Fighter Jet Genration News : ફાઈટર જેટમાં જનરેશનનો અર્થ શું? ભારત પાસે કેટલી પેઢીના વિમાનો છે?

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Fighter Jet Genration News : હાલમાં વિશ્વના ઘણા હિસ્સા યુદ્ધગ્રસ્ત છે. બે દેશ વચ્ચેના યુદ્ધમાં ફાઈટર જેટની ભૂમિકા નિર્ણાયક સાબિત થતી હોય છે. તાજેતરમાં ભારતે પાકિસ્તાનને જબરદસ્ત લપડાક લગાવી એમાં પણ ફાઈટર જેટનું પ્રદાન સવિશેષ હતું. આધુનિક જમાનામાં એકથી એક ચઢિયાતા ફાઈટર જેટ બની રહ્યા છે. અમેરિકા અને રશિયા તેમના પાંચમી પેઢીના અત્યાધુનિક ફાઈટર જેટ પર ગૌરવ લે છે. એવામાં સમાચાર આવ્યા છે કે ચીને છઠ્ઠી પેઢીનું ફાઈટર જેટ J-36 બનાવી કાઢ્યું છે. ભારતનું કટ્ટર દુશ્મન પાકિસ્તાન ચીન પાસેથી 5મી પેઢીનું આધુનિક ફાઈટર જેટ J-35 મેળવવા જઈ રહ્યું છે. આજુબાજુના બંને દેશ હવાઈ મોરચે આટલા આગળ નીકળી ગયા હોય ત્યારે ભારતની સ્થિતિ શું હશે, એ જાણવું જરૂરી બની જાય છે.

ભારત આ મામલે પાછળ છે!

- Advertisement -

ભારત પાસે હાલમાં ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત રાફેલ જેટ છે. આપણા આ અદ્યતન ફાઈટર જેટને 4.5 પેઢીનું ફાઈટર જેટ માનવામાં આવે છે. પાકિસ્તાન સામે આ રાફેલે જ અમોઘ પરાક્રમ કર્યું હતું. અલબત્ત, પાંચમી અને છઠ્ઠી પેઢીના જેટ વધુ આધુનિક છે. પાંચમી પેઢીના જેટ ખરીદવા હોય તો ભારત પાસે બે વિકલ્પ છેઃ અમેરિકાનું F-35 અને રશિયાનું Su-57.

ફાઈટર જેટમાં ‘જનરેશન’ એટલે શું?

- Advertisement -

જનરેશનનો સાદો અર્થ પેઢી થાય છે. ફાઈટર જેટના સંદર્ભમાં વાત કરીએ તો જે-તે જેટમાં વપરાયેલી ટેક્નોલોજી અને તેની યુદ્ધ ક્ષમતાઓના આધારે ફાઈટર જેટનો ‘વિકાસ ક્રમ’ અથવા ‘પેઢી’ નક્કી થાય છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ, તેમ તેમ ફાઈટર જેટ પણ વધુ ઝડપી, વધુ ઘાતક, વધુ સ્વચાલિત બનતા ગયા. તેથી તેમની ક્ષમતાઓને આધારે તેમને વિવિધ ‘જનરેશન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

ફાઈટર જેટનો વિકાસ, પહેલી પેઢીથી ત્રીજી પેઢી સુધી

- Advertisement -

વિશ્વનું પહેલી જનરેશનનું ફાઈટર જેટ જર્મની દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. ‘મેસેરશ્મિટ મી 262’ નામનું એ જેટ ‘જનરેશન-1’ ગણાયું હતું. 1955 થી 1970 ની વચ્ચે બનેલા બધા ફાઈટર જેટને બીજી પેઢીના ફાઈટર જેટ કહેવામાં આવે છે. બીજી જનરેશનમાં અગાઉની જનરેશન કરતાં બહેતર ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ, શસ્ત્રો અને રડાર જોવા મળ્યા હતા. એ ક્રમ ભવિષ્યમાં પણ ચાલુ રહ્યો. 1970 પછી બનેલા વિમાનોમાં ઈન્ટિગ્રેટેડ એન્જિન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્રીજી જનરેશનના એ ફાઈટર જેટમાં એરફ્રેમ અને એન્જિન એકસાથે આવ્યા હતા.

ચોથી પેઢીના જેટ ખૂબ ચાલ્યાં

1970 થી 2000 ના દશક સુધી બનેલા ફાઈટર જેટને ચોથી પેઢીના ગણવામાં આવે છે. આ પેઢીમાં પહેલીવાર એવા વિમાન બનાવાયા હતા જેનો ઉપયોગ ઈન્ટરસેપ્ટર અને બોમ્બર તરીકે વિવિધ મિશનમાં થઈ શકતો.

પાંચમી પેઢીના પ્લેનઃ ઓટોમેશનનો અત્યાધુનિક અવતાર

પાંચમી પેઢીના ફાઈટર જેટમાં મોટાભાગની સિસ્ટમો ઓટોમેટિક હોય છે. યુદ્ધ દરમિયાન તેઓ જાતે જ ખતરો શોધી કાઢે છે, અને તેમના પર કેવી રીતે હુમલો કરવો, કયા હથિયારોથી હુમલો કરવો તે પોતે જ નક્કી કરીને તેની પાઈલટને જાણ કરે છે.

છઠ્ઠી પેઢીનું જેટ બનાવીને ચીન રેસમાં આગળ નીકળી ગયું

હજુ સુધી કોઈપણ દેશના સૈન્યમાં છઠ્ઠી પેઢીનું જેટ કાર્યરત નથી. અલબત્ત, અમેરિકા, રશિયા અને યુરોપના દેશોનો સમૂહ જાહેરાત કરી ચૂક્યો છે કે તેઓ છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ બનાવવા પર કામ કરી રહ્યા છે. એવામાં ચીને J-36 નામનું છઠ્ઠી પેઢીનું ફાઈટર જેટ વિકસાવી લીધું હોવાના સમાચારે સનસનાટી મચાવી દીધી છે.

છઠ્ઠી પેઢીના ફાઈટર જેટની વિશેષતા શું હશે?

છઠ્ઠી પેઢીનું ફાઈટર જેટ અદ્યતન સ્ટીલ્ધ ટેક્નોલોજી ધરાવતું હશે. સ્ટીલ્ધ એટલે કોઈપણ પ્રકારના રડારમાં ન ઝડપી શકાય એવી ટેક્નોલોજી. છઠ્ઠી પેઢીનું ફાઈટર જેટ કૃત્રિમ બુદ્ધિમત્તા ધરાવતું હશે, ડ્રોનના ઝૂંડને કાબૂમાં કરવાની ક્ષમતા ધરાવતું હશે અને હાઈપરસોનિક શસ્ત્રો ધરાવતું હશે. આ વિમાનોની ઉડ્ડયન ક્ષમતાથી લઈને શસ્ત્રાગાર સુધીનું બધું જ પાંચમી પેઢીના પ્લેન કરતા વધારે હશે. ટૂંકમાં, છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ દુશ્મન દેશના દાંત ખાટા કરી દેનાર અમોઘ શસ્ત્ર હશે.

Share This Article