નવી દિલ્હી, તા. 28 : ભાજપનાં નેતૃત્વાળાં એનડીએ જોડાણે રાજ્યસભામાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્રીજી સપ્ટેમ્બરનાં ઉપલાં ગૃહ માટે નિર્ધારિત પેટાચૂંટણીઓ થવા પહેલાં વિપક્ષ કોંગ્રેસના એક સહિત 12 ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઇ ચૂકયા છે. કુલ્લ 245 સભ્યની રાજ્યસભામાં બહુમતનો આંક 122 છે. જો કે, અત્યારે ગૃહના 237 સભ્ય છે, જેમાંથી જમ્મુ-કાશ્મીરની ચાર બેઠક ખાલી છે. પેટાચૂંટણીથી પહેલાં કેસરિયા પક્ષનાં વડપણવાળાં એનડીએ જોડાણ પાસે કુલ્લ 110 સાંસદ હતા, જે કેન્દ્રની સરકારનું સમર્થન કરે છે. પરંતુ હવે 11 સભ્યો નિર્વિરોધ ચૂંટાઇ આવતાં શાસક જોડાણના 121 સભ્ય થઇ ગયા છે.

અત્યારે 237 સભ્યનાં ગૃહમાં બહુમતનો આંક 119 છે. ઉલ્લેખનીય છે કે, 2024ની ચૂંટણીમાં રાજ્યસભાના 10 સભ્ય લોકસભાના સાંસદ ચૂંટાતાં ત્યાર પછીથી ઉપલાં ગૃહમાં 12 જગ્યા ખાલી પડી હતી. ભાજપના પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કામાખ્યાપ્રસાદ તાસા, વિવેક ઠાકુર, ઉદયનરાજે ભોંસલે, બિપ્લબકુમાર દેવ, કોંગ્રેસના કે.સી. વેણુગોપાલ, રાજદનાં મીસા ભારતી સહિત સભ્યો લોકસભા સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના ઘણા સભ્યો આ વખતે લોકસભાની ચૂંટણી લડયા અને જીત્યા હતા. તેમના રાજીનામાં બાદ આ રાજ્યોમાં રાજ્યસભાની બેઠક ખાલી પડી હતી. બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં ભાજપના નવ, કોંગ્રેસમાંથી એક, એનસીપી (અજિત પવાર)માંથી એક અને રાષ્ટ્રીય લોક મોરચામાંથી એકનો સમાવેશ થાય છે.

