Pakistani Hindu Refugees Housing Rights: પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર: ‘નાગરિકતા આપી તો ઘર કેમ નહીં?

Arati Parmar
2 Min Read

Pakistani Hindu Refugees Housing Rights: દિલ્હીના મજનૂ કા ટીલામાં રહેતા પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને નાગરિકતા આપ્યા બાદ પણ આવાસ ન મળવા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક સવાલ પૂછ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે “જ્યારે તમે આ લોકોને ભારતની નાગરિકતા આપી દીધી છે, તો તેમને રહેવા માટે ઘર કેમ આપવામાં આવ્યું નથી?” જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કેન્દ્રને કહ્યું કે આ નાગરિકો માટે આવાસની વ્યવસ્થા પર ‘ઉચ્ચતમ સ્તરે ચર્ચા કરવામાં આવે’ અને ઉકેલ શોધવામાં આવે. કોર્ટે જણાવ્યું કે આ પરિવારો અંદાજે ૨૫૦ છે અને તમામ અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે.

સરકારે માંગ્યો ૪ અઠવાડિયાનો સમય

સરકાર વતી હાજર થયેલા અધિકારીઓએ અદાલત પાસે જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો, જે કોર્ટે મંજૂર રાખ્યો હતો. હવે આગામી ચાર અઠવાડિયા પછી આ મામલે વિગતવાર સુનાવણી થશે. ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો તે વચગાળાનો આદેશ જારી રહેશે જેમાં મજનૂ કા ટીલા વિસ્તારમાંથી આ પરિવારોને હટાવવા પર રોક લગાવવામાં આવી છે.

- Advertisement -

HC ના નિર્ણયને શરણાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં આપી છે પડકાર

આ મામલે લાંબી કાયદાકીય લડાઈ ચાલી છે. ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓને વિસ્તારમાંથી હટાવવાની કાર્યવાહી પર રોક લગાવી હતી અને કેન્દ્ર સરકાર તથા DDA ને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. અગાઉ, ૩૦ મેના રોજ દિલ્હી હાઈકોર્ટે આ શરણાર્થીઓની અરજી ફગાવી દેતા તેમને હટાવવાની મંજૂરી આપી દીધી હતી. હાઈકોર્ટના આ જ નિર્ણયને પડકારતા શરણાર્થીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

શરણાર્થીઓ વતી હાજર રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને હાઈકોર્ટના નિર્ણય પર એકતરફી વચગાળાની રોક લગાવવાની માંગ કરી હતી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટનું ધ્યાન એ વાત પર છે કે જ્યારે કેન્દ્ર સરકાર આ લોકોને વૈધ ભારતીય નાગરિક માને છે, તો પછી તેમને પાયાની સુવિધાઓ ખાસ કરીને આવાસ કેમ નથી આપવામાં આવી રહ્યા. કોર્ટે નિર્દેશ આપ્યો કે સરકાર આને માત્ર વહીવટી પ્રક્રિયાનો મામલો ન માને, પરંતુ માનવીય દૃષ્ટિકોણથી ઉકેલ લાવે.

- Advertisement -
Share This Article