PM Modi Visit Adampur Airbase: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની મુલાકાત લીધી છે. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતાં. જ્યાં વાયુ સેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી હતી. વાયુસેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં જોવા મળ્યા હતા. જવાનોએ તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં વડાપ્રધાન મોદીની એક તસવીર વાયરલ થઈ છે. તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના વિમાનના ફોટો આગળ ઊભા છે. આ વિમાનની ઉપર એક સ્લોગન લખ્યું છે કે, દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.
પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લઈ પાકિસ્તાનના દાવાને પોકળ કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે હુમલો કરી ભારતના આદમપુર એર ડિફેન્સ યુનિટને નષ્ટ કરી છે. આ આદમપુર એરબેઝ પર આજે PM મોદીનું વીવીઆઈપી વિમાને સફળતાપૂર્વક લેન્ડિંગ કરી પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી.
ઓપરેશન સિંદૂરની સફળતા
પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાએ ભારત પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતાં. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતાં. ડીજીએમઓએ ગઈકાલે આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ચીનની મિસાઈલ પીએલ-15 અને તુર્કીયેના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. તેમજ અન્ય નાના-મોટા ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં.