Musadik Malik India Visit: પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુસાદિક મસૂદ મલિકના ભારત પ્રવાસને લઈને કોંગ્રેસે PM મોદી પર મોટો પ્રહાર કર્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભારતને હાથ કાપવાની અને લોહી વહાવવાની ધમકી આપનાર પાકિસ્તાની મંત્રી સાથે ભારતના વડાપ્રધાન બેસી રહ્યા છે. આ સાથે કોંગ્રેસે PM મોદી અને પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકની તસવીર X પર શેર કરી છે, જેમાં બંને નેતાઓ થોડા અંતરે બેઠેલા જોવા મળે છે.
મુસાદિક મલિક 20 નવેમ્બરે દિલ્હી પહોંચ્યા છે. તેઓ 20થી 22 નવેમ્બર દરમિયાન યોજાઈ રહેલા શાંઘાઈ સહકાર સંગઠનના સભ્યતા સંવાદ મંચમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બેઠક બહુપક્ષીય મંચ છે, જેમાં વિવિધ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસે મલિકના ભારત આગમન અને બેઠકમાં ભાગ લેવા મુદ્દે સરકારની પાકિસ્તાન નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારતીય નાગરિકોની હત્યા કરાવે છે અને ભારત સરકાર એ જ દેશના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહી છે.
भारत को हाथ काटने और खून बहाने की धमकी देने वाले मुसादिक मलिक के साथ नरेंद्र मोदी।
मोदी ने हमेशा से देश के साथ गद्दारी की है।
जो पाकिस्तान आतंकी भेजकर हमारे नागरिकों की हत्या करवाता है, मोदी उसी के साथ बैठ रहे हैं।
अभी तो बिरयानी भी खिलाएंगे और ताज महल भी घुमाएंगे।
लानत है https://t.co/QhbzxoNBBt
— Congress (@INCIndia) November 20, 2026
હજી તો બિરયાની પણ ખવડાવશે, તાજમહેલ પણ બતાવશે
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકને લઈને આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું, ‘ભારતને હાથ કાપવાની અને લોહી વહાવવાની ધમકી આપનાર મુસાદિક મલિક સાથે નરેન્દ્ર મોદી. મોદીએ હંમેશાં દેશ સાથે ગદ્દારી કરી છે. જે પાકિસ્તાન આતંકવાદીઓ મોકલીને આપણા નાગરિકોની હત્યા કરાવે છે, મોદી તેની સાથે બેસી રહ્યા છે. હજી તો બિરયાની પણ ખવડાવશે અને તાજમહેલ પણ બતાવશે. ધિક્કાર છે.’
સરકારની પાકિસ્તાન નીતિ પર ઉઠાવ્યા સવાલ
પાકિસ્તાની મંત્રીના ભારત આગમનને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પણ તાજેતરમાં કેન્દ્ર સરકારની પાકિસ્તાન નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. ખુર્શીદે કહ્યું હતું કે સરકારનું વલણ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ, જેથી વિપક્ષ પણ તેનું વલણ સમજીને પોતાની પ્રતિક્રિયા આપી શકે.
ખુર્શીદે કહ્યું, ‘સરકારની નીતિ ક્યારેય સ્પષ્ટ હોતી નથી. ક્યારેક તે કંઈક કહે છે તો ક્યારેક કંઈક બીજું. આ કેવી નીતિ છે? સરકાર જે બતાવવા માગે છે, કરવા માગે છે કે કહેવા માગે છે, તે ઓછામાં ઓછું સ્પષ્ટ કરવું જોઈએ. તેનાથી અમે પણ તેની સ્થિતિ સમજીને અમારી પ્રતિક્રિયા નક્કી કરી શકીશું.’ તેમની આ ટિપ્પણી પાકિસ્તાન સાથે વાતચીત અને સંબંધોને લઈને સરકારના વલણની કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી વ્યાપક ટીકા નો એક ભાગ છે.
કોંગ્રેસની આ ટિપ્પણી પાકિસ્તાન સાથે વાતચીતને લઈને મોદી સરકારના વલણ પર સવાલ ઉઠાવે છે. પાર્ટીનું કહેવું છે કે સરકાર એક તરફ પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે કડક સંદેશ આપવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાની પ્રતિનિધિઓના ભારત આગમન અને બહુપક્ષીય મંચોમાં તેમની ભાગીદારી સામે કોઈ વાંધો ઉઠાવતી નથી.
સિંધુ જળ સંધિ પર ભારતનું વલણ બદલાયું નથી: MEA
પાકિસ્તાની મંત્રીના ભારત આગમન અને સિંધુ જળ સંધિ અંગેના તેમના જૂના નિવેદનોને લઈને વિદેશ મંત્રાલયે શુક્રવારે પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે સિંધુ જળ સંધિ અંગે ભારત પોતાનું વલણ અગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું, ‘સિંધુ જળ સંધિ અંગે અમે અમારું વલણ ખૂબ સ્પષ્ટ કરી દીધું છે અને અમારું વલણ એ જ છે. તેમાં જરાય ફેરફાર થયો નથી.’
મુસાદિક મલિકે અગાઉ ભારતના સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના નિર્ણયની આકરી ટીકા કરી હતી. એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. પહેલગામ હુમલામાં 26 લોકોની હત્યા કરવામાં આવી હતી.
પાકિસ્તાની મંત્રીનું વાંધાજનક નિવેદન
જૂન મહિનામાં મુસાદિક મલિકે ભારતના સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાના નિર્ણય અંગે ધમકીભર્યું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના હિસ્સાનું પાણી મેળવવાથી રોકવાનો પ્રયાસ કરનાર હાથ કાપી નાખશે. મલિકે ભારત પર પાકિસ્તાન વિરુદ્ધ પાણીને દબાણ બનાવવાના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
તેમના આ નિવેદનને ભારત વિરુદ્ધની ધમકી તરીકે જોવામાં આવ્યું હતું. હવે એ જ મંત્રીના ભારત આગમન અને દિલ્હીમાં SCOના મંચ પર ભાગ લેવાને લઈને કોંગ્રેસે મોદી સરકારને ઘેરી છે. જોકે, ભારત પહોંચ્યા બાદ સિંધુ જળ સંધિ અંગેના પોતાના જૂના નિવેદન વિશે સીધો સવાલ પૂછવામાં આવતાં મલિકે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે SCO મંચ પર ચર્ચા બહુપક્ષીય માળખા હેઠળ થઈ રહી છે. તેમણે કહ્યું, ‘હું અગાઉ પણ કહી ચૂક્યો છું અને ફરી કહું છું કે અહીં અમારી તમામ ચર્ચાઓ બહુપક્ષીય માળખાની અંદર થઈ રહી છે. આપણે તેના પર જ ધ્યાન આપવું જોઈએ.’
ત્રણ વર્ષ બાદ ભારત આવ્યા પાકિસ્તાની મંત્રી
મુસાદિક મલિકે કહ્યું કે ભારતની તેમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચે અવરજવર ફરી શરૂ થવાની આશા જાગે છે. તેમણે કહ્યું, ‘મને આશા છે કે તમે ફરી ફરિયાદ નહીં કરો અને અમારી અવરજવર ચાલુ રહેશે.’
મલિકે SCO સભ્યતા સંવાદ મંચને બહુપક્ષીય વાતચીતની મોટી તક ગણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ મંચ પર વિવિધ દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં ભૂરાજકીય પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે અને તમામ દેશોએ વ્યાપક દૃષ્ટિકોણથી રાજકીય, સામાજિક તથા અન્ય મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ. મલિકે એમ પણ કહ્યું કે સંસ્કૃતિઓ અને સભ્યતાઓ સરહદોથી પર હોય છે. તેથી આ મંચ પર સહિયારા ઇતિહાસ અને સાંસ્કૃતિક સંબંધો અંગે ચર્ચા કરી શકાય છે.
આતંકવાદ ચાલુ રહેશે ત્યાં સુધી દ્વિપક્ષીય વાતચીત નહીં: BJP
BJPના નેતા નલિન કોહલીએ કોંગ્રેસના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે પાકિસ્તાનને કોઈ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું નથી. પાકિસ્તાની પ્રતિનિધિમંડળ SCOના બહુપક્ષીય મંચમાં ભાગ લેવા આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને આતંકવાદ ચાલુ રહેશે ત્યાં સુધી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત શક્ય નથી.
કોહલીએ કહ્યું, ‘ભારતે પાકિસ્તાનને કોઈ વિશેષ આમંત્રણ આપ્યું નથી. આપણા દ્વિપક્ષીય સંબંધો પહેલાં જેવા જ છે. મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આપણી વિરુદ્ધ આતંકવાદ ચાલુ રહેશે, ત્યાં સુધી વાતચીત થઈ શકે નહીં. આ એક બહુપક્ષીય મંચ છે.’
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં પાર્ટીને જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના કાર્યકાળની વિદેશ નીતિ અંગે પણ સવાલ ઉઠાવવા કહ્યું હતું.
SCO મંચ પર ભારતની કૂટનીતિ
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ છે ત્યારે મુસાદિક મલિકની ભારત મુલાકાત થઈ છે. હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત રાખવા સહિત અનેક પગલાં લીધાં હતાં. ભારત સતત કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. બીજી તરફ, પાકિસ્તાન ભારતના નિર્ણયોની ટીકા કરતું રહ્યું છે અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાની માગ કરતું રહ્યું છે.
SCO સભ્યતા સંવાદ મંચ એક બહુપક્ષીય બેઠક છે. તેમાં પાકિસ્તાનની ભાગીદારીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા અથવા બંને દેશોના સંબંધોમાં સુધારાના સંકેત તરીકે જોવી જરૂરી નથી. જોકે, પાકિસ્તાની મંત્રીના જૂના ધમકીભર્યા નિવેદન અને ભારત સરકારના હાલના વલણ વચ્ચે વિરોધાભાસ હોવાનું જણાવીને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે આતંકવાદના મુદ્દે સરકારની જાહેર કરેલી નીતિ અને બહુપક્ષીય મંચો પર તેની વ્યવહારુ કૂટનીતિ વચ્ચે કેટલો તફાવત છે.

