PM Modi Foreign Visits: 2021થી 2025 વચ્ચે PM મોદીની વિદેશ યાત્રાઓ પર કરોડોનો ખર્ચ, સરકારે વર્ષવાર આંકડા જાહેર કર્યા
PM Modi Foreign Visits: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2025 દરમિયાન અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને જાપાન સહિત 23 દેશોની વિદેશ યાત્રાઓ પર 180 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે ગુરુવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ અંગે દેશવાર અને વર્ષવાર આંકડા રજૂ કર્યા હતા. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ વર્ષ 2026માં અત્યાર સુધી પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ પર અંદાજે 74.58 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમાં 6થી 11 જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યાત્રાનો પણ સમાવેશ થાય છે.
PM મોદીની વિદેશ યાત્રાનો હિસાબ માંગવામાં આવ્યો હતો
AAPના સંજય સિંહ અને CPI(M)ના વી. શિવદાસને વિદેશ મંત્રાલય પાસે વર્ષ 2021થી અત્યાર સુધી પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓનો દેશવાર વિગતવાર હિસાબ તેમજ આ યાત્રાઓ પર થયેલા ખર્ચની વર્ષવાર અને યાત્રાવાર માહિતી માંગી હતી. વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટાએ પોતાના જવાબમાં વર્ષ 2021થી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી વિદેશ યાત્રાઓ અને દરેક યાત્રા પર થયેલા કુલ ખર્ચની વર્ષવાર તેમજ યાત્રાવાર વિગતો આપી હતી.
PM મોદીની વિદેશ યાત્રાઓ પર વર્ષવાર ખર્ચની વિગતો
- વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીની અમેરિકા યાત્રા (2011) પર 10,74,27,363 રૂપિયા, રશિયા યાત્રા (2013) પર 9,95,76,890 રૂપિયા, ફ્રાન્સ યાત્રા (2011) પર 8,33,49,463 રૂપિયા અને જર્મની યાત્રા (2013) પર 6,02,23,484 રૂપિયાનો ખર્ચ થયો હતો.
- આંકડા મુજબ વર્ષ 2025માં પ્રધાનમંત્રીની વિવિધ દેશોની યાત્રાઓ પર અંદાજે 187 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં ફ્રાન્સ યાત્રા પર 25,59,82,902 રૂપિયા, અમેરિકા યાત્રા પર 16,54,84,302 રૂપિયા, સાઉદી અરેબિયા યાત્રા પર 15,54,03,792.47 રૂપિયા, બ્રાઝિલ યાત્રા પર 17,72,22,144 રૂપિયા, ચીન યાત્રા પર 10,59,90,561 રૂપિયા અને બ્રિટન યાત્રા પર 9,91,55,061.39 રૂપિયાનો ખર્ચ થયો હતો.
- આ ઉપરાંત પ્રધાનમંત્રીએ વર્ષ 2025 દરમિયાન મોરિશિયસ, થાઈલેન્ડ, શ્રીલંકા, સાયપ્રસ, કેનેડા, ક્રોએશિયા, ઘાના, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, આર્જેન્ટિના, નામીબિયા, માલદીવ, જાપાન, ભૂટાન, દક્ષિણ આફ્રિકા, જોર્ડન, ઓમાન અને ઇથિઓપિયાની પણ મુલાકાત લીધી હતી.
- સરકારે જુલાઈ 2025માં રાજ્યસભામાં અન્ય એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2024 દરમિયાન પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ પર કુલ અંદાજે 295 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
- આંકડા મુજબ વર્ષ 2024માં પ્રધાનમંત્રીની રશિયા, યુક્રેન, અમેરિકા અને બ્રાઝિલ સહિત 16 દેશોની યાત્રાઓ પર અંદાજે 109 કરોડ રૂપિયા, વર્ષ 2023માં અંદાજે 93 કરોડ રૂપિયા, વર્ષ 2022માં 55.82 કરોડ રૂપિયા અને વર્ષ 2021માં અંદાજે 36 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
- વર્ષ 2021માં પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશ, અમેરિકા, ઇટાલી અને બ્રિટનની મુલાકાત લીધી હતી. આ યાત્રાઓ પર અનુક્રમે 1,00,71,288 રૂપિયા, 19,63,27,806 રૂપિયા, 6,90,49,376 રૂપિયા અને 8,57,41,408 રૂપિયાનો ખર્ચ થયો હતો.
- વિદેશ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ આંકડા મોંઘવારી અથવા ચલણ વિનિમય દરમાં થયેલા ફેરફારોને સમાયોજિત કર્યા વગરના વાસ્તવિક ખર્ચ દર્શાવે છે.
પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ દરમિયાન કયા કરારો થયા?
- વિદેશ મંત્રાલય પાસે આ યાત્રાઓ દરમિયાન થયેલા દ્વિપક્ષીય કરારો અને સમજૂતી કરારો (MOU), જાહેર કરાયેલા રોકાણ પ્રતિબદ્ધતાઓ તેમજ તેના પરિણામે ભારતમાં આવેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની દેશવાર વિગતો પણ માંગવામાં આવી હતી.
- પબિત્ર માર્ગેરિટાએ જણાવ્યું કે, “પ્રધાનમંત્રીની ઉચ્ચસ્તરીય વિદેશ યાત્રાઓ અન્ય દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા અને દ્વિપક્ષીય, પ્રાદેશિક તેમજ વૈશ્વિક સ્તરે ભારતની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું સ્થાપિત માધ્યમ છે.”
- તેમણે જણાવ્યું કે આ યાત્રાઓ દરમિયાન થયેલા કરારો અને સહમતિઓ ટેક્નોલોજી, નવાચાર, વેપાર અને રોકાણ, સંરક્ષણ, ઊર્જા સહયોગ તેમજ મજબૂત સપ્લાય ચેઇન સહિતના અનેક ક્ષેત્રોમાં ભાગીદારીને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.
- વિદેશ રાજ્યમંત્રીએ 35 પાનાના લેખિત જવાબમાં આ યાત્રાઓ દરમિયાન થયેલા MOUની દેશવાર વિગતો રજૂ કરતાં જણાવ્યું કે એપ્રિલ 2021થી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતમાં કુલ 381.8 અબજ અમેરિકન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું.
- સરકાર દ્વારા રજૂ કરાયેલી યાદી મુજબ જુલાઈ 2021થી પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ દરમિયાન કુલ 316 સમજૂતી કરારો (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

