PM Modi Man Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું કે, દેશ ગુલામીના પ્રતીકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતોને મહત્વ આપવા લાગ્યો છે. આ દિશામાં આપણા રાષ્ટ્રપતિ ભવને પણ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે જણાવ્યું કે ૨૩ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ ઉજવવામાં આવશે.
લાલ કિલ્લા પરથી કરી હતી પાંચ પ્રાણની વાત
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન મેં લાલ કિલ્લા પરથી પાંચ પ્રાણની વાત કરી હતી. તેમાંથી એક છે, ગુલામીની માનસિકતામાંથી મુક્તિ. આજે દેશ ગુલામીના પ્રતીકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતોને મહત્વ આપવા લાગ્યો છે.
રાષ્ટ્રપતિ ભવનમાં લાગશે રાજગોપાલાચારીની મૂર્તિ
આ દિશામાં આપણા રાષ્ટ્રપતિ ભવને પણ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આવતીકાલે એટલે કે ૨૩ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ ઉજવવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનના કેન્દ્રીય પ્રાંગણમાં સી. રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા. તેઓ એવા લોકોમાં હતા જેમણે સત્તાને પદ તરીકે નહીં, પણ સેવા તરીકે જોઈ હતી. જાહેર જીવનમાં તેમનું આચરણ, આત્મસંયમ અને સ્વતંત્ર ચિંતન આજે પણ આપણને પ્રેરણા આપે છે.
રાજાજી ઉત્સવમાં લાગશે ખાસ પ્રદર્શન
પીએમ મોદીએ કહ્યું કે, કમનસીબે આઝાદી પછી પણ રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ વહીવટકર્તાઓની મૂર્તિઓ તો રહેવા દેવામાં આવી હતી, પરંતુ દેશના મહાન સપૂતોને જગ્યા આપવામાં આવી ન હતી. બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સની પ્રતિમા પણ રાષ્ટ્રપતિ ભવનમાં લાગેલી હતી. હવે આ પ્રતિમાના સ્થાને રાજાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. રાજાજી ઉત્સવ દરમિયાન રાજગોપાલાચારી જી પર આધારિત એક પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન ૨૪ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી ચાલશે.
આ મંત્રો હંમેશા યાદ રાખો
આ દરમિયાન દેશવાસીઓને અપીલ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનારા પ્રદર્શનમાં દરેક વ્યક્તિ સમય કાઢીને તે જોવા જરૂર જાય. તમે સૌ તમારા પરિવાર અને સ્વજનો સાથે ખુશીથી બધા તહેવારો ઉજવો. ‘વોકલ ફોર લોકલ’ જેવા કેટલાક મંત્રો હંમેશા યાદ રાખો. આપણી હોળીના તહેવારોમાં કે અન્ય કોઈ પણ તહેવારમાં એવી ઘણી વસ્તુઓ ઘૂસી ગઈ છે જે વિદેશી છે. આને તહેવારોથી દૂર રાખો, હોળીથી પણ દૂર રાખો, સ્વદેશી અપનાવો. જ્યારે તમે સ્વદેશી ખરીદો છો ત્યારે દેશને આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં પણ મદદ કરો છો.
લોકો પાસે માંગ્યા સૂચનો
‘મન કી બાત’ કાર્યક્રમને લઈને પીએમ મોદીએ દેશવાસીઓ પાસે તેમના સૂચનો પણ માંગ્યા હતા. વડાપ્રધાને કહ્યું, “મને દર મહિને ‘મન કી બાત’ માટે તમારા અસંખ્ય સૂચનો મળે છે. તમારા મોકલેલા સંદેશાઓ દ્વારા અમને દેશના ખૂણેખૂણામાં છુપાયેલી અદ્ભુત પ્રતિભાઓ વિશે જાણવા મળે છે. વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કંઈક કરવાની અનેક પ્રેરણાદાયી ગાથાઓ તમારા માધ્યમથી દેશભરના લોકો સુધી પહોંચી છે. તમે તમારા પ્રયત્નો ચાલુ રાખો, મને તમારા સંદેશાઓની રાહ રહેશે.”

