નવી દિલ્હી, તા. 30 : શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર બેઠક માટે પાકિસ્તાન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલાં આમંત્રણ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે વાતચીત માટેનો દોર હવે ખતમ થઈ ગયો છે.

દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં વિદેશમંત્રીએ પાક, બાંગલાદેશ તેમજ માલદીવ સંબંધિત મુદ્દાઓ પર વાત કરી હતી. પાકના સંદર્ભમાં જયશંકરે કહ્યું હતું કે, પડોશી દેશ સાથે વાતચીતનો દોર ખતમ થઈ ગયો છે, તો પછી તેવા દેશ સાથે સંબંધોની કલ્પના કેમ કરી શકાય. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ભારત હવે આતંકવાદ અને સંવાદને એક સાથે જોઈ જ નહીં શકે. ભૂતકાળમાં ભારતે પાક સાથે વાતચીતના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનની બેવડી નીતિના કારણે તે શક્ય બની શકયું નહીં, તેવું વિદેશ પ્રધાને જણાવ્યું હતું. જયશંકરનું આ નિવેદન ભારત-પાકના સંબંધોમાં વકરેલી તાણ બતાવે છે. હવે સમય આવી ગયો છે કે, સંવાદ માટે આતંકવાદીને પૂર્ણ ખતમ કરવો પડશે, તેવું તેમણે ઉમેર્યું હતું. બાંગલાદેશ મુદ્દે જયશંકર બોલ્યા કે, અમે સરકાર સાથે વાત કરીશું. રાજકીય બદલાવ ખતરનાક બની શકે છે, તેવું સ્વીકારવું પડશે.

