ફાયરની ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે, અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે
વડોદરા/અમદાવાદ, 11 નવેમ્બર. ગુજરાતના વડોદરા જિલ્લામાં સોમવારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ની રિફાઈનરીમાં જોરદાર વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડાના ગોટેગોટા છ કિલોમીટરના અંતર સુધી જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરની ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બપોરે 3.50 વાગ્યાની આસપાસ થયો હતો. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે. સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કંપનીની આસપાસની ઓફિસ અને યુનિટની બારીઓના કાચ તૂટી ગયા હતા અને કર્મચારીઓ ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.

