Mumbai Protest Detentions: મુંબઈ પોલીસ બુધવારે (22 જુલાઈ) માનવાધિકાર કાર્યકરો, બાળકો, સ્થાનિક આગેવાનો અને કોમેડિયનના ઘરે પહોંચી અને કોઈ નોટિસ, વૉરન્ટ અથવા અટકાયતનું કારણ જણાવ્યા વગર તેમને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ.
તેમાંથી ઘણા લોકોને અટકાયતમાં લીધાના કલાકો બાદ પણ પોલીસે એ જણાવ્યું નહીં કે આખરે તેમને શા માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં રહેતી માનવાધિકાર કાર્યકર સંધ્યા ફણસ્કરને બપોરના સમયે વાકોલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. તેમણે ત્યાંથી જણાવ્યું, “પોલીસના કેટલાક લોકો મારા ઘરે આવ્યા હતા. હું મારા 11 વર્ષના પુત્ર સાથે ઘરે હતી અને મેં પોલીસને કહ્યું કે ઓછામાં ઓછું મારા પતિ કામ પરથી પરત આવે ત્યાં સુધી રાહ જુઓ. મેં પોલીસ પાસે કોઈ કાનૂની દસ્તાવેજ બતાવવા પણ કહ્યું, પરંતુ તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો.”
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં મુંબઈના ચૈત્યભૂમિ ખાતે 20 જુલાઈએ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં જોડાવાનો પ્રયાસ કરનાર ફણસ્કરને તે જ સાંજે તેમના પુત્ર સાથે વરલી પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ફણસ્કરે કહ્યું, “માત્ર વિરોધ કરવાનો પ્રયાસ કરવા બદલ તેમણે અમારી સામે કેસ નોંધ્યો અને અમને અટકાયતમાં લીધા. આજે ફરીથી મને પોલીસ સ્ટેશનમાં રોકી રાખવામાં આવી છું.”
ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્રની કડક કાર્યવાહી અને મોટી સંખ્યામાં લોકોને અટકાયતમાં લેવા છતાં પ્રદર્શનકારીઓ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકત્ર થયા અને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો. આ દરમિયાન તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ફરી દોહરાવી.
માહિતી મુજબ, કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શરૂ કરાયેલું આ વિરોધ પ્રદર્શન હવે તેના પ્રારંભિક દાયરાથી ઘણું આગળ વધી ગયું છે અને તેણે અલગ સ્વરૂપ ધારણ કર્યું છે. હવે તેની માંગ માત્ર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી મર્યાદિત નથી. વિરોધ પ્રદર્શનોમાં યુવા બેરોજગારી અને સાંપ્રદાયિકતા જેવા અનેક મહત્વના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે.
मुंबईतील विद्यार्थी आंदोलनादरम्यान ताब्यात घेतलेल्या आंदोलकांना घेऊन जाणाऱ्या पोलिस व्हॅनसमोर एक निर्भय महिला ठामपणे उभी राहिली.
तिने माघार घेण्यास स्पष्ट नकार दिला.
क्षणातच आणखी लोक तिच्या समर्थनासाठी जमा झाले आणि अखेर पोलिसांना आंदोलकांना सोडावे लागले.
तिचे धैर्य आणि निर्धार… pic.twitter.com/i9ttuAgY5T
— Mumbai Congress (@INCMumbai) July 23, 2026
દક્ષિણ મુંબઈના પૂર્વીય કિનારે આવેલા આરએકે માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસે ઓછામાં ઓછા સાત બાળકો – ચાર છોકરા અને ત્રણ છોકરીઓ – ને સૂર્યાસ્ત બાદ પણ લગભગ પાંચ કલાક સુધી અટકાયતમાં રાખ્યા.
કાનૂની સહાય આપવા પોલીસ સ્ટેશન પહોંચેલી માનવાધિકાર કાર્યકર ભાગ્યેશા કુરણે જણાવ્યું કે શિવાજી પાર્ક વિસ્તાર નજીકથી, જ્યાં 22 જુલાઈની સાંજે વિરોધ પ્રદર્શન થવાનું હતું, ત્યાંથી નાના બાળકો સહિત 40થી વધુ લોકોને કોઈ ખાસ કારણ વગર ઉઠાવી લેવામાં આવ્યા.
કુરણે કહ્યું, “તેમાંથી કેટલાકે જણાવ્યું કે તેઓ વિરોધ પ્રદર્શનમાં જઈ રહ્યા હતા. જ્યારે ઘણા અન્ય લોકો, ખાસ કરીને સગીર બાળકોને, માત્ર પ્રદર્શન સ્થળની આસપાસના વિસ્તારોમાંથી જ ઉઠાવી લેવામાં આવ્યા, જ્યારે તેઓ વારંવાર કહી રહ્યા હતા કે તેઓ પ્રદર્શનમાં જોડાવાના નથી.”
પોલીસે સગીર છોકરીઓ અને 20થી વધુ યુવતીઓને સાંજે લગભગ 7:30 વાગ્યે મુક્ત કરી દીધી, પરંતુ ચાર સગીર છોકરાઓને રાત્રે લગભગ 9 વાગ્યા સુધી રોકી રાખ્યા.
સગીર છોકરીઓ ઘણા કલાકો સુધી કોઈ વાલી વગર પોલીસ સ્ટેશનમાં રહી. તેમના માતા-પિતાને ત્યારે જાણ કરવામાં આવી જ્યારે તેમને સાંજે છોડવામાં આવી.
જાણીતું છે કે કાયદા મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં બાળકો તથા મહિલાઓને અટકાયતમાં રાખી શકાય નહીં, છતાં મુંબઈ પોલીસ પર વારંવાર આ નિયમના ઉલ્લંઘનના આરોપ લાગી રહ્યા છે.
વકીલોને લોકોની મદદ કરતાં રોકાયા
સેવરી પોલીસ સ્ટેશનમાં પોલીસે વકીલોને આ મામલે હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપી નહોતી. શહેરભરમાંથી અટકાયતમાં લેવામાં આવેલા અનેક લોકોને અહીં રાખવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે વકીલો પહોંચ્યા ત્યારે પોલીસએ તેમને પોલીસ સ્ટેશનમાં પ્રવેશવાની કે અટકાયતમાં રહેલા લોકો સાથે વાત કરવાની મંજૂરી આપી નહોતી.
કુરણે કહ્યું, “પોલીસે અમને દરવાજા પર જ રોકી દીધા.”
વરિષ્ઠ એક્ટિવિસ્ટ ફિરોઝ મિથિબોરેવાલા અને સલીમ સાબુવાલાને અંધેરીના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બોલાવી ઘણા કલાકો સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા.
મિથિબોરેવાલાએ જણાવ્યું, “હું કોંગ્રેસ દ્વારા આયોજિત બેઠકમાં જઈ રહ્યો હતો. મેં પોલીસને કહ્યું પણ હતું કે હું જરૂરી કામે જઈ રહ્યો છું, છતાં તેમણે આગ્રહ કર્યો કે હું સીધો પોલીસ સ્ટેશન આવું.”
પછી રાત્રે તેમને મુક્ત કરવામાં આવ્યા. મિથિબોરેવાલાને 20 જુલાઈએ પણ અલગ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને 21 જુલાઈએ ફરી હાજર થવા કહેવામાં આવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે.
જાણિતા એક્ટિવિસ્ટ અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીને પણ દક્ષિણ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
આ ત્રણેમાંથી કોઈને પણ એ જણાવવામાં આવ્યું નહોતું કે તેમને શા માટે અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે.
Hacker Hai Bhai….Hacker 🫡 pic.twitter.com/XftwOu9tke
— Cockroach is Back (@Cockroachisback) July 22, 2026
પોલીસ તરફથી ફોન પર ધમકી
એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ કહ્યું, “મને એક પોલીસકર્મીનો ફોન આવ્યો. જ્યારે મેં વધુ માહિતી માંગી ત્યારે તેમણે કહ્યું કે તેમની પાસે મારા માતા-પિતાના ફોન નંબર અને મકાનમાલિકની સંપર્ક વિગતો પણ છે. આ એક પ્રકારની ધમકી હતી કે હું પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઉં, નહીં તો તેઓ ખાતરી કરશે કે હું શહેરમાં ભાડાના મકાનમાં રહી ન શકું.”
ઓછામાં ઓછા બે કોમેડિયન – રૌનક રજાણી અને અબીશ મેથ્યૂ – ને પણ મોડી સાંજે કાલાચૌકી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પોલીસ સ્ટેશન પહોંચેલા વકીલ ચેતન માલીએ જણાવ્યું કે ત્યાં ઓછામાં ઓછા 20 લોકોને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
માલીએ દ વાયરને જણાવ્યું, “પોલીસે કહ્યું કે તેઓ અટકાયતમાં લેવામાં આવેલા લોકો સામે એફઆઈઆર નોંધશે નહીં.”
પરંતુ 20 જુલાઈએ પોલીસના વર્તનને જોતા તેમના આ વચન પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોવાનું માનવામાં આવે છે. દ વાયરએ 20 જુલાઈએ પોલીસની મનસ્વી કાર્યવાહી અંગે પણ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
યુવાનો અને એક્ટિવિસ્ટ્સને અંધાધૂંધ રીતે અટકાયતમાં લેવા
પોલીસે એવા લોકો સામે કાર્યવાહી કરી હતી, જેમના વિશે તેમને શંકા હતી કે તેઓ શહેરમાં વામપંથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન માટે ચૈત્યભૂમિ જઈ રહ્યા હતા.
તે સાંજે પોલીસે સગીર છોકરા-છોકરીઓ સહિત 300થી વધુ લોકોને અટકાયતમાં લીધા અને મધરાત સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. અટકાયતમાં લેવામાં આવેલા લોકોને થોડા કલાકો બાદ (બપોરે લગભગ 3 વાગ્યે) નોટિસ આપવામાં આવી અને બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવાયું.
પોલીસ દ્વારા વિચાર્યા વગર યુવાનો અને એક્ટિવિસ્ટ્સને આ રીતે પકડી લેવાની કાર્યવાહી શહેરમાં માનવાધિકાર કાર્યકરો માટે હેરાનગતિનું સામાન્ય સાધન બની ગઈ હોવાનું કહેવામાં આવે છે. વકીલો પોતાનો મોટાભાગનો સમય શહેરના એક છેડેથી બીજા છેડે દોડધામમાં વિતાવી રહ્યા છે, જેથી અટકાયતમાં લેવાયેલા દરેક વ્યક્તિને કાનૂની સહાય મળી રહે.
મુંબઈની માનવાધિકાર કાર્યકર અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) ની સભ્ય લારા જેસાનીએ જણાવ્યું, “સવારથી જ પોલીસ કોઈ વૉરન્ટ કે નોટિસ વગર એક્ટિવિસ્ટ્સ અને વિદ્યાર્થીઓને તેમના ઘરમાંથી ઉઠાવી રહી છે. આ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન અને દુરુપયોગ છે. તેમામાંથી મોટા ભાગના લોકોને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી અને પોલીસ એ જણાવવાનો પણ ઇનકાર કરી રહી છે કે તેમને ગેરકાયદેસર રીતે શા માટે અટકાયતમાં રાખવામાં આવ્યા છે.”
જે વિરોધ પ્રદર્શન થયું જ નહીં, તેના માટે 13 એફઆઈઆર
પોલીસે 20 જુલાઈના એવા વિરોધ પ્રદર્શન માટે આઠ એફઆઈઆર નોંધાવી, જે વાસ્તવમાં થયું જ નહોતું. હવે કુલ એફઆઈઆરની સંખ્યા 13 થઈ ગઈ છે. મુંબઈ પોલીસ જેને “ગુનાહિત કૃત્ય” ગણાવે છે, તે જ વિરોધ પ્રદર્શન માટે અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે.
કેટલાક કેસોમાં એક જ પરિવારના સભ્યોને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં લઈ જઈ અલગ-અલગ એફઆઈઆર હેઠળ કેસ નોંધવામાં આવ્યો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ ઝોન) અનુરાગ જૈને અલગ-અલગ એફઆઈઆર નોંધવાના પોલીસના નિર્ણયને યોગ્ય ગણાવ્યો.
તેમણે કહ્યું, “લોકોની સંખ્યા ઘણી મોટી હતી અને તેમને પોલીસ વેનમાં બેસાડીને શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે તરત જ એફઆઈઆર નોંધવી જરૂરી હતી. હવે તમામ એફઆઈઆર શિવાજી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.”
આ એફઆઈઆર હજુ સુધી અટકાયતમાં લેવામાં આવેલા લોકો અથવા તેમના વકીલોને આપવામાં આવી નથી. જેસાનીનું કહેવું છે કે આ સુપ્રીમ કોર્ટના યુથ બાર એસોસિયેશનના ચુકાદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જેમાં પોલીસને 24 કલાકની અંદર એફઆઈઆર ઉપલબ્ધ કરાવવાનો આદેશ છે.
તેના જવાબમાં જૈને કહ્યું, “તેમને કોર્ટમાં જવા દો અને ખબર પાડવા દો કે તેમના પર કયા આરોપો મૂકવામાં આવ્યા છે.”
જૈને એવો પણ દાવો કર્યો કે 20 જુલાઈની એફઆઈઆરમાં કોઈ સગીરનું નામ નહોતું. પરંતુ તેમના દાવાના વિપરીત, 20 જુલાઈની રાત્રે ઘણા બાળકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તેમને 21 જુલાઈએ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું સમન પણ આપવામાં આવ્યું હતું. 22 જુલાઈએ પણ અનેક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા.

