PM Modi Rozgar Mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૧૮માં ‘રોજગાર મેળા’ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં ૬૧,૦૦૦ થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ નવનિયુક્ત યુવાનોને સંબોધિત કર્યા હતા.
શનિવારે વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૬ની શરૂઆત તમારા જીવનમાં નવી ખુશીઓની શરૂઆત કરી રહી છે. આ સાથે જ્યારે વસંત પંચમી ગઈકાલે જ ગઈ છે, ત્યારે તમારા જીવનમાં પણ આ નવી વસંતની શરૂઆત થઈ રહી છે. આ સમય તમને બંધારણ પ્રત્યેની તમારી જવાબદારીઓ સાથે પણ જોડી રહ્યો છે. સંયોગથી આ સમયે દેશમાં ગણતંત્રનો મહાપર્વ ચાલી રહ્યો છે.
આજનો દિવસ વિશેષ: પીએમ મોદી
પીએમ મોદીએ આગળ કહ્યું, આજનો દિવસ ખૂબ જ વિશેષ છે. આજના દિવસે જ આપણા બંધારણે ‘જન-ગણ-મન’ને રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યું હતું. આજના દિવસે જ ૬૧ હજારથી વધુ નવયુવાનો જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે. આ તમામ યુવાનોને સરકારી નિમણૂક પત્રો આપી રહ્યા છીએ. વીતેલા વર્ષોમાં રોજગાર મેળો એક સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ) બની ગયો છે. આના દ્વારા લાખો યુવાનોને સરકારના અલગ-અલગ વિભાગોમાં નિમણૂક પત્રો મળી ચૂક્યા છે. આજે ભારત, વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે. અમારી સરકારનો સતત પ્રયાસ છે કે ભારતની યુવાશક્તિ માટે દેશ-દુનિયામાં નવા-નવા અવસરો બને.
આજે ભારત સરકાર અનેક દેશો સાથે ટ્રેડ અને મોબિલિટી એગ્રીમેન્ટ કરી રહી છે. આ ટ્રેડ એગ્રીમેન્ટ ભારતના યુવાનો માટે અનેક નવી તકો લઈને આવી રહ્યા છે. ડિજિટલ મીડિયા જેવા અનેક ક્ષેત્રોમાં ભારત ગ્લોબલ હબ બની રહ્યું છે. ભારતની ક્રિએટર ઈકોનોમી ખૂબ જ ઝડપી ગતિએ વધી રહી છે.
ભારત પર વધી રહ્યો છે દુનિયાનો ભરોસો: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, આજે ભારત પર જે રીતે દુનિયાનો ભરોસો વધી રહ્યો છે, તે પણ યુવાનો માટે અનેક નવી શક્યતાઓ ઉભી કરી રહ્યો છે. ભારત વિશ્વની એકમાત્ર એવી ઈકોનોમી છે જેણે માત્ર એક દાયકામાં જીડીપી (GDP) ને બમણી કરી છે. પીએમ મોદીએ કહ્યું, ભારતમાં પુષ્કળ વિદેશી રોકાણ થઈ રહ્યું છે. આજે ભારત ડિફેન્સ, દવાઓ, ઓટો સહિત અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ કરી રહ્યું છે. ૨૦૧૪ પછી ભારતની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ૬ ગણો વધારો થયો છે. આજે આ ૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુની ઈન્ડસ્ટ્રી છે.
આજે દેશ ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર ચાલી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં જીવન અને વ્યવસાય, બંનેને સરળ બનાવવાનો છે. આજના આ આયોજનમાં ૮ હજારથી વધુ દીકરીઓને પણ નિમણૂક પત્રો મળ્યા છે. છેલ્લા ૧૧ વર્ષોમાં દેશના વર્કફોર્સમાં, મહિલાઓની ભાગીદારીમાં લગભગ બમણો વધારો થયો છે.
Addressing the Rozgar Mela. It reflects our Government’s strong commitment to empowering the Yuva Shakti. https://t.co/ngfXRnXfcZ
— Narendra Modi (@narendramodi) January 24, 2026
યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ઝડપથી બદલાતી ટેકનોલોજીના આ યુગમાં દેશની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ પણ ઝડપથી બદલાઈ રહી છે. આ ઝડપી બદલાવ સાથે તમારે તમારી જાતને અપગ્રેડ કરતા રહેવાનું છે. મને ખુશી છે કે આટલા ઓછા સમયમાં લગભગ દોઢ કરોડ સરકારી કર્મચારીઓ iGOT ના આ પ્લેટફોર્મ સાથે જોડાઈને પોતાની જાતને નવેસરથી ટ્રેન્ડ કરી રહ્યા છે, સશક્ત કરી રહ્યા છે. આપણા બધા માટે એક મંત્ર છે- ‘નાગરિક દેવો ભવ:’.

