નવી દિલ્હી, તા. ર0 : દુનિયા પર ફરી એકવાર મંકીપોક્સ નામની મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંકીપોક્સને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ ભારતે સાવચેતીરુપ પગલાં લેવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આ મામલે જરૂરી દિશા નિર્દેશ આપ્યો છે. કાંગો-આફ્રિકાથી આ બીમારી યુરોપ અને ત્યાંથી એશિયા સુધી પહોંચી ચૂકી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં મંકીપોક્સના વાયરસ સંક્રમણને રોકવા તુરંત જરૂરી પગલા ઉઠાવવા રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટો તથા પાકિસ્તાન-બાંગલાદેશ સરહદો તથા બંદરોથી આંતરરાષ્ટ્રીય મુસાફરોના આવાગમન અંગે ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. કેન્દ્રમાં મંકીપોક્સ મામલે ઉચ્ચસ્તરિય બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. કેન્દ્ર સરકારે મંકીપોક્સના સંભવિત ખતરાને ધ્યાને લઈ દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફરદરજંગ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ હોસ્પિટલની નોડલ કેન્દ્ર તરીકે પસંદગી કરી છે. રાજ્ય સરકારોને પોતાને ત્યાં શંકાસ્પદ કેસો પર નજર રાખવા અને તેની ઓળખ મેળવવા, આઈસોલેશન સેન્ટરો તૈયાર કરવા જણાવાયું છે.
વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ રવિવારે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજી મંકીપોક્સ અંગે દેશની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

