Naxal Commander Surrender Story: ‘અમે સરકારની તાકાતને ઓછી આંકી’, ટોચના નક્સલી કમાન્ડર પાસેથી સાંભળો મોટી સંખ્યામાં સરન્ડરની ઇનસાઈડ સ્ટોરી

Arati Parmar
3 Min Read

Naxal Commander Surrender Story: એક સમયના મોસ્ટ વોન્ટેડ માઓવાદી મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ લગભગ ચાર દાયકા સુધી હાથમાં હથિયાર રાખ્યા હતા. પરંતુ સાથીઓને આંખો સામે મરતા જોઈને ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ભૂપતિએ હથિયાર છોડી મુખ્યધારામાં પાછા ફરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. ભૂપતિએ ગઢચિરોલીમાં ૬૦ માઓવાદી કેડર અને આધુનિક હથિયારો સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ લગભગ ૬૦૦ કેડરે જંગલોમાંથી બહાર આવી હથિયાર નાખી દીધા અને દેશની મુખ્યધારામાં સામેલ થવાનો માર્ગ પસંદ કર્યો. ભૂપતિએ જણાવ્યું કે જંગલોમાં જિંદગી કેવી હતી અને શા માટે તેમણે ચાર દાયકા પછી હથિયાર છોડવાનો નિર્ણય લીધો.

ગુપ્ત નામ અને ભૂગર્ભ જીવન

ભૂપતિએ જણાવ્યું કે ગઢચિરોલીમાં તેનું નામ ભૂપતિ હતું, પરંતુ ૨૦૦૦ પછી તે ‘સોનુ’ તરીકે ઓળખાતો હતો. તેણે કહ્યું, “અમારી પાર્ટી ભૂગર્ભ (underground) છે, તેથી નામ ગુપ્ત રાખવા પડે છે. જો ઓળખ છતી થઈ જાય તો કામ કરવું મુશ્કેલ બને છે.”

- Advertisement -

આત્મસમર્પણ પાછળના કારણો

ભૂપતિના જણાવ્યા અનુસાર, નવેમ્બર ૨૦૨૪ થી શાંતિ વાટાઘાટોની ચર્ચા શરૂ થઈ હતી. તેણે સ્વીકાર્યું કે સરકારની ઈચ્છાશક્તિ સૌથી વધુ મહત્વની છે. તેના આ નિર્ણય પાછળ ત્રણ મુખ્ય કારણો હતા:

  1. પાર્ટીનું ભૂગર્ભ હોવું: જેના કારણે લોકોથી કપાઈ જવાય છે.

  2. પોતાની શક્તિનું વધુ પડતું આકલન: સૈન્ય રીતે પોતાની શક્તિ વધારે હોવાનું માની લેવું.

  3. રાજ્યની શક્તિનું ખોટું આકલન: સરકાર અને રાજ્યની તાકાતને ઓછી આંકવી એ સૌથી મોટી ભૂલ હતી.

સાથીઓની બીમારી અને અસહાયતા

ભૂપતિએ ભાવુક થઈને જણાવ્યું કે તેની પત્ની તારક્કા અને અન્ય ઘણા વરિષ્ઠ સાથીઓ જંગલમાં ગંભીર બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. જંગલમાં તેમને બચાવવા માટે કોઈ સાધન નહોતું. આવી અસહાય સ્થિતિમાં તેમણે બહાર આવીને આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો.

- Advertisement -

માઓવાદી આંદોલનની ભૂલો

ભૂપતિએ સ્વીકાર્યું કે PESA કાયદો અને વન અધિકાર અધિનિયમ જેવા સરકારી કાયદાઓનો વિરોધ કરવો એ આંદોલનની ભૂલ હતી. તેણે કહ્યું, “ટેકનોલોજીને રોકવી એ મૂર્ખતા છે. આજે આદિવાસી યુવાનો ટેકનોલોજી શીખી રહ્યા છે જે આવકારદાયક છે.”

ઝીરમ ઘાટી અને ચિંતલનાર હુમલા પર ખુલાસો

૨૦૧૩ના ઝીરમ ઘાટી હુમલા વિશે તેણે કહ્યું કે તે કોઈ આયોજિત ઘાત નહોતી, પરંતુ નેતાઓનો રસ્તો અચાનક બદલાતા તે દુર્ઘટના બની હતી. જોકે, તેણે મહેન્દ્ર કર્મા સિવાયના અન્ય લોકોના મોતના મામલે ખેદ વ્યક્ત કર્યો હતો. ૨૦૧૦ના ચિંતલનાર હુમલા માટે તેણે નવી ટુકડીની તૈયારીને જવાબદાર ગણાવી હતી.

- Advertisement -

ભવિષ્યની યોજના

દેવેન્દ્ર ફડણવીસે જ્યારે તેને બંધારણની નકલ આપી ત્યારે તેણે હસીને સ્વીકારી હતી. ભૂપતિએ કહ્યું, “મેં રાજનીતિ ક્યારેય છોડી નહોતી. હવે હું બંધારણના રસ્તે લોકોની વચ્ચે જવા માંગુ છું. જો બધા સાથે આવશે તો ચૂંટણી લડવા વિશે પણ વિચારીશ.” અત્યારે તે પોલીસ સુરક્ષામાં બાસ્કેટબોલ રમીને અને લેખન કાર્ય કરીને પોતાનો સમય વિતાવી રહ્યો છે.

Share This Article