નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વામિત્વ યોજના હેઠળ દેશના 10 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશના 50 હજારથી વધુ ગામડાંના 65 લાખ લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજનાથી સાચા અર્થમાં ગ્રામ સ્વરાજનું અમલીકરણ શક્ય બનવા માંડયું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રસંગમાં વીડિયો કોન્ફરન્સિંગના સેતુ દ્વારા જોડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સંપત્તિના અધિકારના પડકારથી વિશ્વ પીડાય છે, ત્યારે સ્વામિત્વ યોજનાની પહેલ હેઠળ પ્રોપર્ટી કાર્ડના રૂપમાં સંપત્તિના કાનૂની અધિકારો લોકોને મળતાં ગરીબી દૂર થશે.
સાથોસાથ આર્થિક વિકાસને વેગ મળશે. દુનિયાભરમાં સંપત્તિના અધિકારનો અભાવ એક ગંભીર સમસ્યા છે, જેનો ઉકેલ આર્થિક વિકાસ માટે જરૂરી છે. પાંચ વર્ષમાં દોઢ કરોડ લોકોને પ્રોપર્ટી કાર્ડ રૂપે આ અધિકાર મળી ચૂક્યો છે. સ્વામિત્વ યોજના હેઠળ સરકારે અત્યાર સુધી કુલ અઢી કરોડ લોકોને સંપત્તિના હક આપ્યા છે, તેવું મોદીએ કહ્યું હતું. આજનો દિવસ ગામડાંઓની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે. આ યોજના પાંચ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી, જેથી ગામમાં રહેતા લોકોને તેમના ઘરના કાયદાકીય પુરાવા આપી શકાય, તેવું મોદી બોલ્યા હતા. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી અને કહ્યું હતું કે, આ યોજના લોકોને લોન અને સરકારી યોજનાઓના લાભ મેળવવામાં મદદ કરશે. આ પ્રોપર્ટી કાર્ડ 10 રાજ્ય છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખના 50,000થી વધુ ગામડાંમાં લાભાર્થીઓને વિતરીત કરવામાં આવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, 21મી સદીમાં મિલકત હક એક પડકાર છે.
ઘણા વર્ષો પહેલાં સંયુક્ત રાષ્ટ્રે ઘણા દેશોમાં જમીન મિલકત પર અભ્યાસ કર્યો હતો. યુએનએ કહ્યું હતું કે, જો ગરીબી ઘટાડવી હોય તો લોકો પાસે સંપત્તિનો અધિકાર હોવો જરૂરી છે. આ યોજના હેઠળ, અમે ગામડાંના લગભગ 2.25 કરોડ લોકોને તેમનાં મકાનોના કાયમી કાનૂની દસ્તાવેજો આપ્યા છે. અગાઉ ગામના લોકો પાસે લાખો-કરોડની મિલકત હોવા છતાં તેની કિંમત એટલી ન હતી. કારણ કે, તેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નહોતા. હવે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની આર્થિક ગતિવિધિઓ માટે માર્ગ ખૂલી ગયો છે.

