કહ્યું હતું. કીવ પહોંચીને મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કી સાથે યુક્રેન સંકટનાં સમાધાન પર ચર્ચા – વિચાર – વિમર્શ કરશે. એવું પહેલીવાર બની રહ્યું છે, જ્યારે કોઇ ભારતીય વડાપ્રધાન યુક્રેનના પ્રવાસે જઇ રહ્યા છે. મોદી 23મી ઓગસ્ટના શુક્રવારે યુક્રેનની રાજધાની કીવમાં લગભગ સાત કલાક સુધી રહેશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મારા પોલેન્ડ અને યુક્રેન પ્રવાસથી આ બંને દેશ સાથે ભારતના વ્યાપક સંપર્કોનો સ્વાભાવિક વિસ્તાર થશે. યુક્રેનમાં શાંતિ ભારતની અપેક્ષા છે.

- Advertisement -
Share This Article