1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે 60 દિવસ પહેલા બુકિંગ કરાવી શકાશે
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ મુસાફરો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે પેસેન્જર ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન ટિકિટ બુકિંગની સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. આ નવો નિયમ 1 નવેમ્બર 2024થી લાગુ થશે.
રેલવે બોર્ડના ડિરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) સંજય મનોચાએ કહ્યું કે ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. “1 નવેમ્બરથી, ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની હાલની મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (સફરની તારીખ સિવાય) કરવામાં આવશે,” તેમણે કહ્યું.
મનોચાએ સ્પષ્ટતા કરી હતી કે 31 ઓક્ટોબર, 2024 સુધીના 120 દિવસના એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP) હેઠળ કરાયેલી તમામ બુકિંગ અકબંધ રહેશે. જો કે, 60 દિવસની ARPથી વધુની બુકિંગને રદ કરવાની મંજૂરી આપવામાં આવશે. તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ જેવી કેટલીક વિશેષ ટ્રેનો અને વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આ નવા નિયમના અમલથી મુસાફરોએ તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરવું પડશે. હવે મુસાફરો મહત્તમ 60 દિવસ પહેલા ટ્રેનની ટિકિટ બુક કરાવી શકશે. આનાથી રેલ્વેને ટ્રેનોની સારી વ્યવસ્થા કરવામાં મદદ મળશે અને મુસાફરોને કન્ફર્મ સીટ મળવાની શક્યતાઓ વધી જશે.
ધારો કે તમારે 1 મે, 2025ના રોજ ચાલતી ટ્રેનમાં ટિકિટ બુક કરાવવાની છે. અગાઉ તમે 1 જાન્યુઆરી, 2025 ના રોજ ટિકિટ બુક કરી શકતા હતા, પરંતુ હવે તમે 2 માર્ચ, 2025 ના રોજ મહત્તમ ટિકિટ બુક કરી શકશો.
આ નવો નિયમ રેલ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર છે અને તમામ મુસાફરોએ તેની જાણ કરવી જોઈએ.

