PM Modi Oman National Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ત્રણ દેશોનો પ્રવાસ પૂરો કરીને પરત ફર્યા છે. આ દરમિયાન તેમને ઓમાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ સન્માન તેમને ઓમાનની બે દિવસીય યાત્રા દરમિયાન મળ્યું હતું. આ ઘટના ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાને દર્શાવે છે. આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીને આ સન્માન મળ્યું હોય. અત્યાર સુધી પીએમ મોદી 6 માંથી પાંચ ખાડી (અખાતી) દેશો પાસેથી સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ભારત અને ખાડી દેશો વચ્ચે બદલાતા સંબંધોનો મોટો સંકેત છે.
ઓમાનમાં પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન
‘ઓર્ડર ઓફ ઓમાન ફર્સ્ટ ક્લાસ’ પીએમ મોદીને મળેલું 29મું આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. તેમણે મે 2014 માં પહેલીવાર ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. ત્યારથી અત્યાર સુધી પીએમ મોદીને 6 ખાડી દેશોમાંથી 5 દેશો તરફથી સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યું છે. આ એ વાતનો સંકેત છે કે તેલ સમૃદ્ધ આ દેશો સાથે ભારતના સંબંધોમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. આ દેશો સાથે દિલ્હીના સંબંધો ગાઢ બની રહ્યા છે.
ખાડી દેશો સાથે આ રીતે મજબૂત થઈ રહ્યા છે સંબંધો
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદની જવાબદારી સંભાળ્યા પછી છેલ્લા 11 વર્ષોમાં ભારત અને ખાડી દેશોના સંબંધો માત્ર ઉર્જા વ્યાપાર અને ત્યાં રહેતા ભારતીયો સુધી મર્યાદિત રહ્યા નથી. હવે આતંકવાદ સામે લડત, સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ મજબૂત ભાગીદારી થઈ છે. કોરોના મહામારી દરમિયાન ભારત ખાડી દેશો માટે ખાવા-પીવાની ચીજવસ્તુઓનો મોટો સપ્લાયર બન્યો હતો.
UAE-ઓમાન સાથે ફ્રી ટ્રેડ ડીલ
બીજી તરફ, ખાડી દેશોએ પણ લિક્વિડ ઓક્સિજન મોકલીને ભારતની મદદ કરી હતી. સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) એ વ્યાપારિક ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે. બંને પક્ષો હવે નવી અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખાડી દેશો તરફથી પીએમ મોદીને આપવામાં આવેલા ખાસ નાગરિક સન્માન આ મુજબ છે:
ખાડી દેશો તરફથી મળેલા આ સન્માન
સૌદી અરેબિયા: ‘ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ’
UAE: ‘ઓર્ડર ઓફ ઝાયદ’
બહેરીન: ‘કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ’
કુવૈત: ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’
ઓમાન: ‘ઓર્ડર ઓફ ઓમાન’
આ પહેલા આ સન્માન મહારાણી એલિઝાબેથ દ્વિતીય અને નેલ્સન મંડેલા જેવા દિગ્ગજોને પણ મળી ચૂક્યા છે. આ બતાવે છે કે ભારતની વિદેશ નીતિમાં ખાડી દેશોનું મહત્વ કેટલું વધી ગયું છે.

