Supreme Court Hearing Stray Dogs: સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મામલે ગુરુવારે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સિનિયર એડવોકેટ્સ સી. યુ. સિંઘ, કૃષ્ણન વેણુગોપાલ, ધ્રુવ મહેતા, ગોપાલ શંકરનારાયણન, શ્યામ દિવાન, સિદ્ધાર્થ લુથરા અને કરુણા નંદી સહિત અનેક વકીલોની દલીલો સાંભળી હતી. કોર્ટે જણાવ્યું કે, અજાણતામાં પણ જો કોઈ પાલતું કૂતરો કોઈ પડોશી પર હુમલો કરે, તો તે એક ગુનો છે. શુક્રવારે પણ આ મામલે સુનાવણી ચાલુ રહેશે.
સુનાવણીની શરૂઆતમાં એમિકસ ક્યુરી સિનિયર એડવોકેટ ગૌરવ અગ્રવાલે બેન્ચને જણાવ્યું કે બુધવારે ચાર રાજ્યોએ આ મામલે પોતાના પાલન અંગેના સોગંદનામા દાખલ કર્યા છે. દિલ્હી જેવા શહેરોમાં ઉંદરોનો ગંભીર ત્રાસ છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં વાંદરાઓની પણ એક મોટી સમસ્યા છે. કૂતરાઓને અચાનક હટાવવાથી ઉંદરોની વસ્તી વધશે, જેના દુષ્પરિણામો આવશે. ત્યારે જસ્ટિસ મહેતાએ ટિપ્પણી કરી કે, ‘હળવા અંદાજમાં કહીએ તો કૂતરા અને બિલાડીઓ દુશ્મન છે. બિલાડીઓ ઉંદરોને મારે છે. તેથી શું આપણે બિલાડીઓને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ?’
એડવોકેટ સિંઘે કહ્યું કે તેઓ કોર્ટના આદેશો પર સવાલ ઉઠાવી રહ્યા નથી. ફક્ત તેને પુનઃ તપાસવા અને તેમાં જરૂરી સુધારા કરવા વિનંતી કરી રહ્યા છે. કૂતરાઓની સંખ્યા નસબંધી (સ્ટરલાઇઝેશન), રસીકરણ અને પછી તે જ વિસ્તારમાં છોડી દેવાની પદ્ધતિથી નિયંત્રિત કરવી જોઈએ. બેન્ચે પૂછ્યું, ‘અમને જણાવો કે દરેક હોસ્પિટલના કોરિડોરમાં, વોર્ડમાં અને દર્દીઓના બેડ પાસે કેટલા કૂતરાઓને ફરવાની મંજૂરી હોવી જોઈએ?’
ABCના નબળા અમલીકરણ પર નારાજગી
કોર્ટને જણાવવામાં આવ્યું કે કર્ણાટકમાં ૯૬ એબીસી (એનિમલ બર્થ કંટ્રોલ) સેન્ટર હોવા છતાં આદેશોનું પાલન કરવામાં આવ્યું નથી. જસ્ટિસ નાથે ટિપ્પણી કરી કે નગર નિગમોએ આ દિશામાં ગંભીર પ્રયાસો કર્યા નથી. બેન્ચે કહ્યું કે રખડતા કૂતરાઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં ગ્રામ પંચાયત, નગર પરિષદ અને નગર નિગમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે.
IIT દિલ્હી મોડેલનો અપાયો હવાલો
કોર્ટ સમક્ષ આઈઆઈટી દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા એબીસી મોડેલનો હવાલો આપવામાં આવ્યો હતો, જ્યાં યુદ્ધના ધોરણે નસબંધી અને રસીકરણ પછી છેલ્લા ત્રણ વર્ષમાં હડકવા (રેબીઝ)નો એક પણ કેસ સામે આવ્યો નથી. કોર્ટને જણાવવામાં આવ્યું કે માઇક્રો-ચિપિંગ અને જીઓ ટેગિંગ દ્વારા કૂતરાઓની દેખરેખ રાખવી સરળ બની ગઈ છે.

