North-East News: અરુણાચલ પ્રદેશમાં મોટા બંધના વિરોધમાં આંદોલન કરી રહેલા કાર્યકરોને કાનૂની સહાય પૂરી પાડતા એક યુવા વકીલ છેલ્લા સાત દિવસથી જેલની અંદર ભૂખ હડતાળ પર છે. તેમની 25 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
34 વર્ષીય એબો મિલી પર પૂર્વ સિયાંગ જિલ્લાના પાસીઘાટ નગરમાં 24 ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોટા બંધના વિરોધમાં જેન-ઝી પ્રદર્શનકારીઓના એક જૂથ દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન દરમિયાન આ હિંસા થઈ હતી.
જોકે, મિલી ન તો આ પ્રદર્શનનો ભાગ હતા અને ન તો તેમણે પાસીઘાટમાં થયેલી હિંસામાં પોતાની કોઈ ભૂમિકા હોવાની વાત સ્વીકારી છે.
કાર્યવાહી થવાની આશંકાને કારણે તેમણે 24 ઓક્ટોબરના રોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેના બીજા દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પાસીઘાટની એક અદાલતે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
ડેકન હેરાલ્ડના અહેવાલ મુજબ, મિલીના વકીલ સની તાયેંગે શુક્રવારે જણાવ્યું હતું, ‘તેમણે પોતાની ધરપકડના તરત બાદ ભૂખ હડતાળ શરૂ કરી હતી, કારણ કે તેઓ નિર્દોષ છે અને હિંસામાં તેમની કોઈ ભૂમિકા નહોતી. તેમને ડાયાબિટીસ છે અને તેમનો પરિવાર તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે.’
23 ઓક્ટોબરના રોજ અનેક સંગઠનો દ્વારા સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ (SUMP)ના વિરોધમાં બોલાવવામાં આવેલા 12 કલાકના બંધની સમાપ્તિ બાદ સેંકડો જેન-ઝી પ્રદર્શનકારીઓએ પાસીઘાટમાં એક રસ્તો રોકી દીધો હતો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા હતા.
24 ઓક્ટોબરની વહેલી સવારે હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC)ની એક કચેરી અને એક પોલીસ સ્ટેશનને આગ ચાંપવામાં આવી હતી. આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે ધારાસભ્યો અને પાર્ટીના પ્રદેશ એકમના પ્રમુખનાં ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આરોપ છે કે આ ઘટનાઓને જેન-ઝી પ્રદર્શનકારીઓએ અંજામ આપ્યો હતો.
આદિ જનજાતિના લોકોની વસ્તી ધરાવતા સિયાંગ વિસ્તારમાં SUMP (જેમાં 11,200 મેગાવોટનો જળવિદ્યુત પ્રોજેક્ટ સામેલ છે)ની નકારાત્મક અસરોના ભયને કારણે અનેક વર્ષોથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.
પોલીસે પાસીઘાટ હિંસામાં કથિત ભૂમિકાના આરોપસર પાંચ સગીર સહિત 60થી વધુ જેન-ઝી પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. પોલીસે મોટા બંધના વિરોધમાં આંદોલન કરી રહેલા અનેક કાર્યકરોને પણ અટકાયતમાં લીધા છે અને તેમના પર પાસીઘાટ હિંસામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. જોકે, આંદોલનનું નેતૃત્વ કરી રહેલાં સંગઠનોએ આ આરોપોને ફગાવી દીધા છે.
મિલીના વકીલે જણાવ્યું હતું કે તેમની જામીન માટે સોમવારે અદાલતમાં અરજી દાખલ કરવામાં આવશે.
આ પહેલાં પણ પોલીસે SUMP વિરોધી આંદોલન દરમિયાન થયેલી હિંસામાં કથિત ભૂમિકાને લઈને મિલી વિરુદ્ધ કેસ નોંધ્યા હતા. મિલીએ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા અથવા ધરપકડ કરાયેલા આંદોલનકારીઓને કાનૂની સહાય પૂરી પાડી હતી.
અન્ય એક યુવા વકીલ ભાનુ તાતકને પણ પોલીસની આવી જ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તેમણે પણ મોટા બંધનો વિરોધ કરી રહેલા કાર્યકરો અને ગ્રામજનોને કાનૂની સહાય પૂરી પાડી હતી.
તાતકને વિદેશી એજન્સીઓ પાસેથી ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને નાણાં મેળવવાના આરોપમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ગયા વર્ષે વિપક્ષી કોંગ્રેસમાં જોડાયેલા તાતકે આ આરોપોને ફગાવી દીધા છે.
અલગ પ્રદેશની માગણી પૂરી નહીં થાય તો સમુદાયના ધારાસભ્યોને મણિપુર સરકાર છોડવા કહીશું – કુકી-જો કાઉન્સિલ
કુકી-જો કાઉન્સિલે ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર સમુદાયને વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની માગણી પૂરી નહીં કરે, તો તે કડક રાજકીય પગલાં લેવા અંગે વિચારણા કરશે. તેમાં મણિપુર સરકારમાં સામેલ કુકી-જો સમુદાયના ચૂંટાયેલા ધારાસભ્યોને સરકારમાંથી સમર્થન પાછું ખેંચવા અથવા સરકાર છોડી દેવા કહેવાનો પણ સમાવેશ થાય છે.
નોર્થઇસ્ટ નાઉના અહેવાલ મુજબ, કાઉન્સિલના પ્રચાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સમુદાયના અસ્તિત્વને બચાવવા માટે હવે રાજકીય ઉકેલ અત્યંત જરૂરી બની ગયો છે. આ હવે માત્ર એક રાજકીય માગણી રહી નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે મેઇતેઈ અને નાગા જૂથો સાથે જોડાયેલી સતત હિંસા તથા રાજકીય વાતચીતમાં કોઈ પ્રગતિ ન થવાને કારણે સમુદાય હવે વર્તમાન સ્થિતિને વધુ સ્વીકારી શકે તેમ નથી.
કાઉન્સિલે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર ભેદભાવ કરવાનો તથા ન્યાયના મામલે બેવડું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો. તેણે દાવો કર્યો કે જ્યારે મેઇતેઈ અથવા નાગા સમુદાયના લોકોની હત્યા થાય છે, ત્યારે અધિકારીઓ ઝડપથી કાર્યવાહી કરે છે, પરંતુ કુકી-જો નાગરિકોની હત્યાઓને મોટા પાયે અવગણવામાં આવે છે.
કાઉન્સિલે તાજેતરના સુરક્ષા અભિયાનો પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું કે ત્રણ મેઇતેઈ નાગરિકોની હત્યા બાદ સરકારી સુરક્ષા દળોએ કુકીના એક સસ્પેન્શન ઑફ ઑપરેશન્સ (SOO) કેમ્પ પર કબજો કરી લીધો હતો, જ્યારે તેના અનુસાર આ ઘટના સાથે કેમ્પનો સંબંધ હોવાનો કોઈ પુરાવો નહોતો.
કાઉન્સિલે એ સવાલ પણ ઉઠાવ્યો કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ-ઇસાક મુઇવા (NSCN-IM) જૂથ મણિપુરમાં સતત કેવી રીતે સક્રિય છે અને રાજ્ય સરકાર તેની વિરુદ્ધ કાર્યવાહી કેમ કરી રહી નથી. કાઉન્સિલના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ સમજૂતી હેઠળ આ જૂથની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે અને તેના પર કુકી-જો સમુદાય વિરુદ્ધ હિંસા કરવાનો આરોપ પણ છે.
કાઉન્સિલે દાવો કર્યો કે મે 2023થી અત્યાર સુધીમાં ઇમ્ફાલ ખીણમાંથી 40,000 કુકી-જો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે અને સમુદાયના 250થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. તેણે એ પણ જણાવ્યું કે માર્ચ 2026થી અત્યાર સુધીમાં વધુ 32 નાગરિકોની હત્યા થઈ છે તથા અનેક ગામોને સળગાવી દેવામાં આવ્યાં છે. કાઉન્સિલે આ ઘટનાઓ માટે કથિત રીતે NSCN-IM અને ZUF (K)ને જવાબદાર ઠેરવ્યાં.
પોતાના નિવેદનના અંતમાં કાઉન્સિલે સવાલ ઉઠાવ્યો કે શું કુકી-જો સમુદાયને બંધારણ હેઠળ સમાન રક્ષણ અને ન્યાય મેળવવાના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યો છે.

