નવીદિલ્હી, તા.11 : નીટ-યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી આજે સુપ્રીમ કોર્ટે 18 જુલાઈ સુધી મુલત્વી રાખી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં આજે કેન્દ્ર સરકાર, એનટીએ અને સીબીઆઈ તરફથી સોગંદનામા દાખલ કરી દેવામાં આવ્યા હતાં. આ પહેલા આજે સીબીઆઈએ બંધ કવરમાં પોતાનો રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટને સુપરત કરી દીધો હતો.

આ સ્થિતિમાં હવે તમામ છાત્રોની નજર સુપ્રીમ કોર્ટનાં નિર્ણય ઉપર અટકી ગઈ છે કે, ફરીથી પરીક્ષા યોજાશે કે નહીં? છાત્રો દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં કથિત પેપર લીકને પગલે બીજીવાર પરીક્ષા કરાવવા અને ઉચિત તપાસની માગણી કરવામાં આવેલી છે. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત અરજીઓની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકાર અને એનટીએ દ્વારા પ મેનાં રોજ યોજાયેલી પરીક્ષામાં કોઈપણ પ્રકારની સામૂહિક કે મોટી ગરબડ નકારી દીધી છે.
સીબીઆઈએ આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યુ છે અને બુધવારે કેન્દ્ર સરકાર અને એનટીએ તરફથી સોગંદનામા દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે કેન્દ્ર સરકાર તો એ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કરી ચૂકી છે કે તે ફેરપરીક્ષાનાં પક્ષમાં નથી. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે, ગેરરીતિમાં સંડોવાયેલા લોકોની તપાસ ડેટા એનાલિસીસ દ્વારા કરવા માટે મદ્રાસ આઈઆઈટીને અનુરોધ કરવામાં આવેલો છે. જેમને વધુ ગુણ મળ્યા છે તેની માહિતીનાં વિશ્લેષણમાં ખ્યાલ આવે છે કે, મોટી કોઈ અનિયમિતતા થયેલી નથી.તપાસની સાથોસાથ સતર્કતા દાખવતા નીટ કાઉન્સેલિંગ પણ જુલાઈનાં ત્રીજા સપ્તાહમાં કરાવવાનો નિર્ણય લેવાયો છે. જે ચાર તબક્કામાં કરવામાં આવશે.
જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિનો ગેરલાભ ઉઠાવનાર છાત્રની ઓળખ કરી શકાય. જેને ત્યાંથી જ બહાર કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે આગળ કહ્યું છે કે, અપ્રમાણિત આશંકાઓનાં આધારે 23 લાખ પરીક્ષાર્થીઓ ઉપર પુન: પરીક્ષાનો બોજ નહીં નાખવાનાં પક્ષમાં સરકાર છે. સરકાર ફક્ત એટલું જ સુનિશ્ચિત કરવા માગે છે કે, ખોટી રીતે કોઈ લાભ લઈ ન જાય. બીજીબાજુ એનટીએ તરફથી દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં પટણા, હજારીબાગમાં કોઈ પ્રશ્નપત્ર ગાયબ થયાનું નકારવામાં આવ્યું છે. આ ઉપરાંત ટેલિગ્રામ ઉપર પેપર ફૂટયાનું પણ તેણે નકારી દીધું છે. આ ઉપરાંત તેમાં કહેવામાં આવ્યું છે કે, નીટની પવિત્રતા સુનિશ્ચત કરવા માટે પગલા લેવામાં આવશે. તદુપરાંત કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા યોજવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

