લખનઉ, તા. 17 : ઉત્તરપ્રદેશમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે બુધવારે રાજ્ય વિવિધ રાજકીય ગતિવિધિનું સાક્ષી બન્યું હતું. કેશવપ્રસાદ મૌર્યના વિદ્રોહી વલણ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા પહોંચી ગયા હતા. રાજ્યની રાજનીતિમાં ગરમાવા બાદ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી પ્રદેશમાં સરકાર અને સંગઠન વચ્ચે ખેંચતાણનો અહેવાલ આપ્યો હતો. દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ વડાપ્રધાન મોદીને મળ્યા હતા, તો ચૌધરીએ શાહની મુલાકાત લીધી હતી. લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટાં નુકસાન બાદ ભાજપ અને સાથી પક્ષો યોગી સરકારની કામગીરી સામે સવાલ ઊઠાવી રહ્યા છે.


