What Is Floor Test: તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે, સુપરસ્ટાર થલાપતિ વિજયની નવી પાર્ટી TVK (તમિલગા વેત્રી કઝગમ) એ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો હાંસલ કરી છે અને હવે સરકાર બનાવવાની તૈયારી થઈ રહી છે. જોકે વિજય સામે બહુમતી સાબિત કરવાનો સૌથી મોટો પડકાર છે, આ માટે તેઓ સતત અન્ય ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યપાલે વિજયને 118 ધારાસભ્યોના હસ્તાક્ષર લાવવા માટે કહ્યું છે, જો એવું નહીં થાય તો રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા સત્ર બોલાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે ફ્લોર ટેસ્ટ શું હોય છે અને તેમાં કેવી રીતે વોટ નાખવામાં આવે છે.
કોને કેટલી બેઠકો મળી છે?
TVK – 108
DMK – 59
ADMK – 47
INC – 05
PMK – 04
IUML – 02
CPI – 02
કુલ બેઠકો – 234
બહુમતી – 118
શું હોય છે ફ્લોર ટેસ્ટ?
તામિલનાડુના રાજ્યપાલને જો 118 ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો પત્ર નથી મળતો તો તેઓ વિજયની પાર્ટી TVK ને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે કહી શકે છે. આ માટે ફ્લોર ટેસ્ટ અથવા તો વિશ્વાસ મત લેવામાં આવે છે. આ ટેસ્ટથી એ જાણી શકાય છે કે સરકાર બનાવવાનો દાવો કરનાર પાસે વિધાનસભામાં બહુમતી (Majority) છે કે નહીં. સામાન્ય રીતે મુખ્યમંત્રીઓએ આ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે, જ્યારે તેમની સરકાર અલ્પમતમાં આવે છે અથવા તો વિપક્ષ એવો દાવો કરે છે. આમાં એક અન્ય પ્રકારનો ટેસ્ટ પણ સામેલ હોય છે.
કમ્પોઝિટ ફ્લોર ટેસ્ટ શું છે?
ફ્લોર ટેસ્ટ સિવાય એક બીજો ટેસ્ટ હોય છે, જેને કમ્પોઝિટ ફ્લોર ટેસ્ટ કહેવામાં આવે છે. આ માત્ર ત્યારે જ થાય છે જ્યારે એક કરતા વધુ વ્યક્તિ સરકાર બનાવવાનો દાવો રજૂ કરે છે. સામાન્ય રીતે આ ત્યારે થાય છે જ્યારે એ સ્પષ્ટ ન હોય કે બહુમતી કોની પાસે છે, ત્યારે રાજ્યપાલ એક વિશેષ સત્ર બોલાવી શકે છે, જેથી એ જોઈ શકાય કે કોની પાસે સૌથી વધુ ધારાસભ્યો છે.
ફ્લોર ટેસ્ટ અથવા તો કમ્પોઝિટ ફ્લોર ટેસ્ટ માટે રાજ્યપાલ ગમે ત્યારે સત્ર બોલાવી શકે છે. આ માટે તેઓ પોતાની સત્તાઓ અનુચ્છેદ 163 અને 174 નો ઉપયોગ કરે છે. આ દરમિયાન સૌથી મોટી પાર્ટી અથવા તો વર્તમાન સરકારને બહુમતી સાબિત કરવા માટે કહેવામાં આવે છે. બહુમતી સાબિત નહીં કરી શકવા પર સરકાર પડી જાય છે અને પછી અન્ય પક્ષને તક આપવામાં આવે છે.
કેવી રીતે થાય છે વોટિંગ?
ફ્લોર ટેસ્ટ દરમિયાન વોટિંગ બે રીતે થઈ શકે છે…
Voice Vote (ધ્વનિ મત): આમાં ધારાસભ્યો હા કે ના બોલીને પોતાની સંમતિ આપે છે.
Division Vote (વિભાજન): આમાં ધારાસભ્યોને અલગ-અલગ જૂથોમાં ગણવામાં આવે છે અથવા તો તેઓ ઇલેક્ટ્રોનિક બટન દબાવીને કે ચિઠ્ઠી દ્વારા વોટ આપે છે.
જો બે પક્ષોને સરખા વોટ પડે છે તો વિધાનસભા સ્પીકર પોતાનો વોટ નાખીને નિર્ણય લે છે.
બહુમતી સાબિત નહીં થાય તો શું થશે?
તામિલનાડુમાં જો કોઈ પણ પક્ષ બહુમતી સાબિત નથી કરી શકતો તો એવા સંજોગોમાં રાજ્યપાલ પોતાની સત્તાનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. સામાન્ય રીતે આ અંતિમ વિકલ્પ હોય છે અને એવું થતા પહેલા જ કોઈ ને કોઈ પક્ષ ગઠબંધન કરીને બહુમતી હાંસલ કરી લેતા હોય છે.

